- શૂન્યની કિંમત સહુથી છે ભારી..ભારી..ભારી...
મૂલ્ય જો સમજો શૂન્યનાં, થશો ઘણા આભારી
ખા લી વસ્તુની કિંમત ભરેલી વસ્તુ કરતાં વધારે થાય છે.
શૂન્યની કિંમત બીજા કોઈ પણ આંકથી વિશેષ છે.
તમે નથી માનતા? તો વાંચો આ વાત.
એક શેઠનો દરિયાઈ વેપાર હતો. તેમની જિંદગી મોટેભાગે દરિયામાં જ પસાર થતી. તેઓ વેપારના દિવસોમાં દરિયાઈ પ્રવાસમાં જ રહેતા અને જહાજ જ તેમની જિંદગી હતી.
દરિયામાં જિંદગીનો વધુ સમય રહેવું પડતું, છતાં શેઠને તરતાં આવડતું નહોતું. વહાણના ખારવાઓ તથા ખલાસીઓ તેમને તરતાં શીખવાડવા તૈયાર હતા. તેઓ કહેતા : 'જોતજોતામાં અમે તેમને તરતાં શીખવાડી દઈશું. બાકી પાણીમાં રહેવું, અને તરતાં ન આવડવું, એ મોતને આમંત્રણ આપવા જેવી વાત છે. દરિયો ક્યારે વીફરે એ કંઈ કહેવાય નહિ, તોફાન ક્યારે વહાણને ઊંધું પાડે એનું કંઈ ઠેકાણું નહિ.'
શેઠ કહે : 'હાલ તો સમય નથી. પછી જોયું જશે!'
શેઠને સમય ન હતો એ વાત સાચી હતી, પણ તરતાં શીખવાની જરૂર પણ એટલી જ તાકીદની હતી.
છેવટે મુનીમજીને લાગ્યું કે શેઠ કદી તરતાં શીખશે નહિ. તેમણે શેઠને સલાહ આપી : 'શેઠ! તમે આ બે ખાલી પીપ સદાય તમારી સાથે રાખજો.'
'ખાલી પીપની મારે વળી શી જરૂર?' શેઠે પૂછ્યું.
મુનીમજી કહે : 'તમે તરતાં તો શીખતા નથી અને તોફાનનું કંઈ ઠેકાણું છે?' કોઈ વખત દરિયો વીફરે ત્યારે આમાંનું એકાદ પીપ પકડી લેજો. એનો સહારો લઈ તમે બચી શકશો.' શેઠે તો સલાહ માની. તેઓ પોતાની સાથે સદાય બે પીપ રાખવા લાગ્યા.
ન કરે નારાયણ તે એક વખત એવી દુર્ઘટના બની. વાદળો ગડગડાટ કરતાં ચઢી આવ્યાં. વીજળીઓ ઝબૂકવા લાગી. પવન જોરથી ફૂંકાયો. મોજાંઓએ તાંડવ શરૂ કર્યું.
અને જોતજોતામાં વહાણ ઊછળવા લાગ્યું. રાક્ષસી મોજાંઓ સામે આ વહાણની કોઈ હસ્તી ન હતી. વહાણના એક પછી એક ભાગ ભાંગીને દરિયામાં ઘસડાઈ જવા લાગ્યા. દરિયાનું પાણી વહાણમાં ચારેબાજુ ફરી વળ્યું, ત્યારે જહાજના બધા માણસો એક પછી એક કૂદી પડયા. કૂદતી વખતે તેઓ શેઠને બૂમ પાડતા હતા : 'શેઠ! ચાલો, તમેય કૂદી પડો, નહિ તો નહિ બચો!'
શેઠે કૂદવા માટે એવું એક પીપ હાથમાં લીધું, પણ શેઠની પાસે એવાં ચાર પીપ હતાં, અને શેઠની મૂંઝવણ જ એ હતી કે એ ચારમાંથી કયા પીપનો સહારો લેવો?
તેમાં બે પીપ ભરેલાં હતાં અને બે પીપ ખાલી હતાં. જે ભરેલાં હતાં તે બધાં જ સોનામહોરથી ભરેલાં હતાં. ગીનીઓથી ભરેલા હતાં. શેઠ મોટા વેપારી હતા. સફર પરથી આવતા હતા અને તેમણે ઘણું ધન જમા કર્યું હતું. બે પીપમાં એ જ ધન ભરેલું હતું.
શેઠની મૂંઝવણ એ જ હતી કે તેઓ ભરેલા પીપને લઈને કૂદી પડે કે ખાલી પીપને લઈને?
જો ભરેલા પીપને લઈને કૂદી પડે તો મોત નક્કી હતું, કેમ કે પૈસો ડુબાડે છે, વજન હંમેશા નીચે બેસે છે. અંતમાં તોફાન વધ્યું તો ખાલી પીપનું મહત્ત્વ વધ્યું. શેઠ ખાલી પીપને લઈને દરિયામાં કૂદી પડયા.
ભરેલા પીપ પ્રાણ લેતાં હતાં. ખાલી પીપે પ્રાણ બચાવ્યા અને જીવતા રહ્યા બાદ પાછો વેપાર ક્યાં શરૂ થતો નથી?
શેઠને આજે તરવાની વિદ્યાનો અને ખાલી પીપની કિંમતનો ખ્યાલ આવી ગયો. આ શૂન્યની શોધ ભારતની છે, બાળમિત્રો જાણી રાખશો અને ધન્યતા અનુભવશો.
- હરીશ નાયક
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pxyPMF
ConversionConversion EmoticonEmoticon