ખાવાનો જુગાડ ઠીક નથી .

- પૈસાને વસૂલ કરવા એ આપણો સ્વભાવ છે. પેટની પછી આપણને પડી હોતી નથી. લગ્નમાં પણ એવો જ ઘાટ થાય છે. ચાંલ્લો વસૂલ કરવો.


અ કરાંતિયાવેડા ઉર્ફે અકરાંતિયું ( ખાઉધર) + વૃત્તિ (વેડા)  જરાય  સારા નથી. પણ માનવ સ્વભાવ એવો છે કે મફત મળતું હોય ખાઈ લેવું. અથવા પોતે પૈસા ખર્ચ્યા હોય તો એ વસૂલ થાય ત્યાં સુધી ખાઈ લેવું.  એટલે એમ કે પેટમાં ઠાંસી ઠાંસીને ખાઈ લેવું. પછી તો મોઢું ખોલીને આ.. આ.. આ... કરે તો ગળાની અન્નનળીમાં ખાધેલાં ખોરાકની સપાટીનાં ય દર્શન થાય! વડીલો કહી ગયા છે કે અન્ન પારકું છે પણ પેટ કાંઇ પારકું થોડું છે? પણ ગયે અઠવાડિયે જ એવું થયાનાં સમાચાર  ઇન્ટરનેટ ઉપર વાંચ્યા. બન્યું એમ કે  ચાર ચીનાઓ દક્ષિણ ચીનનાં યુનાન પ્રાંતનાં કુંમિંગ એરપોર્ટ પર ચેક-ઇન કરાવવા ગયા. સામાનનું વજન કર્યું તો વજન વધારે થયું. તેઓએ ૫૦ યૂહાન (રૂ. ૫૬૪) ખર્ચીને ૩૦ કિલો સંતરાની પેટી ખરીદી હતી. એરપોર્ટ પર એમને ઓવરવેઇટ લગેજને કારણે ૩૦૦ યૂહાન (રૂ. ૩૩૮૪) ભરવા કીધું. હવે શું? કાં તો સંતરા ફેંકી દેવા પડે, કાં તો.... યસ, એમણે એવું જ કર્યું. ખાઈ ગયા. અડધો કલાકની અંદર જ ચાર જણાં મળીને ૩૦ કિલો સંતરા ખાઈ ગયા. વ્હોટ એ જુગાડ! અને પછી....એમનાં મોઢામાં ચાંદા પડી ગયા. એકસામટા એસિડિક ફ્ટ્સ   

ખાઈ જાઓ તો શું થાય? હાલત એવી તો ખરાબ થઈ ગઈ હવે તેઓ સંતરાનાં નામથી ભડકે છે, દૂર ભાગે છે, એમનાં સપનામાં ય સંતરા આવે તો સફાળા જાગી જાય છે અને પસીને રેબઝેબ થઈ જાય છે.  ગુજરાતી લેક્સિકોન અનુસાર 'અતિશય'શબ્દનો અર્થ થાય છે ચડિયાતાપણું, શ્રેતા, પ્રભાવ,  ગુણ, વિશેષતા. કેવો ખોટો અર્થ છે! સંસ્કૃત ભાષામાં એક ખૂબ પ્રસિદ્ધ લઘુ સૂત્ર છેઃ 

अति सर्वत्र वर्जयेत्. કોઈ પણ સ્થિતિમાં અતિ એટલે વધારે પડતું હોય એ છોડી દેવું. ખાવા પીવાની બાબતે તો ખાસ. 

