- જૈન ધર્મના દર્શન, જ્ઞાાન અને ચારિત્રના ત્રિરત્નને વર્તમાન સંદર્ભમાં સમજવું અને સમજાવવું પડશે. ધર્મમાં કરુણા અને અનુકંપાનાં તત્ત્વનો મહિમા થશે. કોરોના કાળમાં કોરોના વોરિયર્સનો મહિમા થયો અર્થાત્ એવું પણ થશે કે ધર્મોત્સવોમાં જેમ ધનવાનોનો મહિમા થાય છે, તે જ રીતે કોરોના વોરિયર્સનું અભિવાદન થશે.
દુ નિયા આખીનો ચહેરો બદલી નાખનારી કોરોના મહામારી ધીરે ધીરે ભારતમાંથી વિદાય લઈ રહી છે, ત્યારે સહુના મનમાં એક સવાલ જાગે કે હવે પછીનું ધર્મજગત કેવું પરિવર્તન પામ્યું હશે ? શું ધર્મના સિદ્ધાંતો બદલાઈ ગયા હશે ? મંદિરમાં જઈને પૂજાપાઠ કરવા કે ધાર્મિક ઉત્સવોનું આયોજન કરવું - એ બધી બાબતોમાં હવે પરિવર્તન આવશે ખરું ? ધાર્મિક માનસની વિચારધારામાં કેવો ભાવપલટો આવશે ? ધર્મ ક્ષેત્રે કોને આદરભર્યું સ્થાન મળશે અને કઈ બાબતોને વિદાય મળશે ? આવા અનેક પ્રશ્નોએ કેટલુંક મનોમંથન જગાવ્યું છે.
એ હકીકત બનશે કે જ્યારે જ્યારે માનવજીવન પર આપત્તિ આવશે, ત્યારે ત્યારે એ તરત બોલી ઊઠશે કે ''આ તો કોવિડ-૧૯ની ૨૦૨૦ની આકાશપાતાળ એક કરનારી આપત્તિ જેવી આપત્તિ છે' અથવા તો એમ કહેશે કે 'આ અગાઉની કોવિડ-૧૯ જેવી આ આપત્તિ નથી.'
આવી પ્રચંડ આપત્તિના પ્રતિકારની ઘટનાઓમાંથી માનવી શિસ્ત, સમજ અને બળ બંને મેળવતો હોય છે. કોરોના મહામારી સમયે સામાજિક ક્ષેત્રની માફક જ ધાર્મિક ક્ષેત્રે પણ નવી સમજ અને ભીતરી બળનો જન્મ થયો. એક આપત્તિ ધર્મસિદ્ધાંતોને, ધર્મનાં આચરણને અને ધાર્મિક ક્રિયાકાંડોની કેવી અગ્નિપરીક્ષા કરે છે, તેનો ખરો ખ્યાલ આ સમયે આવી ગયો.
કલ્પના કરો કે ધાર્મિક સંસ્થાઓએ પોતાનું કેવું રૂપ બદલી નાખ્યું ! ક્યાંક માસ્ક, સેનિટાઇઝર વગેરેનું વિતરણ શરૂ થયું. ક્યાંક મંદિરો ગરીબોને ભોજન આપવા લાગ્યા. દુબઈના શીખ ગુરુદ્વારમાં વેક્સિન લેનારાની નોંધણી થાય કે ક્યાંક ધાર્મિક સંસ્થાઓમાં વેક્સિન આપવા માટેનું મોટા પાયે આયોજન પણ થયું. લંડનમાં નીસડનમાં સ્વામિનારાયણ મંદિરમાં આવી રીતે વેક્સિન લેવા માટેની વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી. એ કોવિડ વેક્સિનનું 'હબ' બની ગયું. આ રીતે જોઈએ તો આ આપત્તિએ જેમ માણસની રોગપ્રતિકારકશક્તિની કસોટી કરી, એ જ રીતે એણે એ પણ બતાવી આપ્યું કે ધર્મસ્થાનો બંધ હોવા છતાં ધર્મના પાયા કેટલા બધા સુદૃઢ છે.
