અ વર્ક ઓફ આર્ટ
મૂળ સર્જક - એન્તોન ચેખોવ રજૂઆત-પરેશ વ્યાસ
- 'તમે પૂછો છો, 'જિંદગી શું છે?' એ એવું જ છે જેવું કે એમ પૂછવું કે 'ગાજર શું છે?' ગાજર એ ગાજર છે અને એ વિષે આપણે વધારે કાંઇ જ
જાણતાં નથી.' -ચેખોવ
- ડોક્ટરનાં ગયા બાદ વકીલે એ શમાદાનને કાળજીપૂર્વક તપાસ્યું, અને પછી તેઓ ડોક્ટરની માફક જ વિચારવા લાગ્યા કે હવે આ દુનિયામાં, એ આનું કરશે શું?
ગુજરાતી ભાષામાં પ્રથમ વખત 'વાર્તા'નું સર્જન થયું તેને ગયા વર્ષે ૧૦૦ વર્ષ પૂરા થયા હતા. એ નિમિત્તે 'ગુજરાત સમાચાર'માં ગુજરાતના વિખ્યાત સર્જકોની ક્લાસિક વાર્તાઓ પ્રસિદ્ધ કરીને અનોખી ઉજવણી થઈ હતી. ગુજરાતી વાર્તાઓના એ ખજાનાને વાચકોનો હૂંફાળો પ્રતિસાદ મળ્યો હતો. તે પછી હવે 'ગુજરાત સમાચાર'ના વાચકો માટે પ્રસ્તુત છે-જગતના પહેલી હરોળના વાર્તાકારોની કૃતિઓનો વૈભવ...
(વહી ગયેલી વાર્તા: વાર્તાની શરૂઆતમાં સાશા સ્મિમોવ નામનો એક યુવાન ડો. કોશેલ્કોવનાં ક્લિનિકમાં આવે છે. એના પિતા મૃત્યુ પામ્યા છે. માતાએ એને ઉછેર્યો છે. પિતા ઍન્ટીક વસ્તુઓનો વેપાર કરતાં હતા. મા દીકરાએ એ વેપાર નાના પાયે ચાલુ રાખ્યો. આર્થિક સ્થિતિ બહુ સારી ન કહી શકાય એટલે દીકરો જ્યારે બીમાર પડયો ત્યારે ડોકટરે સારવાર કરી, જીવ બચાવ્યો પણ પૈસા લીધાં નહોતા. એમનાં ઉપકારનો બદલો શી રીતે વાળી શકાય? એટલે સાશા એક શમાદાન, એક સાથે ઘણી બધી મીણબત્તીઓ મૂકવાનું કાંસાનું સાધન, ડોક્ટરને ભેટમાં આપવાની તજવીજમાં છે. આ ૅઍન્ટીક પીસ છે, જેમાં બે વસ્ત્રહીન સ્ત્રીઓ છે.
વાર્તાનાં લેખક એન્તોન ચેખોવ અહીં સરસ રૂપક આપે છે. એ શમાદાનની મૂર્તિમાં મધર ઈવ જેવાં વસ્ત્રો પહેરીલી સ્ત્રીઓ! સૃષ્ટિનાં આદિ પુરુષ અને સ્ત્રી એટલે કે આદમ અને ઈવની આ વાત છે. તેઓ વસ્ત્રો ક્યાં પહેરતા જ હતા? ડોક્ટરને લાગે છે કે કલાની દ્રષ્ટિએ કદાચ આ શિલ્પ અદ્ભૂત છે પણ એવું નગ્નતાનું પ્રદર્શન કરવું એમનાં ક્લિનિક કે ઘરમાં કરવું હિતાવહ નથી. ડોક્ટર પરણેલાં છે, બાળકો આવતા જતા હોય અને આ શિલ્પ... ડોક્ટર એનો અસ્વીકાર કરવાની ભરપૂર કોશિશ કરે છે પણ પેલો યુવાન સાશા એ શમાદાન ડોક્ટરને ધરાર પધરાવી દે છે અને ત્યાંથી જતો રહે છે. સાશાનાં ગયા પછી ડોક્ટર એ શમાદાન સામે લાંબા સમય સુધી જોતાં રહે છે. માથું ખંજવાળે છે. 'આ સુંદર છે એ તો જાણે બરાબર..' તેઓ વિચારે છે, 'એને ફેંકી દેવું તો યોગ્ય નહીં કહેવાય.. અને તેમ છતાં એને અહીં રાખવાની તો મારી હિંમત નથી. હમ્મમ....!.. હવે આ દુનિયામાં એવું કોણ છે, જેને હું ભેટ તરીકે કે પછી દાનમાં આ દઈ શકું?' હવે આગળ)
હ હ હ
ઉત્તરાર્ધ:
ઘણું મનન કર્યા બાદ ડોક્ટર એમના એક સારા મિત્ર મિ. ઉખોવને મળ્યા, જે વકીલ હતા અને એમણે ડોક્ટરને આપેલી કાયદાકીય સેવાનાં કોઈ પૈસા પણ લીધા નહોતા.
