- આ ફિલ્મમાં કાજોલ, તન્વી આઝમી, મિથિલા પાલકર જેવી શક્તિશાળી અદાકારાઓ છે. તેથી તેમાં શક્તિશાળી કહાણી અને સશક્ત કલાકારોનો સુભગ સમન્વય થયો છે.
અભિનેત્રી રેણુકા શહાણે તેની મોહક મુસ્કાન અને જાનદાર-શાનદાર અભિનય માટે હમેશાંથી જાણીતી છે જ. પણ હવે તેણે લેખિકા અને દિગ્દર્શિકા તરીકે સફળતા અંકે કરીને પોતાની બહુમુખી પ્રતિભાનો પરચો આપ્યો છે. તેની ફિલ્મ 'ત્રિભંગ'ને ચારેકોરથી પ્રશંસા પ્રાપ્ત થઈ રહી છે.
એક જ પરિવારમાં અલગ અલગ દ્રષ્ટિકોણ ધરાવતી ત્રણ સ્ત્રીઓની કહાણી વર્ણવતી 'ત્રિભંગ' લખવાનું રેણુકાને સૂઝ્યું કેવી રીતે એવો પ્રશ્ન થવો સહજ છે. આના જવાબમાં અભિનેત્રી કહે છે કે સામાન્ય રીતે મોટા કે નાના પડદા પર દર્શાવવામાં આવતાં મહિલા પાત્રો સીમિત દાયરામાં જ સમાયેલા હોય છે. આ પાત્રોમાં તેમની બહુમુખી પ્રતિભા કે વિવિધતા ખાસ નજરે નથી પડતી. પરંતુ વાસ્તવિક જીવનમાં મેં મારી આસપાસ ઘણી શક્તિશાળી મહિલાઓ જોઈ છે. મારા પરિવારની સ્ત્રીઓની જ વાત કરું તો મારી નની, મમ્મી અને માસી અત્યંત શક્તિશાળી મહિલાઓ તરીકે ઉભરી આવી છે. મહત્ત્વની વાત એ છે કે તેઓ જુદી જુદી વિચારધારા ધરાવતી મહિલાઓ હોવા છતાં આપસમાં તેમના સંબંધો બહુ સારા છે. મને એમ લાગ્યું કે એકલા મારા ઘરમાં જ આટલી સશક્ત સ્ત્રીઓ છે તો સમાજમાં તેની સંખ્યા કેટલી મોટી હશે ? આમેય હું મારી કહાણીમાં સીધા-સરળ સંબંધો ધરાવતી નહીં, બલકે ગૂંચવણભર્યા સંબંધોમાં રાચતી સ્ત્રીઓનું નિરૂપણ કરવા ઇચ્છતી હતી. તેથી મને એમ થયું કે એક જ પરિવારની, જુદાં જુદાં દ્રષ્ટિકોણ ધરાવતી ત્રણ પેઢીની સ્ત્રીઓને જ મારી કહાણીમાં વણી લઉં તો કેવું ? ભલે તેમના દ્રષ્ટિકોણ અલગ-થલગ હોય, આમ છતાં તેઓ પરસ્પર સંકળાયેલી હોય. તેમની વચ્ચે મતભેદ ભલે હોય, પણ મનભેદ ન હોય, બસ, આ વિચાર સાથે જ 'ત્રિભંગ'ની રચના થઈ.
માતા-પુત્રીના સંબંધોની વાત આવતાં રેણુકા શહાણે કહે છે કે મારો અને મારી માતાનો સંબંધ જિગરી બહેનો જેવો છે. ખરું કહું તો હું ૭૫ ટકા મારી મમ્મી જેવી છું. આજે હું જે છું તે મારી મમ્મીને આભારી છે. મને ફિલ્મો જોવાની સૌથી વધુ મઝા મારી માતા સાથે આવે છે. અમે એવું ઘણું સાથે મળીને કરીએ છીએ જે માતા-પુત્રી ભાગ્યે જ કરતાં હોય. અમારી વચ્ચે ભાગ્યે જ કોઈ મતભેદ થયો હશે. બાકી સામાન્ય રીતે માતા અને સંતાનો વચ્ચે મતભેદ થતાં જ હોય છે. ઘરના વડિલો મોટાભાગે એમ માનતા હોય છે કે તેમણે તેમના સંતાનો માટે જે નિર્ણય લીધો છે તે તેમના ભલા માટે છે. જ્યારે સંતાનોને એ નિર્ણય પોતાના માટે હાનિકારક લાગે છે. વાસ્તવમાં હું મારી કહાણીમાં સંબંધોના પ્રત્યેક પાસાને આવરી લેવા માગતી હતી. પડદા પર સામાન્ય રીતે મહિલાઓના જીવનના ઘણાં પાસાં પર ધ્યાન આપવામાં નથી આવતું. હું આ કમી પૂરી કરવા માગતી હતી.
એ વાત સર્વવિદિત છે કે પરિણીત તેમ જ માતા બની ગયેલી સ્ત્રી પોતાની મહત્વકાંક્ષાને હૈયાના એક ખૂણે ધરબી દે છે. જો ક્યારેક તે તેની અભિવ્યક્તિ કરે તોય તેના સંતાનો તેના પ્રત્યે ધ્યાન નથી આપતાં. તેમને એમ લાગતું જ નથી કે તેમની મમ્મીને પણ કોઈ મહત્વકાંક્ષા હોય કે હોવી જોઈએ. આ બાબતે રેણુકા કહે છે કે મહિલાઓ પોતે જ પોતાને સુપરવુમન પુરવાર કરવા જવાબદારીઓ, ત્યાગ, મહાનતાના પહાડો હેઠળ કચડતી રહે છે. પરંતુ સુપરવુમન બનવાની સ્પર્ધામાં તે એકલી જ હોય છે અને દોડી દોડીને હાંફી જાય તોય કાંઈ વળતું નથી. બહેતર છે કે તે પોતાનો દ્રષ્ટિકોણ બદલે, પોતાના શમણાઓમાં પોતાના સંતાનોને સામેલ કરે.
આ ફિલ્મમાં કાજોલ, તન્વી આઝમી, મિથિલા પાલકર જેવી શક્તિશાળી અદાકારાઓ અને કુણાલ રોય કપૂર, કંવલજીત જેવા દમદાર અભિનેતાઓ છે. તેથી તેમાં શક્તિશાળી કહાણી અને સશક્ત કલાકારોનો સુભગ સમન્વય થયો છે. રેણુકા આ બાબતે કહે છે કે આ બધા કલાકારો એક એકથી ચડે એવા છે. તેથી સેટ પર પણ અમે ખૂબ મજાકમસ્તી કરતાં. આમ મોજમાંને મોજમાં ફિલ્મ ક્યારે બની ગઈ તેની અમને ખબર પણ ન પડી. અલબત્ત, કામ કરતી વખતે બધી મજાકમસ્તી બાજુએ મૂકીને અમે સમગ્ર ધ્યાન કામ પર કેન્દ્રિત કરતાં. આમ છતાં મને લાગે છે કે અમે મોજતી ફિલ્મ બનાવી તેથી દર્શકોને પણ તે જોવાની મઝા આવી રહી છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oQjpD4
ConversionConversion EmoticonEmoticon