આણંદ, તા.2 ફેબ્રુઆરી 2021, મંગળવાર
આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ક્રાઈમ રેશીયો ધીમે-ધીમે ઉંચે જઈ રહ્યો છે. તેમાંય સામાન્ય બાબતોને લઈ થતી તકરારોમાં હત્યાના બનાવો બની રહ્યા છે. તાજેતરમાં આણંદની બોરસદ ચોકડી નજીક ઔદ્યોગિક વસાહત ખાતે તથા ખંભાત ખાતે સામાન્ય બોલાચાલી બાદ હત્યાના બનાવો બન્યા હતા ત્યારે હવે આણંદ તાલુકાના મોગર ગામે પત્ની સાથેના આડા સંબંધના વ્હેમમાં બે શખ્શોએ ભેગા મળી એક યુવક ઉપર ચપ્પાના ઘા ઝીંકી હત્યા કરી નાખી હોવાના બનાવે નાનકડા ગામમાં ભારે ચકચાર જગાવી છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ તાલુકાના મોગર ગામે નાગજી ભઈજીના ટેકરા વિસ્તારમાં રહેતા સુનિલભાઈ રમણભાઈ ઝાલાને ફળીયામાં જ રહેતા કિરણભાઈ ભાઈલાલભાઈ ઝાલાની પત્ની સાથે આડો સંબંધ હોવાનો વ્હેમ કિરણભાઈ ઝાલાને હતો. આ વાતને લઈ તેઓ વચ્ચે અવાર-નવાર ઝઘડા પણ થતા હતા. જેને લઈ છેલ્લા ત્રણેક માસથી સુનિલ ઝાલા પોતાના બનેવીને ત્યાં રહેતો હતો. જો કે છેલ્લા દસેક દિવસથી સુનિલ નાની સંખ્યાડ ગામે રહેતી પોતાની બહેનના ઘરે રહેવા ગયો હતો. જ્યાં મારે હવે મોગર ગામે ઘરે જવું છે તેમ સુનિલે જણાવતા તેના બનેવી નરેન્દ્રભાઈ સોલંકી અને નાની સંખ્યાડ ગામના ડેપ્યુટી સરપંચ સુનિલને મોટરસાયકલ ઉપર મોગર ગામે મુકવા ગયા હતા. દરમ્યાન સાંજના સુમારે કિરણભાઈ ઝાલા હાથમાં ધારીયું લઈ તેમજ તેની સાથે મહેશભાઈ પણ ચપ્પુ લઈને ત્યાં આવી ચઢ્યા હતા. આ બંને શખ્શોએ ત્યાં આવી અપશબ્દો બોલી સુનિલ ગામમાં કેમ આવ્યો ? આજે તેને મારી નાખીશ તેમ કહી સુનિલ ઉપર હુમલો કર્યો હતો. દરમ્યાન બંને શખ્શોએ માથાના ભાગે ધારીયું મારી તેમજ પેટ તથા શરીરના અન્ય ભાગોએ ચપ્પાના ઘા ઝીંકી દેતા ૨૧ વર્ષીય સુનિલ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઈ પડયો હતો. દરમ્યાન સુનિલનો નાનો ભાઈ મહેશ છોડાવવા વચ્ચે પડતા તેને પણ ચપ્પુ મારી ઈજાઓ પહોંચાડી હતી.
દરમ્યાન આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવતા કિરણ તથા મહેશ ત્યાંથી નાસી છુટયા હતા. બાદમાં ગંભીર રીતે ઘવાયેલ સુનિલ ઝાલાને તુરંત જ સારવાર અર્થે ૧૦૮ ઈમરજન્સી વાન મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ઈજાગ્રસ્ત મહેશને સારવાર અર્થે કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઘટનાની જાણ વાસદ પોલીસ મથકના પીએસઆઈ પી.જે.પરમારને થતા પીએસઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને નરેન્દ્રભાઈ ભગવાનભાઈ સોલંકીની ફરિયાદના આધારે કિરણભાઈ ભાઈલાલભાઈ ઝાલા અને મહેશભાઈ ભાઈલાલભાઈ ઝાલા વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ આજે સવારે મૃતક સુનિલ ઝાલાના મૃતદેહનું આણંદ જનરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહ તેઓના પરિવારજનોને સોંપાયો હતો.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3at4Wb5
ConversionConversion EmoticonEmoticon