'ફાઇન!' ડોકટરે મનોમન વિચારતા મલકાઈ ઊઠયાં. 'હું તો એમનો નજીકનો મિત્ર ગણાઉં એટલે એમ કે એમણે આપેલી સેવા બદલ હું એમને ફી તો ન જ ચૂકવી શકું પણ એની જગ્યાએ હું એમને આ અશ્લીલ નમૂનો જ દઈ દઉં તો કેવું .. અને આવી ભેટ માટે એ માણસ બરાબર યોગ્ય છે... એ સિંગલ છે અને થોડોઘણો રંગીન મિજાજ પણ છે.'
કર્યું એ કામ! ડોક્ટરે કપડાં બદલ્યા અને એ અશ્લીલ શમાદાન લઈને નીકળી પડયા મિ. ઉખોવનાં ઘર તરફ.
'ગૂડ મોર્નિંગ, દોસ્ત!' એમણે કહ્યું. 'તકલીફનાં સમયમાં તમે જે મને મદદ કરી હતી, એનો આભાર માનવા આવ્યો છું... તમે મારી પાસે ફી પેટે પૈસા તો લેશો નહીં, અને એટલે એના બદલે હું તમને આ ખૂબ જ સુંદર માસ્ટરપીસ તમને ભેટ આપવા માંગુ છું.... જુઓ અને તમે જ કહો, આ સપનું જ છે ને?'
વકીલે જેવી નજર કરી કે એ શિલ્પનાં સૌંદર્યથી તેઓ આનંદમાં આવી ગયા.
'કલાનો આ અદ્ભૂત નમૂનો છે!' તેઓ ખડખડાટ હસ્યા. 'માય ગોડ, આ કલાકારનાં મગજમાં પણ શું શું કલ્પનાઓ આવતી હોય છે! શું પ્રલોભન આપતી મોહિની છે આ કલાકૃતિમાં...! તમને આ નાનકડી ફાંકડી મૂરત મળી ક્યાંથી ગઇ?....'
પણ પછી ધીમે ધીમે એમનો આનંદ ઓસરવા લાગ્યો અને તેઓ ગભરાવા લાગ્યા. તેઓએ ચોરીચૂપકીથી દરવાજા તરફ જોયું અને બોલ્યાં:
'પણ, હું એનો સ્વીકાર કરી શકું એમ નથી, દોસ્ત. તમારે એ પાછું લઈ જવું પડશે.'
'શા માટે?' ડોક્ટરને ફાળ પડી.
'એટલા માટે કે... કારણ કે .... મારી મા ઘણી વાર અહીં મને મળવા આવતી હોય છે અને મારા અસીલો પણ તો આવતા જતાં રહે છે.... અને એ ઉપરાંત આ અહીં હશે તો મારા નોકર ચાકરોની નજરમાંથી હું ઉતરી જઈશ. આનો સ્વીકાર મારે માટે શરમજનક બની જશે.'