ભારતમાં બે હજારથી પણ વધુ ધર્મસંપ્રદાયો પ્રવર્તે છે. એ દરેકના જુદાં જુદાં ધર્મસ્થાનો છે અને વર્ષો જૂની પરંપરા છે. આમ છતાં ૧૩૧ કરોડની વસ્તી ધરાવતા ભારતે ધર્મની બાબતે સ્વયં શિસ્ત અને સમજદારીનું ઉદાહરણ પૂરું પાડયું છે. મહામારી સમયે કોઈએ એવી જડતા કે દુરાગ્રહ રાખ્યો નહીં કે ગમે તે થાય, તો પણ હું દેવસ્થાનમાં દર્શન કર્યા વિના રહીશ નહીં. કોઈએ આને માટે ધર્મસ્થાનની આગળ અગ્નિસ્નાન કરવાની જાહેરાત કરીને તોફાન મચાવ્યું નહીં ! આમ ધર્મોએ જાગતિક પરિસ્થિતિ સમક્ષ પોતાનું રૂપ અને સ્વરૂપ બદલ્યું અને એને પરિણામે રાજકારણ હોય કે ધર્મસ્થાનો હોય, પણ ભીડના શોખીન લોકોએ સોશિયલ ડિસ્ટન્સની અને એ પૂર્વે ધર્મસ્થાનો બંધ રાખવાની વાતનો સ્વીકાર કર્યો. ભારત જેવા દેશમાં આવી ધાર્મિક સ્વયંશિસ્ત એક અજાયબી જ લાગે, પણ તે કોરોના મહામારીના સમયની વાસ્તવિકતા બની રહી.
બીજી આનંદની ઘટના એ બની કે અંધશ્રદ્ધાળુ કે ધર્મપરાયણ લોકોમાં 'વિજ્ઞાાનદૃષ્ટિ'ની ખિલાવટ થઈ. આવે સમયે લોકો દોરા-ધાગા, ભૂવા કે આપત્તિનિવારણ યજ્ઞાયાગ સુધી પહોંચી જતા હોય છે. ભૂતકાળમાં જ્યારે જ્યારે પ્લેગ કે અન્ય રોગની મહામારી આવી છે, ત્યારે આવી બાબતો ચોતરફ જોવા મળતી. રાતોરાત રોગ દૂર કરતું મંત્રેલું પાણી હોય કે પછી કોઈ રોગ નિવારણ મંત્ર હોય, તો ગામડાંઓમાં અને અમુક વર્ગોમાં પ્રચિલત બનતા હતા. કોરોના મહામારીના કાળમાં આવું ભાગ્યે જ બન્યું. ક્યાંક છૂટી છવાઈ આવી ઘટનાઓ બની, પરંતુ એને કોઈ વિશેષ મહત્ત્વ મળ્યું નહીં. સરકારી પ્રચાર, ટેલિવિઝન અને સોશિયલ મિડિયાને કારણે આ વાયરસ વિશેની સહુને વૈજ્ઞાાનિક સમજ મળી અને એનાથી રક્ષણ મેળવવા માટે પ્રયત્ન થયા.
ક્યાંક વ્યક્તિની ઇમ્યુનિટી વધારનારી દવાઓ પણ જુદી જુદી ધાર્મિક સંસ્થાઓએ વિનામૂલ્યે આપી. કોરોના વાયરસના અદૃશ્ય શત્રુનો મુકાબલો કરવા માટે ધર્મસ્થાનો બંધ રહ્યા, ત્યારે ધર્મપરાયણ લોકોએ ભીતરમાં ધર્મપ્રયોગ કર્યો અને એને પરિણામે ધર્મ એ દુર્વૃત્તિઓ સામે લડવાનું અને સદ્વૃત્તિઓને પ્રેરવાનું કામ કરતો હતો એ જ ધર્મ હવે ધાર્મિક માણસની સુખાકારીની ચિંતામાં વ્યસ્ત થઈ ગયો. જુદી જુદી ધર્મભાવનાઓનું પણ મૂલ્યાંકન અને અનુસરણ થવા લાગ્યું.
