હીરા-રત્નો-મોતીજડિત ઝગમગતી એક્સેસરીઝ


એક વર્ષ જેટલા સમય સુધી ઘરમાં કેદ રહ્યા બાદ લોકો હવે ઘરથી બહાર નીકળી રહ્યાં છે. કોરોનાનો ભય ભલે સંપૂર્ણપણે નાબૂદ નથી થયો, પરંતુ ઓછો જરૃર થયો છે. સ્વાભાવિક રીતે જ મર્યાદિત મહેમાનો સાથે નાના નાના મેળાવડાઓનું આયોજન થઈ રહ્યું છે. લોકો લંચ કે ડિનર માટે પણ બહાર નીકળવા લાગ્યાં છે. આવી સ્થિતિમાં તેઓ સરસ રીતે ડ્રેસ અપ તો થાય જ, સાથે સાથે કેટલીક એક્સેસરીઝથી પણ પોતાનું વ્યક્તિત્વ નિખારવાનો પ્રયાસ કરી રહ્યાં છે. અને આ એક્સેસરીઝમાં ઘડિયાલ, હેન્ડબેગ્સ કે ક્લચ, જૂતાં ઇત્યાદિ મોખરે છે. આ વર્ષમાં કેવા પ્રકારની એક્સેસરી ટ્રેન્ડમાં રહેવાની છે તે જાણવું રસપ્રદ થઈ પડશે.

આ વર્ષમાં લેધરના પટ્ટાવાળા, હીરા-રત્નો-ફૂલોજડિત ડાયલવાળા તેમ જ ગોલ્ડન - સિલ્વર પટ્ટાવાળા ઘડિયાળ ટ્રેન્ડમાં રહેશે. અભિનેત્રી ડેઝી શાહ કહે છે કે તમે કોઈપણ ઇવેન્ટમાં જાઓ, પરંતુ ઘડિયાળ તમારા હાથની શોભા અચૂક બને છે. ખરેખર તો ઘડિયાળ વિનાનું વોર્ડરોબ અધૂરું લાગે. વળી આજની તારીખમાં તો તમારા હૃદયના ધબકારા, ઓક્સિજનનું સ્તર કે તમારો સુવાનો સમય દર્શાવતા ઘડિયાળ આવશ્યક બની ગયા છે. મારા મતે ઘડિયાળોમાં હવે એટલી બધી વિવિધતા જોવા મળે છે કે તે તમારા માટે ઘરેણાંની ગરજ સારે.

અભિનેત્રીની વાતમાં દમ પણ છે. એક તબક્કે લોકોને એમ લાગતું હતું કે હવે મોબાઇલમાં જ સમય જોવાની સુવિધા હાથવગી થઈ ગઈ હોવાથી ઘડિયાળ પહેરવાની ફેશન ભૂતકાળ બની જશે. પરંતુ આ માન્યતા ખોટી પુરવાર થઈ છે. લોકો ઘડિયાળ ફક્ત સમય જોવા માટે જ નથી પહેરતા, બલકે એક ઘરેણા તરીકે પહેરે છે.

ક્યા પોશાક સાથે ક્યું ઘડિયાળ પહેરવું કે કઈ ઇવેન્ટમાં કેવું ઘડિયાળ શોભે તેની જાણકારી આપતાં ફેશન ડિઝાઈનરો કહે છે કે એથલેઝર સાથે સ્પોર્ટ્સ વોચ, ડેનિમ તેમ જ પલાઝો સાથે પહોળા પટ્ટાવાળા ઘડિયાળ પહેરો. સાંજની પાર્ટીમાં ગાઉન, એલબીડી કે પેન્સિલ સ્કર્ટ સાથે બ્લેક પટ્ટાવાળા અથવા રોઝ ગોલ્ડ બેસ્ટવાળા ઘડિયાળ પહેરો. તેવી જ રીતે રિસેપ્શન ઇત્યાદિમાં ગોલ્ડન અથવા હીરા-રત્ન-ફૂલોજડિત ડાયમંડવાળું ઘડિયાળ પહેરો.

ફેશન ડિઝાઈનરો કહે છે કે જો તમારા કાંડા પર ઘડિયાળ ઝગારા મારતાં હોય તો તમારી ઘૂંટીને ઝાંખી કેમ રાખવી ? આ વર્ષમાં હીરાજડિત, રત્નજડિત, હીરાના પટ્ટા હોય એવા, એંકલ બૂટીના  કિનારે સુંદર હીરાજડિત પટ્ટો હોય કે પછી પેન્સિલ હિલ્સની હિલ્સ પર રંગબેરંગી રત્નો જડેલા હોય એવા પગરખાંની ફેશન મુખ્ય પ્રવાહમાં રહેશે.

હવે હેન્ડબેગ્સ કે કલચીસની વાત પર આવીએ તો તેમાં પણ આ વર્ષે ઝગમગાટનું રાજ રહેશે.

 તમે ચાહો તો હીરા, રત્નો, મોતી જડેલા પર્સ અને કલચ લો કે પછી સિલ્વર અને ગોલ્ડન હેન્ડબેગ લો. ઇવનિંગ ગાઉન કે એલબીડી સાથે ઝળાંહળાં થતી હેન્ડબેગ અને ક્લચ ખૂબ જચશે. 

- ઋજુતા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OwjdMD
Previous
Next Post »