'વધુ એક શબ્દ પણ ન કહો!' ઉગ્ર ભાવસૂચક અંગચેષ્ટા કરતાં ડોક્ટર બોલી ઊઠયાં. 'તમારે આ ભેટનો સ્વીકાર કરવો જ પડશે! તમે નગુણા ઠરશો જો તમે ઇનકાર કરશો! કેવું સરસ માસ્ટરપીસ છે આ! શું એનો ઈશારો છે, શું એની અભિવ્યક્તિ છે.. મને ખૂબ ખોટું લાગશે જો તમે એ નહીં સ્વીકારો!'
'અરે આ મૂત પર થોડાઘણાં લપેડાં હોત કે એની કાયા ઓછામાં ઓછી અંજીરનાં થોડાં પાંદડાથી ય ઢંકાયેલી હોત તો...'
પણ ડોક્ટરે વકીલની એક પણ દલીલ સાંભળી નહીં. પોતાની અંગચેષ્ટા વધારે ને વધારે ઉગ્ર કરતાં ડોક્ટર મિ. ઉખોવનાં ઘરેથી ભાગી છૂટયાં. ભાગતાં ભાગતાં તેઓ એ વિચારે ખુશ ખુશ હતા કે હાઈશ! એમણે એ ભેટથી છૂટકારો મેળવ્યો.
ડોક્ટરનાં ગયા બાદ વકીલે એ શમાદાનને કાળજીપૂર્વક તપાસ્યું, અને પછી તેઓ ડોક્ટરની માફક જ વિચારવા લાગ્યા કે હવે આ દુનિયામાં, એ આનું કરશે શું?'
'ખૂબ જ સુંદર વસ્તુ,' એમણે વિચાર્યું, 'આને ફેંકી દેવું શરમજનક અને રાખી લેવું નામોશી ભરેલું... શ્રેષ્ઠ એ જ રહેશે કે હું કોઈને આ ભેટ તરીકે દઈ દઉં... આહ, આઈ ગોટ ઈટ!... આજે સાંજે જ કોમેડિયન શોશ્કિનને દઈ દઇશ. આમ પણ એ બદમાશને આવી ચીજો ગમે છે અને એ પણ છે કે આજે એની બેનિફિટ નાઈટ છે...'
કર્યું એ કામ! અને એ જ બપોરે ખૂબ સારી રીતે પેક કરેલું એ શમાદાન કોમેડિયન શોશ્કિનને અર્પણ કરી દેવામાં આવ્યું.
અને એ સમગ્ર સાંજ શોશ્કિનનાં ડ્રેસિંગ રૂમમાં પુરુષોનો જમાવડો થતો રહ્યો. તેઓની બસ એક જ માંગણી હતી. એ અદ્ભૂત ભેટને જોવાની, તપાસવાની. અને પછી એ રૂમમાંથી કલાકો સુધી સતત ખડખડાટ હસવાનો અવાજ પડઘાતો રહ્યો, ઘોડાઓ હણહણે એ અવાજને મળતો આવતો ખડખડાટ અવાજ હતો એ.
જો કોઇ હીરોઈન દરવાજા પાસે આવતી અને પૂછતી, 'હું અંદર આવી શકું?' તો તરત જ કોમેડિયન શોશ્કિનનો, એનાં ખરબચડા અવાજમાં જવાબ સંભળાતો:
'ઓહ, ના ના, મારી વહાલી, અત્યારે નહીં! મેં કપડાં ય પહેર્યા નથી!'
એ રાતે એનાં કોમેડી શૉ પછી એણે પણ હાથ ઊંચા નીચા કર્યાં અને પોતાના ખભા ઉલાળ્યા અને પછી મનોમન બોલ્યો:
'હવે આ દુનિયામાં હું આનું કરીશ શું? હું પ્રાઈવેટ એપાર્ટમેન્ટમાં રહું છું! ઘણી હીરોઈન્સ મને મળવા આવતી હોય છે..! અને આ કોઈ ફોટોગ્રાફ તો છે નહીં કે એને કબાટનાં ડ્રોઅરમાં સંતાડીને રાખી શકાય!'
