સદ્ગુરુએ આપણને આત્મભોમમાં વાવવા જ્ઞાાનબીજ આપ્યાં છે

- જેમ પ્રમાદી અને મૂર્ખ લોકોએ વાવવા માટેનું બીજ ખાઈ લીધું તેમ પ્રસાદી અને અસંયમી જીવો જ્ઞાાની ગુરુજનોએ કહેલ ધર્મબીજને ગુમાવે છે.


શ્રીપુરગામ અને તેના પરિસરમાં પદ્મતિલક નામે રાજા રાજ્ય કરતો હતો.  આ ગામમાં એકવાર એવો દુષ્કાળ પડયો કે ખેતરમાં વાવવા માટે વાવણીયોગ્ય બીજ પણ ન મળે. દયાવંત રાજાને પડોશી રાજ્યો સાથે સારો સંબંધ હતો. તેણે કૃષ્ણદ્વીપ રાજ્યના યુગવીરરાજા પાસેથી, બીજ મંગાવી ગામના ખેડૂતોને ધાન્ય પકાવવા ખેતરમાં વાવવા માટે આપ્યું.

આ અનાજનું બીજ કેટલાક મુર્ખ અને આળસુ ખેડૂતો ખાઈ ગયા. કેટલાકે અડધું ખાધું અને અડધું વાવ્યું, કેટલાકે પૂરું વાવ્યું ને ઊગ્યુંએ ખરું અને અનેક ગણું પેદા કર્યું. કેટલાકે ખેતરમાં વાવ્યું ઊગ્યુંએ ખરું પરંતુ રાજા કરરૂપે લઈ જશે એવા ભયથી ગુપ્ત રીતે ઘરે લઈ જવા માટે ખેતરમાં જ છુપાવ્યું. રાજાને ખબર પડતાં રાજાએ તેમને દંડ કર્યો ને ધાન્ય જપ્ત કર્યું.

આ સમયમાં શ્રીપુરગામમાં આચાર્ય શ્રી સોમસુંદરજી પધાર્યા. કેટલાક પુરુષાર્થી નીતિવાન સમૃધ્ધ ખેડૂતોએ સ્થાનકમાં ધર્મસભા સમયે ગામની આખી પરિસ્થિતિનો ચિતાર આપ્યો કે, મૂર્ખ અને આળસુ ખેડૂતો પાસે અને રાજાએ દંડિત કરેલ ખેડૂતો પાસે ખાવા પૂરતું પણ ધાન્ય નથી તે દુઃખી છે, તો આપ ઉપાય બતાવો.

પ્રબુદ્ધ કરુણાવંત આચાર્યએ કહ્યું કે, અન્નદાન પરમદાન છે, માટે આપ થોડું તેના માટે અન્નદાન કરો. સાથેસાથે મારે કહેવું છે કે, પ્રમાદ, આળસ અને અનીતિ, ચોરીની અનુમોજના ન થાય માટે તમારા દયાવાન રાજાને તમે મહાજન મળીને વિનંતી કરો કે, રાજ્યનું કાંઈ પણ કામ આપી અને આ ખેડૂતોને તેની સામે જીવનનિર્વાહ પૂરતું ધાન અને ધન આપે. રાજા દયાવાન છે, જેથી જરૂર મહાજનની વિનંતી સ્વીકારશે જેથી પુરુષાર્થ, શ્રમ અને નિતીની અનુમોદના થશે અને આ પ્રશ્ન હલ થશે.

આટલી વહેવારું વાત કર્યા પછી આચાર્ય ગુરુભગવંતે ઉપદેશમાં કહ્યું કે,

તમારા ગામના આ પ્રસંગમાંથી આપણે સૌએ ધર્મબોધ લેવાનો છે કે, જેમ પ્રમાદી અને મૂર્ખ લોકોએ વાવવા માટેનું બીજ ખાઈ લીધું તેમ પ્રસાદી અને અસંયમી જીવો જ્ઞાાની ગુરુજનોએ કહેલ ધર્મબીજને ગુમાવે છે.

અડધું ખાધું અને અડધું વાવ્યું તેવા ખેડૂતોની સરખામણી આપણે થોડો પુરુષાર્થ કરવાવાળા અને આંશિક વિરતીઘર એટલે કે કેટલાક અંશે વ્રતો પાળવાવાળા લોકો સાથે સરખાવી શકીએ છીએ. ધર્મક્ષેત્રમાં આવા વ્રતી લોકોને કેટલોક લાભ થાય છે.

જે ખેડૂતોએ સઘળું બીજ ખેતરમાં વાવ્યું અને મબલખ પાક લીધો તેને ધર્મલોકમાં સદાચારી સાધુચરિત જીવો કહી શકાય, એ તમામ ભવ્ય જીવોએ વ્રતબીજ આત્મારૂપી ખેતરમાં વાવ્યું ને ઊપજતાં સમ્યક્પણે પાળ્યું તેવાને અપ્રમત અને પુરુષાર્થી જીવની સાથે સરખાવી શકાય.

જેણે બીજ મેળવી ખેતરમાં વાવ્યાં, પાક મેળવી અને અંતે નષ્ટ કર્યો તેવા જીવો ધર્મક્ષેત્રમાં પણ છે, પણ તેનું વર્તન વિચિત્ર છે. આવા જીવોની ધર્મકરણી બહારથી તો દેખાય છે પણ તેની અંતરંગ દશા અવળી છે. તેને તેણે પોતે ઉપાર્જન કરેલા પરિગ્રહમાં આસક્તિ છે. લોભ કષાયને કારણે તેનું આચરણ નીતિમત્તાપૂર્ણ નથી હોતું. ભોગ- ઉપભોગ તેની પ્રિય પ્રવૃત્તિ હોય છે. મિથ્યાત્વના પોષણને કારણે તેને સાચા-ખોટાની પરખ નથી. કષાયને કારણે મોહરાજા તેના આત્મગુણોનું હરણ કરી જાય છે. આવા કંગાલ થઈ ગયેલા લોકો સાથે તેની સરખામણી કરી શકાય.

વ્યાખ્યાનના સમાપનમાં કલ્યાણમિત્ર ગુરૂ ભગવંતે કહ્યું કે, પરમાત્માના પયગંબરરૂપી સદ્ગુરુએ આપણને આત્મભોમમાં વાવવા જ્ઞાાનબીજ આપ્યાં છે, તેનો મબલખ પાક લેવા આપણે સૌ સમ્યક્ પુરુષાર્થ કરીશું તો સ્વ-પરનું કલ્યાણ સાધી શકીશું. સૌ પરમસંતોષ સાથે ગુરુવંદન કર્યું અને ધર્મસભા સંપન્ન થઈ.

- ગુણવંત બરવાળિયા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3u555KG
Previous
Next Post »