ટેકનોલોજીને કારણે માણસ ઊંચા શિખરો પર પહોંચ્યો હતો, પણ કોરોના આવતાં જાણે પર્વતના શિખર પાસે પહોંચેલો માણસ જરા આંખ ખોલતા જ સાવ તળેટીમાં રહીને ઊભો રહ્યો હોય એમ લાગ્યું ! મહામારી એક વાયરસે માનવીના અહંકારને કેવો ઓગાળી દીધો. આમ એક બાજુ ધર્મની બાહ્યપ્રવૃત્તિ બંધ થતાં આંતરિક પ્રવૃત્તિ વિકસી અને એને કારણે વ્યક્તિ પોતાના આત્મબળનો વિચાર કરીને આ કફોડી પરિસ્થિતિમાં વધુને વધુ 'પોઝિટિવ' રહેવાનો પ્રયત્ન કરવા લાગ્યો. ઘરની બહાર પગ મૂકતા ભયભીત થતો માણસ ધીરે ધીરે અભયની કેળવણી મેળવવા લાગ્યો, તો બીજી બાજુ એને પોતાના જીવનની ક્ષણભંગુરતાનો પણ અહેસાસ થયો.
ક્યાંક તો એવું બને કે વ્યક્તિ એકાએક કોરોનાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં જાય અને પછી એનું મુખ પણ જોવા ન મળે ! એના અગ્નિસંસ્કાર વખતે માત્ર બે કે ત્રણ વ્યક્તિને ઉપસ્થિત રહેવાની પરવાનગી મળે. અને આવી આકસ્મિકતાને કારણે જીવનની ક્ષણભંગુરતાનો લોકોને ખ્યાલ આવ્યો.
ધર્મક્ષેત્રે સહુથી મહત્ત્વની ઘટના બની હોય તો તે પરિવર્તન છે. ધર્મમાં માનવતાનો મહિમા થયો અને મંદિરની નજર માનવી પર ગઈ. માણસની સુખાકારીના વિચારની સાથોસાથ ધર્મોપદેશની બાબતમાં પણ પરિવર્તન આવ્યું. આપણે એ સમજી લેવું જોઈએ કે જ્યારે જ્યારે બાહ્ય પરિવર્તન આવે છે, ત્યારે માણસે આંતરિક પરિવર્તન કરવું જોઈએ. જો એ બાહ્ય પરિવર્તનનો અસ્વીકાર કરે તો સમય જતાં એક અવ્યવસ્થા અને અંધાધૂંધી પેદા થાય છે. એ સાચું છે કે કોઈ પણ પરિવર્તન આવે, ત્યારે પહેલાં એની સામે ઘણા પ્રત્યાઘાત જાગે છે. ટેલિવિઝન આવ્યું ત્યારે ઘણાએ એવો દેકારો મચાવ્યો હતો કે તમારા દિવાનખંડમાં દુષ્ટ રાક્ષસ પેસી જશે. તમારા સંતાનો વંઠી જશે અને લોકોનું મન વિકૃત થઈ જશે. કેટલાકે એની 'ઇડિયડ બોક્સ' કહીને એની હાંસી ઊડાવી હતી, પણ અંતે એ પરિવર્તનનો સ્વીકાર કરવો પડયો. આનો અર્થ એ કે જો બાહ્ય પરિવર્તનને સમજીને આંતરિક પરિવર્તન કરવામાં આવે નહીં, તો એનું અસ્તિત્વ લાંબો સમય ટકતું નથી. ધર્મમાં પણ કેવું પરિવર્તન આવ્યું.