'આપ એને વેચી કેમ દેતા નથી?' વિગ મેકરે સૂચન કરતાં કહ્યું. 'એ મોટી ઉંમરની બાઈ છે, જે આવા કાંસાનાં ઍન્ટીક પીસ ખરીદ કરતી હોય છે.... એનું નામ સ્મિમોવા છે... તમે એ વિસ્તારમાં જશો એટલે આજુબાજુનાં લોકો જ તમને એનું ઘર બતાવી દેશે, એને ત્યાં બધા જ ઓળખે છે....'
કોમેડિયને વિગ મેકરની સલાહ માની.
બે દિવસ બાદ ડો. કોશેલ્કોવ એક હાથને ટેકે પોતાનું મસ્તક ટેકવીને પોતાની ક્લિનિકમાં બેઠા બેઠા બીજે હાથે દવાઓની શીશીઓ ગોઠવી રહ્યા હતા. ત્યાં અચાનક દરવાજો ખૂલ્યો અને એમનાં રૂમમાં સાશા દાખલ થયો. એ ખૂબ જ મરક મરક મલકાઈ રહ્યો હતો અને એની છાતી ખુશીથી ગજ ગજ ફૂલી રહી હતી..... છાપામાં લપેટેલી કોઈ વસ્તુ એના હાથમાં હતી.
'ડોક્ટર!' એણે હાંફતા હાંફતા કહ્યું. 'મારા આનંદનો કોઈ પાર નથી. નસીબની કેવી બલિહારી છે. તમારા શમાદાનની જોડ મેળવવામાં હું સફળ થયો છું! મા પણ એવી તો ખુશખુશાલ છે કે શું કહું? એ મા જેનો હું એકનો એક દીકરો છું... અને તમે મારો જીવ બચાવ્યો છે.'
અને સાશાએ એનાં આભાર અને આવેગની સંયુક્ત લાગણીથી ધ્રૂજતા હાથે એક શમાદાન ડોક્ટરના ટેબલ ઉપર મૂક્યું. પછી એણે એનું મોઢું ખોલ્યું, કશુંક કહેવા પણ... એણે ડોક્ટર સામે જોયું અને એનાં મોઢામાંથી એક શબ્દ પણ નીકળ્યો નહીં..... એની બોલવાની શક્તિ જ જાણે હણાઈ ગઈ હતી....'
(સમાપ્ત)
સર્જકનો પરિચય
એન્તોન ચેખોવ
જન્મ: ૨૯ જાન્યુઆરી ૧૮૬૦
મૃત્યુઃ ૧૫ જુલાઈ ૧૯૦૪
એન્તોન પાવ્લોવિચ ચેખોવ રશિયન ફિજિશ્યન, નાટયવિદ અને ટૂંકી વાર્તાનાં મહાન લેખકો પૈકીનાં એક ગણાય છે. તેઓની સાહિત્ય સર્જન યાત્રા દરમ્યાન તેઓએ તેમની મેડિકલ પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. તેઓ કહેતા કે 'તબીબી વિજ્ઞાાન મારી કાયદેસરની પત્ની છે. સાહિત્ય મારી પ્રિયતમા છે.'
એમનાં પિતાનો ગુસ્સો, ધર્માંધતા અને દુકાનમાં કામકાજનાં લાંબા કલાકો. નાના હતા ત્યારે એમની માતા સરસ વાર્તાઓ કહેતા, જાતજાતની ભાતભાતની. પોતાનાં કાપડનાં વેપારી પિતા સાથેનાં પ્રવાસ દરમ્યાન જોયેલી જાણેલી રસપ્રદ વાર્તાઓ. સાહિત્ય સંસ્કારનું સીંચન એમની માતા દ્વારા આ રીતે થયું.
