- જ્યારે વીજળીએ ગામડાને અભડાવ્યું ન્હોતું ત્યારે અંધારે પણ ગામડું પ્રકાશતું હતું. દીવડો, મશાલ, ફાનસ ક્યાંક મોટોપ્રસંગ હોય તો પેટ્રોમેક્ષ... બાકી આંખોના અજવાળે ક્યાં ઓછું દેખાતું હતું ?
શિ યાળાની ઘોર અંધારી રાતે ટાઢનો નશો શહેર કરતાં છેવાડાનાં ગામડાં ખૂબ વધારે કરતાં હોવાને કારણે જ તે ગામડાં શિયાળાની રાતે વહેલા જંપી જાય છે. નગરની તુલનામાં ગામડામાં ઠંડી વધુ અનુભવાય છે. લોકો વ્હેલા વ્હેલા પરવારી ગોદડી ભેળાં થઇ જાય છે. રાતે દસ વાગે તો ગામમાં ભાગ્યે જ કોઈ ડોકાતું હોય, ભાગોળ પણ જંપી જાય... જે ઉનાળામાં ધમધમતી હોય. શિયાળો ઠારી નાખે... કાયાને અને માયાને... શિયાળાને કાબુમાં લેવા માનવી તાપણાં કરે... અને કાયાને સાચવે... ગોદડી સાથે ગોષ્ઠિ કરે. ગોદડીની ગોદમાં કાયાને રમવા મુકે... કાયા ટૂંટિયું વાળી દે... અંધારું વહેલું આવે... જ્યારે વીજળીએ ગામડાને અભડાવ્યું ન્હોતું ત્યારે અંધારે પણ ગામડું પ્રકાશતું હતું. દીવડો, મશાલ, ફાનસ ક્યાંક મોટોપ્રસંગ હોય તો પેટ્રોમેક્ષ... બાકી આંખોના અજવાળે ક્યાં ઓછું દેખાતું હતું ? ઘડિયાળ જોયા વગર ઊઠી જવાતું... અને ઘડિયાળમાં જોયા વગર ઊંઘી જવાનું... ખીચડી-દૂધનું વાળુ કરી જંપી જવાનું. ક્યારેક કોઈ મોટી નિશાળમાં ભણવાવાળા, ભજન ગાવાવાળા, ક્યારેક કોઈ પાણતમાં જવાવાળાનો અવાજ ગામમાં આવે... બાકી મહોલ્લો ભેંકાર, ગામ પણ ભેંકાર, સીમ પણ ભેંકાર... અંધારુ જાણે લીંપાઈ ગયું હોય બધા પદાર્થો ઉપર !! વાયરોય ટાઢો અને ધરતીની ધૂળ પણ ટાઢીબોળ ! હિમાલયમાં બરફ પડતો હોય એવો અનુભવ શિયાળાની રાતે ગામડાં કરતાં... રાતે પેશાબપાણી કરવા ઊઠવાનું ય કાઠું પડે... કાઠું. મહોલ્લાનાં માયાળુ કૂતરાંય જોડાજોડ આવીને સૂઈ ગયાં હોય એની ખબર પડે પણ ઉઠાડવાની પણ આળસ થાય એવી ટાઢ... થથરતી કાયાનું અનુમાન કકડતા દાંતમાંથી પામી શકાતું... બિલાડીની આંખોમાંથી અજવાળું નીકળતું... મિયાઉ કરતું ઉંદરને ઝડપી લેતું... જેમ અંધારાએ આખા ગામને ઝડપી લીધું હોય એમ ! રાતના અંધારામાં ઝાકળબિંદુઓ ધરતીની કાયાને વધારે ટાઢો ઠારવા ક્યાંકથી આવી જતાં... સીમમાં એનો ગાઢ પરિચય થાય વ્હેલી સવારે ખબર પડે. આખી રાત રાતવાસો કર્યો ખેતરમાં હોય ખબર જ ના પડી કે ઝાકળ આવ્યું ક્યાંથી ? એક તરફ કાળાડિબાંગ અંધારાની પીંછી ફરે અને પછી એમાં થીજેલા કોપરેલ અને ઘીની જેમ ઠરી ગયેલા માણસોને અંધારું ઠારે કે ટાઢ ઠારે એ નક્કી ના થઇ શકે... બંનેનો પ્રભાવ ભારે ! કાનટોપી, સ્વેટર, મફલર, ગરમ કોટ, શાલ કામળા-ધાબળાની માયા લઇને ગામ ભલે ને ફરે પણ રાત પડે એટલે એ માયાની સોડમાં ગામ ગોદડીના સરનામે સંતાઈ જાય ત્યારે કળ વળે. સમાજની કેદમાં પુરાયેલી વહુવારુને જ કામ કરવું પડે... પુરૂષે કહેવત પાડી ઃ 'ટાઢ વાય સૌને, ના વાય વહુને'
શહેરની ચાલીઓની જેમ નજીક નજીકમાં તાપણાની કોર્યમોર્ય બેઠેલા ગામડાના માણસો એકલપેટા નથી હોતા... જે આવે તે તાપે... શહેરનાં ધાબાવાળાં મકાનોની તુલનામાં માટીનાં ઘરો પ્રમાણમાં ઓછાં ઠરે... પણ મોકળાશ ઝાઝી હોવાને કારણે ખુલ્લાપણામાં ટાઢનો પ્રભાવક અનુભવ ગામવાસીઓ કરતા હોય છે... ગામડામાં શિયાળાનું જેટલું સ્વાગત થાય છે તેટલું નગરમાં નથી થતું. નગરના કૂતરાનેય કપડાં જોઇએ.... ગામમાં તો ભેંસ, ગાય, બળદ, કૂતરાં ખુલ્લાં ટાઢ સામે બાથ ભીડીને જીવે. માણસો કામને આઘાં ઠેલે... ગૂંચળુવળી પડયાં રહે. ગરમ રોટલો અને ગરમ ચા એમની સહાયે તાપણાની જેમ આવે... કોક ઘરમાં ટોપરાં ને ગોળ પણ હોય. ગામડાના ઘણા સદસ્યો દાઢી કરવાનું માંડી જ વાળે. રોજ ના કરે...કારણ ? ટાઢ... શિયાળો...શિયાળાની સામે જંગે ચઢવાનું માનવજાતે નક્કી કર્યું હોવા છતાં શિયાળો પરાજિત થતો જ નથી. રિંગણાનો ઓળો અને વસાણાની મેથી એને હરાવવા કોશિશો કરે જાય છે... પણ શિયાળો જ પકવે છે ઘઉં, શેરડી, શિયાળો હોય તો રોટલી ભેગા થવાય, મૂળો, મોગરી ખવાય.
