ખેડા જિલ્લામાં કેન્દ્રની યોજનાઓ આગળ ધરી મતદારોને રિઝવવા ભાજપના પ્રયાસ


નડિયાદ, તા.16 ફેબ્રુઆરી 2021, મંગળવાર

ખેડા જિલ્લામાં આજે આવનાર દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ માટે રાજકીય પક્ષોએ પ્રચારના શ્રીગણેશ કર્યા છે. આજ રોજ કેન્દ્રીય મંત્રીએ કઠલાલ અને મહુધાના સણાલીમાં સભા ગજવી હતી. તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની રૂપરેખા આપી ભાજપ ઉમેદવારોને વોટ આપવા અપીલ કરી હતી. જ્યારે કોંગ્રેસ પક્ષે ઘરે-ઘરે જઈને પ્રચાર શરૂ કરી દીધો છે.

ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂકયા છે.ત્યારે કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ કઠલાલ અને મહુધાના સણસાલીમાં જનમેદનીને સંબોધન કર્યુ હતુ.કઠલાલ નગરપાલિકાની સત્તા પરથી સમાજવાદી પક્ષને ઉથલાવવા ભાજપે પૂરજોશમાં પ્રચાર શરૂ કરી દીધો છે. ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા પૂરી થતાં જ  ઉમેદવારો એક્શન મોડમાં આવી ગયા છે. ભાજપના પ્રચાર માટે શહેરમાં આજે કેન્દ્રિય મંત્રીની જાહેર સભા યોજાઈ ગઈ. સભામાં કઠલાલ નગરને જરૂરી એવા બાગબગીચા, ટાઉનહોલ તેમ જ કેન્દ્ર-રાજ્ય સરકારોની યોજનાઓનો સીધો લાભ નાગરિકોને અપાવે તેવી વ્યવસ્થા માટેના મુદ્દાઓની ચર્ચા છેડાઈ હતી. કઠલાલ નગરપાલિકાના દસ વર્ષના શાષનકાળમાં સમાજવાદી પક્ષની નિષ્ફળતા વિશે ભાજપના આગેવાનોએ ચાબખા માર્યા હતા. આ સભામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 

કોંગ્રેસના ગઢ મનાતા મહુધા તાલુકાના સણાલી ગ્રામ પંચાયતના મેદાનમાં કેન્દ્રીય મંત્રીએ પોતાના આગવા અંદાજમાં રમૂજી ઉદાહરણ આપી કોગ્રેસ પક્ષ પર ચાબખા માર્યા હતા. તેમણે કોવિડ-૧૯ ના નિયનો અંતર્ગત ચૂંટણી સભા યોજવા બદલ આયોજકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

બીજી તરફ કોંગ્રેસ પક્ષ દ્વારા પોતાના ઉમેદવારોના પ્રચાર-પ્રસારનો પણ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. નગરપાલિકામાં વોર્ડદીઠ જ્યારે તાલુકા પંચાયતમાં નાના ગામડા સુધી પોતાના ઉમેદવારોની જીત માટે કોંગ્રેસના આગેવાનો લોકોને અપીલ કરી રહ્યા છે. વળી ક્યાંક ક્યાંક ખાટલાસભાઓ જોવા મળી રહી છે તો ક્યાંક ગામના વિશાળ ચોગાનમાં સભા ભરી લોકોને મત માટે રીઝવવાના પ્રયાસો દેખાઈ રહ્યા છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NfmWht
Previous
Next Post »