પિતાની આથક નાદારીનાં કારણે કુંટુંબે વતન છોડી મોસ્કો ભાગી જવું પડયું. પણ ચેખોવ વતનમાં રોકાયા. પોતાનાં ભણતરનો ખર્ચ કાઢવા નાની હાસ્ય વાર્તાઓ લખવાનું શરૂ કર્યું, જેથી કુંટુંબને આથક મદદ કરી શકાય. શરૂઆતની એમની વાર્તાઓમાં સામાજિક જીવનની હાસ્યાસ્પદ સ્થિતિ, લગ્ન જીવન અને પતિ પત્ની અને પ્રેમિકાનાં સંબંધો વગેરે વિષયો હતા. પછી ઓગણીસ વર્ષની વયે મોસ્કો આવીને મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો. પણ ડોક્ટર બનીને દર્દીઓની સેવા જ કરી. ડોકટરી એમનાં આથક ઉપાર્જનનું સાધન નહોતી. પણ એમ કરવાનાં કારણે તેઓ ઘણાં લોકોને મળ્યા. એ અનુભવો એમને ગંભીર વાર્તાઓ અને નાટકોનાં સર્જન તરફ દોરી ગયા. ચેખોવ નાટક સાથે વધારે જોડાયેલા રહ્યા. એનો 'ચેખોવ્સ ગન' સિદ્ધાંત કે -જો વાર્તામાં દીવાલ પર બંદૂક હોય તો એ બીજા કે ત્રીજા અંકમાં એ ફૂટવી જોઇએ, નહીંતર શું અર્થ છે એનો?- દરેક વાત, દરેક વસ્તુનો કોઇ પ્રસ્થાપિત હેતુ હોવાનો આ નાટયશાનો સાર્વત્રિક સિદ્ધાંત આજે પણ એટલો જ પ્રસ્તુત છે.
યુવાનીમાં પ્રેમનાં અનુભવો ઘણાં હતા પણ લગ્ન કરવાનું એમણે ટાળ્યું. પછી છેક એકત્રીસ વર્ષની ઉંમરે એમનાં જ નાટક 'ધ સીગલ' ની નાયિકા અને મોસ્કો આર્ટ થિયેટરની અભિનેત્રી ઓલ્ગા નિપર સાથે લગ્ન કર્યા. કુંવારા હતા ત્યારે ચેખોવ કહેતા કે પત્ની ચંદ્રમા જેવી હોવી જોઇએ. રોજરોજ ન જોઇએ. બન્યું પણ એવું. પોતે દૂર નાના શહેર યાલ્ટામાં રહ્યા. પત્ની મોસ્કો થિયેટર સાથે જોડાયેલા રહ્યા. આ લોન્ગ-ડિસ્ટન્સ મેરેજ દરમ્યાન થયેલો પત્રવ્યવહાર આજે થિયેટરનાં ઇતિહાસનો અમૂલ્ય વારસો બની ગયા છે. દરમ્યાન એમને ટીબીની બિમારીએ જકડી લીધા હતા. અંતે ચુમ્માલીસ વર્ષની વયે જ્યારે જર્મનીમાં એમનું અવસાન થયું ત્યારે એમનાં પત્ની ઓલ્ગા એમની સાથે જ હતા. આખરી પળોમાં એ પથારીમાં બેઠાં થઇ ગયા. કહ્યું કે એ મરી રહ્યા છે. ડોક્ટરે એને મન શાંત થાય તેવું ઇન્જેક્શન આપ્યું. શેમ્પિયન પીવા માટે કહ્યું. ચેખોવ શેમ્પિયનનો ગ્લાસ હાથમાં લઇને જોતા રહ્યા. ઓલ્ગાને કહ્યું કે ઘણો સમય થયો શેમ્પિયન પીધાને. પછી એમણે શેમ્પિયન ઢોળી દીધું. ડાબે પડખે પથારીમાં સૂઇ ગયા. એક બાળક શાંતિથી સૂતું હોય એમ. અને બસ પછી શ્વાસ બંધ થઇ ગયા.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pYrkiO
ConversionConversion EmoticonEmoticon