પૃથ્વીની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ સમજવા માટે પૃથ્વી પર મળતા રહેતા કરોડો વર્ષો પૂરાણા અવશેષોનો અભ્યાસ થતો રહે છે. આ અભ્યાસની શાખાને પેલિયોન્ટોલોજી (ભૂ-વિજ્ઞાાન) કહે છે. તાજેતરમાં જ આર્જેન્ટિનામાં ૧૦ કરોડ વર્ષ પહેલાંના ડાયનાસોરના અવશેષો મળ્યા. ચેન્નઈની ૧૩ વર્ષની અશ્વથા બિજુ નામની છોકરી ભારતની સૌથી નાની વયની પેલિયોન્ટોલોજિસ્ટ છે. અશ્વથાએ અત્યાર સુધી ૧૨૦ જેટલા ફોસિલ્સ (અવશેષો) એકઠાં કર્યા છે. આજે તો તેનું ઘર એક નાના મ્યુઝિયમ જેવું બની ગયું છે. તે આ વિષયમાં એટલી પાવરધી થઈ ગઈ છે કે સ્કૂલ-કોલેજથી માંડીને જિઓલોજી (ભૂસ્તરશાસ્ત્ર) તેમજ પેલિયોન્ટોલોજી ઇન્સ્ટીટયુટમાં સેમિનાર ચલાવે છે.
વાત એમ છે કે, અશ્વથા જ્યારે ત્રણેક વર્ષની હતી ત્યારે એન્સાયક્લોપીડિયાના પાનાં ઉથલાવતાં તેને અવશેષો અંગે થોડો થોડો રસ જાગ્યો. તેને છીપલાં ભેગા કરવાનો શોખ હતો. એક દિવસ તેને એમોનાઈટ (એક પ્રકારનું જીવાશ્મિ) હાથ લાગ્યું અને તેને થયું કે આ પણ એક પ્રકારનું છીપલું છે. અશ્વથાને જ્યારે ખબર પડી કે એ 'છીપલું' તો એના ઘર નહીં, પણ મ્યુઝિયમ માટે બન્યું છે ત્યારે તે એમોનાઈટ જોવા માટે વારંવાર મ્યુઝિયમમાં જવા લાગી. અત્યાર સુધી અશ્વથાએ જાતે રિસર્ચ કરીને ઘણાં ફોસિલ્સ ઓળખીને ભેગા કર્યા છે. જોકે, એ મ્યુઝિયમના લાખો વર્ષ જૂના અવશેષો નથી, પણ ૧૦૦-૨૦૦ વર્ષ જૂના ખરા જ! અશ્વથાનું માનવું છે કે પેલિયોન્ટોલોજી બાબતે ભારતમાં બહુ ઓછું રિસર્ચ થયું છે એટલે તે સ્કૂલ-કોલેજ લેવલે આ અંગે જાગૃતિ લાવવા માગે છે.
અહીં દેડકાઓની થાય છે તસ્કરી!
૧૩ એપ્રિલ, ૨૦૧૯ના રોજ બગોટાના એલ ડોરાડો ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પોલિસ ઈન્સપેક્ટરને ટુરિસ્ટ પર શંકા જતા તેની કપડાથી ભરેલી બેગ ખાલી કરાવી. એક્સ-રેમાં કપડાની વચ્ચે ઘાટા રંગની કોઈ 'ચીજ' દેખાતી હતી. બેગ ખોલાવતા એ જગ્યાએ ફોટોગ્રાફિક ફિલ્મના રોલના ડબ્બા દેખાયા. ઓફિસરે તે ખોલ્યા તો એમાં ફિલ્મની પટ્ટી નહીં, પણ જીવતાજાગતા દેડકા હતા! યસ, નશીલા પદાર્થની જેમ તે શખ્સ દેડકાની તસ્કરી કરીને જર્મની લઈ જઈ રહ્યો હતો.
વાત એમ છે કે, દેડકાની વિવિધ પ્રજાતિના મામલામાં કોલંબિયા દુનિયાના બીજા સ્થાને છે. અહીં જે પકડાયા તે અતિ ઝેરી દેડકાની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે. તે કોલંબિયાના પેસિફિક વિસ્તારના કોકો અને વેલે ડેલ કોકા એરિયાથી પકડીને લઈ જવાતા હતા. તેની કિંમત ૧૪૭૯ પાઉન્ડ એટલે કે ૨૦૦૦ ડોલર જેટલી થાય છે. યૂરોપ અને અમેરિકાના સંગ્રાહકો આ દેડકાઓને શોખથી ઘરે રાખે છે. આ એક દેડકામાં રહેલું ઝેર ૧૦ લોકોનો જીવ લઈ શકે છે. જર્મનીની હમ્બોલ્ટ ઈન્ટિસ્ટિટયુટના સંશોધકના અનુસાર કોલંબિયામાં ૨૦૦ જેટલા ઊભયજીવી પ્રજાતિને લુપ્તપ્રાય યા તો સંકટગ્રસ્ત પ્રજાતિમાં વર્ગીકરણ કરાયું છે, જેમાં મોટાભાગે દેડકાઓ છે. આ દુલર્ભ જંગલી દેડકાઓને બચાવવા કોલંબિયામાં સંસ્થાઓ અને ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર કાર્યરત છે. વર્ષ ૨૦૧૯ના રિપોર્ટ મુજબ છેલ્લા ચાર દાયકામાં ૮૦ હજાર ઝેરી દેડકાઓનો શિકાર કરવામાં આવ્યો હતો.