ખાણીપીણીમાં ફેંકી દેવું પડે તો ભલે પડે. પહેલાં કહેવાતું કે થાળીમાં એઠું અન્ન છોડવું નહીં. ઘણાં લોકોને બે ટંક ખાવા મળતું નથી અને તમે અન્ન વેડફણ કરો છો? પણ ભૂખ ન હોય અને ભૂલથી વધારે લેવાઈ ગયું હોય તો ખાવું જ, એ જરૂરી નથી. બીજી વાર ધ્યાન રાખશું. હેં ને?  અમે તો દરેક એવા ખાઉંઘર(ટેસ્ટોરાં)નાં વિરોધી છીએ જ્યાં અનલિમિટેડ થાળી મળે છે. પૈસાને વસૂલ કરવા એ આપણો સ્વભાવ છે. પેટની પછી આપણને પડી હોતી નથી. લગ્નમાં પણ એવો જ ઘાટ થાય છે. ચાંલ્લો વસૂલ કરવો. એટલે એમ કે થાળી ભરીને અને પેટ ભરી ભરીને ખાવાનું ઓહિયાં કરી જવું. કોશિશ કરો એવું ન થાય. બીજાને ખાતા જોઈએ એટલે થાય કે આપણે ય ખાઈએ. સ્વાદપટૂતા ભારે પડતી હોય છે, સાહેબ. જાણકારો કહે છે સલાડ ખાઓ. પણ એ ક્યાંથી ભાવે? કેટલું ભાવે? અને.... ગળ્યું એ ગળ્યું, બાકી બધું બળ્યું! 

ખાણીપીણીમાં સંયમ રાખવા વિષે અનેક સંશોધન થતા જ રહે છે. એમાં કહેલી કે લખેલી રેસીપીનું ખાવાનું તો મોઢામાં ય ન જાય! થોડો પોઝિટિવ જુગાડ કરી શકાય. થાળી અને ચમચી નાના રાખવા. એનાથી ઓછું ખવાય. ખાતી વખતે ટીવી જોવું નહીં. બેકગ્રાઉન્ડમાં હળવું સંગીત સારું પણ મોટે અવાજે વાગતું ધડાધડ મ્યુઝિક વધારે ખાવાનું પ્રેરક છે. હા, એક જુગાડ એવો ય છે કે જો પુરુષો એમની પ્રેમિકા કે પત્ની સાથે હોય તો તેઓ ઓછું ખાય છે. હા, પણ એટલું જરૂર જોવું કે એ બંને એકસાથે ન હોય! અને હા, તમે ઝાઝું નથી ખાતા એનો પ્રચાર ગાઈ બજાવીને કરવો. કોઈને લાગે કે આ શું ફાંકા ઠોકે છે? કોઈને એવું ય લાગે કે આ તો પોતાની જાતનાં જ વખાણ કરે છે. પણ જાતનાં વખાણ ઉર્ફે આત્મશ્લાઘા કરતાં રહેવું.

એક વાર તમે કહો કે અમે તો બસ આ રીતે જ  અને આટલું ઓછું જ ખાઈએ છીએ. પછી એ જ વાત અનેક વાર કહો. એટલે એમ કે હવે તમે તમારી જાત ઉપર તમે જાતે જ પ્રતિબંધ મૂકી દીધો. બધાને હવે ખબર કે તમે હવે માપદંડમાં ખાઓ છો. પછી કોઈ તમને આગ્રહ કરશે નહીં. અમને તો લાગે છે કે જેઓ તમને કહે કે 'લ્યો લ્યો, મારા સમ!', જે અમર્યાદ આગ્રહ કરે છે, એ બધા દરઅસલ તમારી મરવાની દુઆ કરતાં હોય છે. તમને મારી નાખતા હોય છે. અમારું ચાલે તો એવી તાણ કરતા સ્વજનો ઉપર આઈપીસીની કલમ ૩૦૪-એ લગાડી દઉં. ૩૦૪ એ? ગેરઈરાદાથી કરેલી હત્યા!

ખાણીપીણીમાં જુગાડ એવો કરવો કે જે ઓછું ખાવા માટે પ્રેરણા આપે. પેલા ચાર ચીના અડધો કલાકમાં ત્રીસ કિલો સંતરા ખાઈ ગયા એવો જુગાડ ક્યારેય કરવો નહીં. ફૂડ ફૂડમાં ય ફેર હોય છે. જુગાડ જુગાડમાં ય ફેર હોય છે. ઈતિ. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oRPytL
Previous
Next Post »