આજના જમાનામાં કુટુંબો નાનાં થઈ ગયાં છે. કુટુંબમાં ત્રણથી ચાર સભ્યો જ હોય છે. આટલા ઓછા સભ્યોનું જીવન વ્યવસ્થિત રીતે ચાલે તે માટે પણ પતિપત્ની બંને કામ કરતાં હોય છે. સુખસગવડતાવાળું જીવન જીવી શકાય એવો પ્રયત્ન તેઓ કરતાં હોય છે. બંને જણાં તનતોડ મહેનત કરે છે, પરંતુ વધારેમાં વધારે પૈસા કમાવાની લાલચમાં બંને વચ્ચે સતત સ્પર્ધા થતી રહે છે. 'કોણ વધુ કમાય છે' એ સવાલ મહત્ત્વનો બની ગયો છે. વધુ કમાવા માટેની બંને વચ્ચે નિર્દોષ હરીફાઈ થાય એમાં ખોટું કંઈ નથી, પરંતુ ઘણી વાર તેમાં માનસિક વિકૃતિ આવી જાય છે ત્યારે તેનું પરિણામ સારું નથી આવતું, પછી ભલેને બંને ગમે તેટલું કમાતા હોય!
આધુનિક યુગમાં સ્ત્રીપુરુષ બંનેનું કમાવું ફેશન નહીં રહેતાં જરૃરિયાત બની ગઈ છે. મોટું શહેર હોય કે પછી નાનું શહેર, નાન ું ગામડું હોય કે પછી મોટું ગામ, પરંતુ હકીકત એ છે કે ઘર ચલાવવું હોય તો કામ શોખથી નહીં ફરજિયાત રીતે કરવું પડે છે. એ વાત જુદી છે કે તમે તમારા શોખનું કામ કરો.
વધુ કમાવાથી થતો અહમ્
આજે પરિસ્થિતિ એવી છે કે મોટાં શહેરો જેટલી જ નાનાં શહેરોમાં કે ગામડાંમાં પણ કામની વ્યવસ્તતા જોવા મળે છે. આવા સમયે સ્ત્રી હોય કે પુરુષ બંને આવા મોકાનો ભરપૂર ફાયદો ઉઠાવીને પોતાનાં શિક્ષણનો બહેતર ઉપયોગ કરે છે. એક તરફ સ્ત્રીઓ કમાવાની હરીફાઈમાં પુરુષો કરતાં આગળ નીકળીને મેદાન મારી જાય છે અને વધુ કમાણી કરે છે. તો બીજી તરફ લગ્ન પછી સામાન્ય રીતે એવો વિવાદ ઊભો થતો હોય છે કે તારી કમાણી મારાં કરતાં વધુ કેમ છે અને મારી કમાણી તારા કરતાં ઓછી શા માટે? જો ઓછીવધતી કમાણીની વાત જવા દઈએ તો પણ ઘરના બજેટના સમતોલનમાં શા માટે ગરબડ ઊભી થાય છે?
પત્નીને કંઈક ખરીદવું હોય કે પોતાની રીતે કોઈ કારણસર ખર્ચ કરવો હોય તો તે માટે તેને પતિને પૂછવાની કે જણાવવાની જરૃર લાગતી નથી. આ જ હાલત પતિની પણ થાય છે. તે પોતાના દોસ્તો સાથે પૈસા ઉડાવતો હોય છે ત્યારે તે પત્નીને જણાવતો નથી કારણ કે પત્ની ગુસ્સે થઈ જશે એવો તેને ડર હોય છે. બંને પોતપોતાની રીતે જુદો જુદો ખર્ચ કરે છે, પરંતુ એકબીજાને સાચો અને પૂરેપૂરો હિસાબ આપતાં નથી હોતાં.
હિસાબ સિવાયના બીજા વિષયો પર પ્રેમથી વાતો કરતાં હોય છે, પરંતુ જ્યાં હિસાબનો કે ખર્ચનો ઉલ્લેખ થાય ત્યાં બંને ગુસ્સે થઈ જાય છે.
સંબંધ ધનથી નહીં મનથી
લગ્ન પછી તરત જ આવક અને ખર્ચની બાબતમાં વિવાદ ઊભો થતો હોય છે. તેના લીધે બંને વચ્ચે પ્રેમ ઘટતો જાય છે અને પતિપત્નીનો સંબંધ ધીમે ધીમે મન કે આત્મા સાથે નહીં, પરંતુ ધન સાથે જોડાઈ જતો હોય છે. મોટા ભાગે એવું જોવા મળે છે કે છૂટા હાથે ખર્ચ કરતા પતિને કંજુસ પત્ની મળી જતી હોય છે. આવા સંજોગોમાં લગ્ન પછી તરત જ અણબનાવ કે મતભેદો ઊભા થાય છે. ભલેને પછી એ પત્નીની ભૂલ હોય તો પણ ઘરમાં જ ટેન્શન ઊભું થાય છે કે જ્યાં આપણને સૌથી વધુ સુખશાંતિની અપેક્ષા રહેતી હોય છે.
આવકજાવક વચ્ચે સમતોલ
લગ્ન કોઈ ઢીંગલાઢીંગલીની રમત કે મજાક નથી તે એક અતૂટ બંધન છે. પહેલાં જે બાબતો નકામી લાગતી હોય છે એ જ બાબતોનું લગ્ન પછી મહત્ત્વ વધી જતું હોય છે. આવા સમયે પૈસા પ્રત્યેનો વધુ પડતો લગાવ ઝઘડા કે ટેન્શનનું કારણ બની શકે છે.
મોટા ભાગ પતિ વધારે ખર્ચ કરતો હોય છે અને પત્ની બચત કરતી હોય છે. તેમ છતાં જો પત્ની પોતાની ટાપટીપ પાછળ પૈસા ખર્ચે તો તે પતિને ખટકે છે. એવી રીતે પતિ પોતાને માટે એકસાથે ઘણાં કપડાં ખરીદી લાવે ત્યારે પત્નીનું મોં ચડી જતું હોય છે. નકામો ખર્ચ બંને જણાં કરતાં હોય છે, પરંતુ તેને સ્વીકારતા નથી હોતાં.આમ તો આવકજાવકના મામલે સ્ત્રીપુરુષમાં કોઈ ખાસ ફરક નથી પડતો, પરંતુ ધ્યાન ખેંચાય એવી બાબત એ છે કે તે બેમાંથી કોણ વધુ સારું સમતોલન જાળવી શકે છે. આ મામલે મોટા ભાગે પત્ની કરતાં પતિ વધારે કુશળ હોય છે.
પત્ની જો પતિ કરતાં વધુ કમાતી હોય તો તેનામાં એક જાતની અધિકાર ભાવના જન્મે છે તેના લીધે પતિ લઘુતાગ્રંથિથી પીડાય છે અને પોતાનું સ્વમાન જાળવી રાખવા માટે તે અનેક રીતે પત્નીની ઉપેક્ષા કરે છે કે મજાક ઉડાવે છે. આવકજાવકની બાબતે ઊભો થતો વિવાદ દંપતીની જિંદગીમાં ઝેર ઘોળે છે. આવી સ્થિતિથી બચવાનો ઉપાય એ છે કે અલગ-અલગ હિસાબ રાખવાને બદલે સંયુક્ત હિસાબ રાખવો જોઈએ. પૈસાની બાબતે ટેન્શન ઊભું ન કરવું જોઈએ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3poWmzw
ConversionConversion EmoticonEmoticon