ચૂંટણી ઈફેક્ટ : આણંદ જિલ્લામાં સપ્તાહથી કોરોનાનો ગ્રાફ નીચે ગયો


આણંદ, તા. 19 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મતદાનની ટકાવારી ઉપર વિપરીત અસર ન થાય તે માટે ઉચ્ચકક્ષાએથી કોરોનાના કેસો અંગે ઢાંકપીછોડો કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચાઓ વચ્ચે આણંદ જિલ્લામાં છેલ્લા ઘણાં દિવસોથી કોરોનાનો ગ્રાફ નીચો રહેવા પામ્યો છે. ગુરૂવારના રોજ પણ જિલ્લામાંથી માત્ર છ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા અને જિલ્લામાં કોરોનાનો કુલ દર્દીઓનો આંક ૨૬૦૦ની નજીક પહોંચ્યો છે.

ઉત્તરાયણ પર્વ બાદ આણંદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટવા પામ્યું હતું. જે ફેબુ્રઆરી માસમાં પણ યથાવત રહેવા પામ્યું છે. ફેબુ્રઆરી માસના પ્રારંભથી કોરોનાનો ગ્રાફ ખાસ્સો નીચો રહેવા પામ્યો છે. ગરૂવારના રોજ જિલ્લામાં કોરોનાના છ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેમાં આણંદ તથા આસપાસમાં કોરોનાનું સંક્રમણ યથાવત રહેતા છ પૈકી ચાર કેસ નોંધાયા હતા. 

જેમાં જીટોડીયા આકૃતિનગર, વિદ્યાનગરની હોમસાયન્સ કોલેજ નજીક તથા સ્વાગત સોસાયટી અને આણંદના પાધરીયા વિસ્તારનો સમાવેશ થાય છે. જ્યારે ખંભાતના ધારીયાવાડ અને પેટલાદના ધર્મજ ખાતેથી પણ કોરોનાના પોઝીટીવ કેસ મળી આવ્યા હતા. આ સાથે જિલ્લામાં કોરોનાના કુલ દર્દીઓનો આંક ૨૬૦૦ની નજીક પહોંચ્યો છે.

જિલ્લા આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ ગુરૂવાર સુધીમાં જિલ્લામાં કુલ ૧૭૮૫૨૭ વ્યક્તિઓના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. જેમાં ૨૫૯૪ વ્યક્તિઓના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓને સારવાર અપાઈ હતી. 

જે પૈકી હાલ ૨૨ દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જેમાં ૧ બાયપેપ, ૩ દર્દી ઓક્સિજન ઉપર અને ૧૮ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37N919B
Previous
Next Post »