ફોટો સ્ટોરી- ઝવેરીલાલ મહેતા


હે, વાચકો, કોરોના શું ઢીલો પડયો છે ? બોલો, બોલો !! અરે, જવાનું નામ જ લેતો નથી. પરિણામે લાખો નહિ કરોડો લોકો ચહેરા પર માસ્ક લગાવીને કંટાળી ગયા છે. અરે, મહિનાઓથી આ સહુ સગા-વ્હાલા, ઓળખીતા-પાળખીતાને રૂબરૂ મળી શક્યા નથી. ''માસ્ક'' એ કાંઈ કપડાનું ચીંથરૂ નથી પણ પોલિસની દ્રષ્ટિએ હજાર રૂપીયાની કિંમતનો કાપડનો ટૂકડો છે. આ કાપડનો ટૂકડો ચહેરાઓ પર ચોંટેલી નોટિસ છે. જૈન મુનિઓ તો વર્ષોતી શ્વેત કપડાનો શુદ્ધ ટચૂકડો માસ્ક, દહેરાસરે એમના ઈષ્ટદેવની પૂજા કરતી વખતે ખાસ નાક પર બાંધેલો રાખે છે. એ પવિત્ર એટલા માટે કે પૂજા કરતી વખતે શ્વાસોચ્છવાસ દ્વારા ભગવાનની પ્રતિમાને પણ ભૂલેચૂકે આડુઅવળુ થઈ ન જાય ! શહેરોમાં નાગરિકોની બપોરની ટી ટાઇમ વખતે બાંધેલા માસ્કને હોઠોથી નીચો ઉતારી દેવો પડે છે. આ મજબૂરી એવી છે કે નાની અમથી કાપડની ચીંદરડી નાક પર લગાડવાવાળો માણસ ઝટ ઓળખાતો નથી. કદાચ કોઈ અજાણ્યો જણ આપણને સ્નેહથી સામો મળે અને સ્નેહથી ટહૂકો કરે ''કેમ છો બાપુ ?'' તો એના ખબરઅંતરવાળા અવાજથી ભાઈની ઓળખાણ ન થાય ત્યારે કહેવું પડે ''મેં આપને ઓળખ્યા નહિ - તમારા હોઠ પરથી બુકાની વાંધો ન હોય તો ઉપર કે નીચે ખસેડીને મુખદર્શન સંપૂર્ણ કરાવો તો ખબર પડે કે તમે કોણ સ્નેહી યા પરિચિત સગા છો ? કેટલીક વ્યક્તિઓ તો ઘરમાં ય ''નાક-હોઠ'' પરનો ઘૂંઘટ હટાવતા નથી. રખેને ચોર જેવો કોરોના ઘૂસી જાય !!'' અરે, પાડોશીઓ વચ્ચેના કજીયામાં અરસપરસ આડુઅવળુ બોલવા ખાસ માસ્કને હોઠોથી ઊંચો કરી નાખવો પડે છે ! માસ્કના આ શિશુવયના ટુકડાએ લાંબુ આયુષ્ય ભોગવ્યું છે પરિણામે હવે કોલેજીયનો, યુવાનો, ગામડાની નારીઓ વગેરે-વગેરે એ કાળજીપૂર્વક માસ્કને સાચવીને ભરતગૂંથણવાળા યા પેઈન્ટ કરેલા બનાવીને મુખડા પર શોભે એ દ્રષ્ટિએ ચહેરાના એક સુશોભન તરીકે હોંશથી પહેરી લે છે. માસ્કને ''અમેરિકાનો વીઝા'' મળ્યા જેમ સાચવી રાખે છે. માસ્ક પહેરેલા મહારથી જેવા આ બાઈક-સ્કૂટર પરના સવારોના મોઢે બાંધેલા માસ્કને દર્શાવવા ગુજરાત કોલેજની દિશાએથી શરૂ થતા એલિસપૂલના વળાંક પરથી તસવીર ખેંચી છે - દરમિયાન કેમેરા આપણા આ નાગરિકો માટે બોલી ઊઠયો, ''સો વર્ષના થાવ'' આ મૂંગી આશિષ આપણા સહુની દીર્ઘાયુષ માટે જ છે ને !!! ''જરા સોચિયે નહિ'' વધારે વિચારો તો જ માસ્કનું મહત્ત્વ સમજાશે...



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dj01wg
Previous
Next Post »