પ્રસૂન જોશીએ સેન્સર બોર્ડના ચેરમેન તરીકે સફળ થવા શું વિચાર્યુ અને શું કર્યું ?

- મેં ક્યારેય વિચાર્યું નહોતું કે લોકો આર્ટ (કળા) ને કઈ રીતે જુએ છે. પરંતુ એક વાત હું પહેલેથી સમજુ છું કે નદી પાર કરવા એના મોજા સાથે બાથ ભીડતો માણસ અને કિનારે ઊભેલો માનવી- બંને માટે નદીનો અર્થ જુદો જુદો હોવાનો. પહેલી વ્યક્તિ માટે નદી આક્રમક છે અને બીજાને મન એ એકદમ શાંત છે. આ વાત કળાના સર્જનને પણ લાગુ પડે છે. 


બો લીવુડમાં પ્રસૂન જોશી એક બુદ્ધિજીવી તરીકે જાણીતા છે. તેઓ એક ઉત્તમ દરજ્જાના ગીતકાર અને લેખક હોવા ઉપરાંત સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી)ના છેલ્લા ૩ વર્ષથી ચેરમેન પણ હતા. ખરૂં પૂછો તો સેન્સર બોર્ડનું સુકાન એક કાંટાળો તાજ છે. નિર્માતા-દિગ્દર્શક પહલાજ નિહલાનીને એનો સારો અનુભવ છે. તેઓ સીબીએફસીના ચીફ તરીકે ઘણા વિવાદોમાં સપડાયા હતા. વિવાદ અને સેન્સર બોર્ડ પર્યાયવાચી શબ્દ બની ગયા છે. સેન્સર બોર્ડના વડાને કોઈ વિવાદ કે ફસાદ નડે નહિ એવું બને જ નહિ. સવાલ એ છે કે પ્રસૂન જોશીએ ૩ વર્ષમાં સીબીએફસીના ચેરમેન તરીકે કઈ રીતે વિવાદો અને વિવાદાસ્પદ ફિલ્મો સાથે કામ પાર પાડયું ?

તાજેતરમાં પુરા થયેલા ૫૧માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (આઇએફએફઆઇ)માં જોશીને આ સવાલ પૂછાયો હતો. છેલ્લા ૩ વર્ષમાં એમણે ઐતિહાસિક હસ્તીઓ અને રાજકીય નેતાઓ પર આધારિત ફિલ્મોની રિલીઝ વખતે ઘણાં વિરોધ અને વાંધાવચકા જોયા છે. આવા સંકટોનો પોતે કી રીતે સામનો કર્યો એ વિશે પ્રસૂન જોશીએ આઇએફએફઆઈમાં વિગતવાર ચર્ચા કરી હતી. એમણે પોતાનો અનુભવ વર્ણવતા કહ્યું હતું કે સીબીએફસીમાં આવ્યા પહેલા મેં ક્યારેય વિચાર્યું નહોતું કે લોકો આર્ટ (કળા) ને કઈ રીતે જુએ છે. પરંતુ એક વાત હું પહેલેથી સમજુ છું કે નદી પાર કરવા એના મોજા સાથે બાથ ભીડતો માણસ અને કિનારે ઊભેલો માનવી- બંને માટે નદીનો અર્થ જુદો જુદો હોવાનો. પહેલી વ્યક્તિ માટે નદી આક્રમક છે અને બીજાને મન એ એકદમ શાંત છે. આ વાત કળાના સર્જનને પણ લાગુ પડે છે. સર્જન કરનારનો સર્જન કરવા પાછળનો ઉદ્દેશ એક હોય અને એના સર્જનનું લોકો સાવ બીજી રીતે અર્થઘટન કરે એવું બની શકે. ઇસી લિયે, લગાતાર ઉસ પર બાતચીત કરતે રહેના આવશ્યક હૈ. મેં સેન્સર બોર્ડનું ચેરમેનપદ સંભાળ્યું ત્યારે મને લાગ્યું હતું કે ચર્ચા માટે હમેશા દરવાજા ખુલા રાખવા જોઈએ. મેં એ જ કર્યું અને હું ઘણી બાબતોનો ઉકેલ લાવી શક્યો. હું બસ એક મૂળ વાત સમજ્યો છું કે સચ્ચા કલાકાર કભી કિસી કો નુકસાન પહુંચાને કે લિયે ફિલ્મ નહીં બનાતા.

ચર્ચાને આગળ વધારતા પ્રસૂન જોશીએ એક બીજી બહુ વ્યવહારુ વાત કરી હતી. તેમણે કહ્યું કે લોકોની ભાવનાઓ સાથે જોડાયેલો હોય એવા વિષય પર કોઈ ફિલ્મ કે નાટક બનાવે ત્યારે એના મનમાં વિષય કે પાત્રને ન્યાય કરવા બાબતમાં પુરેપુરી ઇમાનદારી હોવી જોઈએ. એ બહુ જરૂરી છે. તમારા કેમેરા એંગલથી લોકોને તમારા ઇરાદા કે ઉદ્દેશની જાણ થઈ જાય છે. બીજો પ્રશ્ન એ છે કે તમે તમારી ફિલ્મના વિષય પર પુરતુ રિસર્ચ (સંશોધન) કર્યું છે કે નહિ ? તમે વિષય પર એના નિષ્ણાતો સાથે ચર્ચા ન કરો ત્યાં સુધી તમને એના વિશે કમેન્ટ કરવાનો કોઈ હક નથી. હું હંમેશા નિર્માતા-દિગ્દર્શકોને એક વણમાગી સલાહ આપતો હોઉં છું કે તમને વિષયમાં ગતાગમ ન પડતી હોય તો એના એક્સપ્રટસ સાથે બેસીને એને બરાબર સમજી લો. એમાં ખોટુ શું છે ? ઉલ્ટાનું એમ કરીને તમે વિવાદ ટાળી શકો છો. જોશીસાહેબે એક બીજી મહત્ત્વની વાત કરતા કહ્યું હતું કે સર્જક અને પ્રેક્ષક વચ્ચે વિશ્વાસનો સેતુ હોવો બહુ જરૂરી છે. એક વાત દરેકે સમજી લેવી જોઈએ કે જેના માટે તમે સર્જન કર્યું છે એનો જો તમારા પ્રત્યે વિશ્વાસ નહિ હોય તો નુકસાન કળાને, સર્જનને જ થવાનું છે. એટલે જ હું કહું છું કે કલાકાર અને શ્રોતાઓ વચ્ચે વિશ્વાસનો સેતુ હમેશા સાબુત રહેવો જોઈએ. ઉસ વિશ્વાસ કો જિતના પડતા હૈ, ઉસ વિશ્વાસ કો કમાના પડતા હૈ, બાકી રેગ્યુલેટરી બોડીઝ તો આવતી જતી રહેશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MzksKs
Previous
Next Post »