સૂર્યોદય પછી પરોઢિયું થાય અને સૂર્યાસ્ત પછી રાતનો અનુભવ કરાવતી ગામડાની ટાઢ જબરો વ્યત્યય રચે છે. શરમના સેરડા અનુભવતી નવવધૂ જેવી ટાઢ ગામડાની ગલી ગલીમાં પ્રવેશી જતી હોય છે. મોડા મોડા અજવાળિયામાં ચંદ્રકિરણની ઓકળિયોથી ગામની કાયા લીંપાય છે ત્યારે એ નિહાળવા કોઈ જાગતું હોતું નથી... કેવી નિયતી ? પડે ઝાકળની ઝીણી ભાત ! આખા છોડની કાયા ઉપર... આખી ધરતીના રોમેરોમ !!
સાડલાના સોડિયામાં હાથ છુપાવતી પનિહારીઓની જેમ મોચા-ખાટલામાં-ગોદડીમાં આખા ગામનું ક્લેવર સંતાઈ જતું. ના બોલે છોકરાં, ના બોલે મોટાં... અંધારું ડોળા કાઢે. ભેંસો એકમેકની હૂંફે વાગોળતી બેઠી હોય. ચાંચડ ભેંસોને ચટકે ત્હોય ભેંસો ટાઢમાં પડી રહે એમ માકણ ચટકે ત્હોય માનવી ગોદડીમાં ગુપચુપ પડયો રહે. ખેતરમાં તો પરાળના સાથરા ઉપર ગોદડી પાથરી-ગોદડી ઓઢીને સૂઈ જતા ખેડુ-ભાગિયા ટાઢ માપવાનું થર્મોમીટર જાણે ! સવારે ઊઠીને એ રિપોર્ટ આપે - 'આજે તો ભૈ હેંમ પડયું'... 'તાપણાંય ઓછાં પડયાં'...'ટાઢ જબરી ભૈ તાપણાનેય ના ગાંઠી'... એના ઉપરથી ટાઢનું માપ નીકળતું કાળજું કંપી ઊઠે એવી ટાઢ વેઠતું ગામડું સૂરજ ઊગ્યા પહેલાં આળસ મરડીને ઊભું થઇ જતું.
ભેંસો દોહવાના સઇડ, સઇડ, સઇડ... અવાજથી અંધારું ડરી જતું અને પછી તો સૂરજનું શસ્ત્ર જોઇને છૂ થઇ જતું... ગામ પછી કામે વળતું... ઝાકળ પણ શરમાઈ જતું... ઘઉં, રાઇ, રાજગરો અને વરિયાળીના મોલમાં જે ઝાકળ પણ મોલ થઇને શોભતું તે સવારે છૂ થઇ જતું...
શિયાળાની રાતે દાદાની વાતો વ્હેલી વ્હેલી પુરી થઈ જતી... ગામની ફરતે અંધારાનો અજગર ભરડો લઇ લેતો... અંધારું ડરાવે... અંધારું ભૂલો કરાવે... અંધારે ઉઠી જઇએ ત્યારે પાણી પીવા લોટો શોધવા હાથ ફેરવીએ... હાથને ધક્કે લોટો ઊંધો વળી જાય.. ક્યારેક ફાનસ ભપકે ને ખાવા ટાણે રાણું થઇ જાય તો અંધારે ખાવુંય પડે... શિયાળાની ટાઢ ના ગાંઠે ચલમને કે બીડીને... છીંકણીને કે સહિયરોની વાતોને... શિયાળાની રાતની ટાઢ ના માને તાપણાનું કે અંગારાનું... ધાબળો-કામળો-રજાઈ-ગોદડીને ગાંઠે તો શિયાળો શાનો ? જે વહેતાં પાણીને ઠારીને પ્રવાહ અટકાવી દે... એ ટાઢ બચારા ગામડાની શી વલે કરે તે કલ્પી શકાય એમ છે. સાંજ થાય એટલે ઘર એટલે દર... મહીં ભરાઈ જવું પડે. કોઈ બુઢ્ઢાં કે કામઢાં તાપણાં કરી થોડા કલાક ટાઢને આઘી રાખવા કોશિશ કરે... પણ ત્યાં સુધીમાં ટાઢ કેટકેટલું બળતણ આરોગી જાય !!!! આંખોમાં ધુમાડાની સેના સામટું સામ્રાજ્ય જમાવે... આખરે જીતે તો રાત... ટાઢ..સમગ્ર ગામ ઉપર ઠંડીનું સામ્રાજ્ય ભારે સ્થપાય.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jnWzBF
ConversionConversion EmoticonEmoticon