એકવાર ગોકુળ આવો, ગોવિંદાજી


એકવાર ગોકુળ આવો

મનના માદળિયા મારા, તનના તાવિજડા

શોભતો શણગાર લાવો, ગોવિંદાજી

એકવાર ગોકુળ આવો.

પગ પરમાણે કડલાં લઈ આવજો

કાંબિયુંની બે જોડયું, ગોવિંદાજી

એકવાર ગોકુળ આવો.

હાથ પરમાણે ચૂડલી લઈ આવજો

ગૂજરીની બે જોડયું, ગોવિંદાજી

એકવાર ગોકુળ આવો.

ડોક પરમાણે હારલો લઈ આવજો

પારલાની બે જોડયું, ગોવિંદાજી

એકવાર ગોકુળ આવો.

નાક પરમાણે નથણી લઈ આવજો

ટીલડીની બે જોડયું, ગોવિંદજી

એકવાર ગોકુળ આવો.

ગુ જરાત પાસે અગણિત લોકગીતો છે એ સાચું પણ એમાંથી ચલણમાં કેટલાં ? ગાયકોને કેટલાં લોકગીતોના ઢાળ આવડતા હશે ? શ્રોતાઓએ  કેટલાં સાંભળ્યાં હશે? આ આંકડો બહુ નાનો છે ! પુસ્તકોમાં સેંકડો લોકગીતો છપાયેલાં હોય એનાથી શું ? ગ્રંથસ્થ તો ઘણું ઘણું હોય પણ કંઠસ્થ કેટલું? અનેક લોકગીતો આપણા કંઠ અને કાનથી દૂર છે, અરે આંખોથી પણ દૂર છે.  સમયના કાટમાળ તળે દટાયાં છે, કોઈ કોદાળીકામ કરે એની રાહમાં છે !

'એકવાર ગોકુળ આવો...' વર્ષોથી આડે હાથે મુકાઈ ગયેલું લોકગીત છે. પ્રથમ દ્રષ્ટિએ ગોપીઓ ભગવાન કૃષ્ણને ગોકુળ આવવા વિનવણી કરતી હોય એવું સમજાય છે. કનૈયો એમને માટે મનના માદળિયા અને તનના તાવીજ જેવો છે. એ જયારે ગોકુળ જાય ત્યારે ગોપીઓ માટે શણગાર લેતા જાય એવી ભલામણ કરવામાં આવી છે. કડલાં સાથે કાંબીની બે જોડય એમ ચૂડલી સાથે ગૂજરી, હારલા સાથે પારલો, નથણી સાથે ટીલડી સહિત બધાં જ આભૂષણો મગાવ્યાં છે.

અહીં ગીત ગાનારી માટે 'ગોવિંદાજી' એટલે પોતાનો પિયુ. પારકા પાસે શોભતો શણગાર મગાવી શકાય ખરો? સજનીને કેવો શણગાર શોભે એ એના સાજન વિના કોને ખબર હોય? એટલે ભલે આ કૃષ્ણગીત લાગે પણ છે સુમધુર દાંપત્યજીવનનું રસગીત. પ્રિયા જયારે પ્રિયતમને 'કૃષ્ણ' જેવું સંબોધન કરે એનો અર્થ એ કે પોતે એને કેટલું સન્માને છે.મર્યાદાના કાળમાં પતિનું નામ ન લેવાતું એટલે રામ, કૃષ્ણ, શિવ જેવાં હૃદયસ્થ પાત્રોને લોકગીતના નાયક બનાવી દેવાતા હતા.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oWtyhp
Previous
Next Post »