ટેકનોલોજી દ્વારા એક જ વ્યક્તિની વિચારધારા આખા વિશ્વમાં પહોંચવા લાગી. અગાઉ પર્યુષણ પર્વ સમયે વિદેશના કોઈ એક શહેરમાં પર્યુષણનાં પ્રવચનો આપવા જતો હતો, પણ આ વખતે ટેકનોલોજીની સહાયથી દારેસલામ, ઇંગ્લેન્ડ, અમેરિકા, એન્ટવર્પ, મુંબઈ અને અમદાવાદ એમ બધાં સ્થળોએ ધર્મભાવનાઓની વાત પહોંચાડી શકાઈ. આથી ધાર્મિક વિચારોનો વ્યાપ વધ્યો. વળી એની સાથોસાથ તુલના અને પસંદગીનો પણ અવકાશ ઊભો થયો. જેમને જેની પાસેથી ધર્મસિદ્ધાંતો જાણવા હોય એનું જ પ્રવચન સાંભળી શકે એવી મોકળાશ ઊભી થઈ અને એથીય વધુ તો અનેક લોકો સુધી એના વિચારો પહોંચી શક્યા. વળી એ વિચારો અમુક નિશ્ચિત સમયે સાંભળવા પડે, એને બદલે એ પોતાના અનુકૂળ સમયે પણ સાંભળી શકે.
આ રીતે કોરોના મહામારીને કારણે ધર્મસિદ્ધાંતોના પ્રચાર માટે ટેકનોલોજી દ્વારા એક નવી દુનિયા ખડી થઈ ગઈ. અને આ મહામારી સદંતર વિદાય લેશે, પછી પણ અનિવાર્યપણે આ પરિવર્તન ચાલુ જ રહેશે અને વધુને વધુ પ્રસરતું રહેશે. શું ધર્મને એના સિદ્ધાંતો બદલવા પડશે ખરાં ? હકીકતમાં સિદ્ધાંતો નહીં, પણ સિદ્ધાંતો પ્રત્યેનો અભિગમ બદલવો પડશે. એણે સિદ્ધાંતોની એપ્લિકેશનમાં પરિવર્તન લાવવું પડશે. એ ધાર્મિક સિદ્ધાંતો વ્યક્તિગત જીવનને કઈ રીતે લાભદાયી અને માર્ગદર્શન બને છે તે દર્શાવવું પડે છે. જેમ કે 'શ્રીમદ્ ભગવદ્ગીતા'ના કર્મયોગની વાત આજના મેનેજમેન્ટના સિદ્ધાંતોના સંદર્ભમાં ઉજાગર કરી શકાશે.
જૈન ધર્મના દર્શન, જ્ઞાાન અને ચારિત્રના ત્રિરત્નને વર્તમાન સંદર્ભમાં સમજવું અને સમજાવવું પડશે. ધર્મમાં કરુણા અને અનુકંપાનાં તત્ત્વનો મહિમા થશે. કોરોના કાળમાં કોરોના વોરિયર્સનો મહિમા થયો અર્થાત્ એવું પણ થશે કે ધર્મોત્સવોમાં જેમ ધનવાનોનો મહિમા થાય છે, તે જ રીતે કોરોના વોરિયર્સનું અભિવાદન થશે.
વર્તમાન સમયે વ્યક્તિને માટે પોઝિટિવ રહેવું જરૂરી છે. કેટલીય પોઝિટિવ સ્ટોરી આજે અખબારોમાં કે સોશિયલ મિડિયામાં જોવા મળે છે. એના દ્વારા ઘણા લોકો પોતાનું મનોબળ મજબૂત કરે છે અને જીવન તરફ વિધાયક અભિગમ ધરાવે છે. ધર્મની પોઝિટિવ કથાઓનો મહિમા વધશે અને એ રીતે કોરોના કાળની મહામારીમાં આવેલાં પરિવર્તનોએ જાણ્યે-અજાણ્યે ધર્મના વ્યાપક અને આંતરિક સ્વરૂપની સહુને ઓળખ આપી દીધી !
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uaf1m4
ConversionConversion EmoticonEmoticon