ઘરનું વાતાવરણ શુધ્ધ કરી ટાઢક પ્રસરાવે ઈનડોર પ્લાન્ટ્સ


ગ્રીષ્મે  રંજ  જમાવી  લીધો  છે. પણ  સર્વત્ર  ચાલી રહેલી બાંધકામ  પ્રવૃત્તિઓ, સડકો પર દોડતાં  હજારો-લાખો  વાહનો, દિવસ-રાત  ધમધમતા  કારખાનાઓ  ઈત્યાદિને  કારણે વાયુ પ્રદૂષણ  ક્યાંથી  ઘટે?  આવી સ્થિતિમાં  ઘરનું  વાતાવરણ શુદ્ધ અને ટાઢું  રાખવાનો સૌથી સરળ અને સોંઘો  માર્ગ  છે ઈનડોર   પ્લાન્ટ્સ  ઘણાં  સંશોધનો પણ કહે છે કે માત્ર  બહાર જ નહીં, ઘરમાં  પણ લીલોતરી  હોય તો હવામાં  પૂરતા  પ્રમાણમાં  પ્રાણવાયુ  જળવાઈ રહે છે.  ઘરમાં મૂકવામાં આવતાં નાના નાના છોડવાં  પણ  હવામાંથી   કાર્બનડાયોક્સાઈડ શોષી  લેતાં હોવાથી  આપણને શુદ્ધ  હવા મળી રહે છે. જેડ, પીસ લીલી, મની પ્લાન્ટ, એલોવેરા, અરેકા પામ,  સ્નેક  પ્લાન્ટ, સ્પાઈડર  પ્લાન્ટ, રબર પ્લાન્ટ ઈત્યાદિ  ઘરમાં રાખી શકાય છે. આજે આપણે  આ છોડવાઓ  વિશે વાત કરીએ : 

જેડ :  

જાડા પાંદડાવાળો  જેડ  છોડ ઘરમાં આસાનીથી ઉછેરી  શકાય  છે. આ પ્લાન્ટને બહુ ઓછું પાણી જોઈએ  છે.  જાપાનના  લોકો માને  છે કે આ છોડ ઘરમાં સમૃદ્ધિ  લાવે છે.  ફેંગ  શુઈમાં ક માનતા લોકો પણ આ છોડને  ખાસ્સું  મહત્ત્વ આપે  છે,  ઘરની સાથે ઓફિસોમાં પણ આ પ્લાન્ટ  રાખવાનું  ચલણ  મોટા  પ્રમાણમાં  જોવા મળે છે.

પીસ લીલી :  

પીસી લીલી કુંડાની  બહાર સારી રીતે ફેલાય છે. તેથી તે ઘરની  અગાશી,  ઘરની બારીની ગ્રીલ  ઈત્યાદિમાં  મૂકવાનું પસંદ  કરવામાં આવે છે. વિશેષજ્ઞાો કહે  છે કે પીસ લીલી હવામાં  રહેલા  કાર્બન ડાયોક્સાઈડ  સહિતના ઘણાં  ઝેરી વાયુઓ  શોષી લે છે તેથી હવે  શુદ્ધ બને  છે. સૌથી મહત્ત્વની વાત એ  છે કે  આ છોડને  અઠવાડિયામાં  એકાદ-બે  વખત પાણી આપણું પણ  પુરતુ થઈ રહે છે.

મની  પ્લાન્ટ :

આ છોડ પણ હવામાં રહેલા  કાર્બન ડાયોક્સાઈડ  ઉપરાંતના  ઘણાં  ઝેરી વાયુઓ શોષી લઈને  પ્રાણવાયુ  છોડે  છે. એમ પણ  માનવામાં આવે છેકે મની પ્લાન્ટ  ઘરમાં આર્થિક સુખાકારી  લાવવામાં   મદદ  કરે  છે. 

એલોવેરા : 

 એલોવેરાનો  છોડ   દેખાવમાં સુંદર હોવા સાથે વાતાવરણને  શુદ્ધ  કરતો હોવાથી લોકો ઘર તેમ જ ઓફિસમાં આ પ્લાન્ટ  રાખવાનું પસંદ કરે છે. ગૃહિણીઓ  માટે એલોવેરા  આશીર્વાદરૃપ  પુરવાર  થાય  છે. રસોડામાં  કામ કરતી વખતે મહિલાઓને દાઝવા કે ચપ્પુથી કા કાપો પડવા જેવી  નાની નાની  ઈજાઓ  થતી  હોય છે. આવી  ઈજાઓ  પર તરત જ  એલોવેરાનો  રસ લગાવી  દેવામાં આવે  તો તેમાં  ઝડપી રાહત  મળે છે. એલોવેરાના પાંદડાના  તોડીને  તેમાં વચ્ચેથી  ફાડ પાડવાથી  તેમાંથી  ચીકણો રસ નીકળે છે. આ પદાર્થ  ઈજામાં  રાહત  આપવા સાથે ત્વચાને  પણ સુંવાળી  બનાવે છે. અવારનવાર  ચહેરાની  ત્વચા  પર  એલોવેરા  લગાવવાથી ચામડી  લવચીક   રહે છે. 

અરેકા  પામ :

ઘરની  હવામાંથી  વિષારી  તત્ત્વો  દૂર  કરીને  વાતાવરણ  શુદ્ધ  કરવામાં અરેકા  પામ પણ અન્ય  છોડોની  જેમ જ  ખપ લાગે  છે.  તદુપરાંત  આ પ્લાન્ટ  દેખાવમાં  સુંદર  હોવાથી  ઘરને  સુશોભિત  કરે  છે.

સ્નેક  પ્લાન્ટ :

'સ્નેક પ્લાન્ટ'  નામ જ તેના  લાંબા   અને   અંદરની તરફ વળી જતાં  પાંદડાનું  દ્યોતક  છે. 'નાસા'  એ પણ  આ છોડ  માટે કહ્યું  છે કે સ્નેક પ્લાન્ટ  હવામાંથી  ઝેરી  વાયુઓ શોષી લઈને વાતાવરણને સ્વચ્છ  બનાવે  છે. આ  છોડની  ખૂબી  છે  વાતાવરણને  ભીનાશ  બક્ષવા  ઉપરાંત  વાયુને  કારણે  થતી એલર્જી ઓછી  કરવાની.

સ્પાઈડર  પ્લાન્ટ :

આ  છોડને  પણ 'નાસા'  એ  વાતાવરણ  શુદ્ધ  કરનારું  કહ્યું  છે. તે હવામાંથી  ઝેરી  વાયુઓ  શોષી  લે છે. એટલું જ  નહીં, સ્પાઈડર   પ્લાન્ટ માત્ર બે ડિગ્રી  જેટલા ઉષ્ણતામાનમાં  પણ સારી રીતે  ઉછરી  શકે  છે.

રબર પ્લાન્ટ :

ભારતનું  આ સદાબહાર  પ્લાન્ટ  ગણાય  છે. રબરના  છોડના મૂળ   ઉપરની  તરફ  વધે  છે અને તેના  થડને  વીંટળાઈ  વળે  છે.  તે હવામાંથી કાર્બન મોનોક્સાઈડ  સહિતના અન્ય  ઝેરી તત્ત્વો  પણ શોષી  લે  છે.

-  વૈશાલી  ઠક્કર 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bfgvTI
Previous
Next Post »