જરૂરી છે 'સેલ્ફિ-ડિસિપ્લીન', નહીંતર સજા-એ-મોત!
સેલ્ફીને લીધે નદી કે તળાવમાં કોઈ પડી ને મરી ગયું હોય તેવી ઘટના વાંચવા-સાંભળવા મળતી રહે છે. માટે જ ફરવાના સ્થળે ચેતવણી આપવામાં આવે છે, પરંતુ સેલ્ફી લેવાથી ડેથ પેનલ્ટી મળે એવું ક્યાંય સાંભળ્યું છે? થાઈલેન્ડમાં હવે આ પ્રકારની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. વાત એમ છે કે, થાઈલેન્ડમાં વિશ્વના અતિ સુંદર આઈલેન્ડમાંથી એક એવું 'ફુકેટ આઈલેન્ડ' આવેલું છે અને ત્યાં ફુકેટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી એકદમ નજીક આવેલું મઈ ખાઓ નામનું બીચ પ્રવાસીમાં અત્યંત લોકપ્રિય છે. વિમાનોની અવરજવરવાળા આ બીચ પર લેન્ડ કરતા કે ટેક-ઓફ કરતા વિમાનને સાવ નજીકથી જોનારા સેલ્ફી લીધા વગર રહી શક્તા નથી. તે પર્યટકોના કારણે પાઈલોટનું ધ્યાન ફંટાય છે અને બેલેન્સ બગડવાની સંભાવના રહે છે.
બસ, આ 'ચિંતા'ને કારણે અહીંના પ્રવાસીઓને સેલ્ફી લેવા પર મૃત્યુ સુધીની સજા આપવામાં આવી શકે છે જેથી આ જ બીકે લોકો ભૂલથી પણ સેલ્ફી ન લે! આટલા વર્ષોમાં અઢળક પ્રવાસીઓએ આવી આકર્ષક તસવીર કેમેરામાં કંડારી છે, પણ નવા
નિયમને લીધે હવે તેમને મસમોટો દંડ ભરવો પડે કે ડેથ પેનલ્ટી પણ મળે તેવું શક્ય છે. આ બીચને બંધ કરવાથી ઘણા લોકોની આવક પર અસર પડે તેમ છે એટલે એવું પણ ન કરી શકાય. એટલે જ લોકોને ત્યાં 'સેલ્ફી-ડિસિપ્લીન' પાડવાની ફરજ પડી છે.
ગર્ભપાત: કાયદેસર કે ગેરકાયદેસર?
મહિલાએ ગર્ભપાત કરાવવું જોઈએ કે નહીં, કેટલા અઠવાડિયા બાદ સ્વૈચ્છિક ગર્ભપાતની છૂટ હોવી જોઈએ, મહિલાના જીવનું જોખમ હોય એ વખતે ગર્ભપાત કરાવી શકાય કે નહીં - આને લગતા કાયદા દેશ પ્રમાણે જુદા જુદા છે. ભારત સહિતના ૧૪ દેશોમાં સગર્ભાની સ્થિતિ મુજબ બાળકને જન્મ આપવો કે નહીં તેની છૂટ અપાય છે તો ઈરાક અને ઇજિપ્ત સહિતના ૨૬ દેશોમાં કોઈપણ સંજોગોમાં ગર્ભપાતને મંજૂરી નથી. બ્રાઝિલ સહિતના ૩૯ દેશોમાં સગર્ભાને જીવનું જોખમ હોય તો જ ગર્ભપાત કરાવી શકાય છે. આ વાત છેડવાનું કારણ એ કે, થોડા દિવસો પહેલા એક દેશમાં વર્ષોની માંગ બાદ સરકારે ગર્ભપાતને કાયદેસર મંજૂરી આપી.
વાત એમ છે કે, લેટિન અમેરિકી દેશ આર્જેન્ટિનામાં મહિલાઓને ગર્ભપાત કરાવવાની કાયદેસર મંજૂરી હોવી જોઈએ - તે મુદ્દાને લઈને છેલ્લા ૧૫ વર્ષથી મહિલાઓ આંદોલન કરી રહી હતી. અંતે તેમની જીત થઈ છે. આર્જેન્ટિનાની સેનેટમાં ગર્ભપાતને લિગલ ઠેરવતો ખરડો ગત ૩૦મી ડિસેમ્બરે પસાર થયો છે. તે બિલ મુજબ ૧૪ અઠવાડિયા સુધી સ્વૈચ્છિક ગર્ભપાતને મંજૂરી મળશે. એટલું જ નહીં, બળાત્કાર કે પછી ગર્ભવતી મહિલાના જીવને જોખમ હોવાની સ્થિતિમાં ૧૪ અઠવાડિયા પછી પણ તે મહિલા ગર્ભપાત કરાવી શક્શે. આ માટે આર્જેન્ટિનાની સદનમાં આ માટે ૧૨ કલાક લાંબી ચર્ચા ચાલી. જેના અંતે આ ખરડાની તરફેણમાં ૩૮ અને વિરુદ્ધમાં ૨૯ વોટ પડયા. જોકે, સંસદનું નિચલા સદન 'ચેમ્બર ઓફ ડેપ્યુટીઝ' આ ખરડાને અગાઉ મંજૂરી આપી ચૂક્યું છે અને રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાન્ડિઝે તેનું સમર્થન કર્યું છે. આમ થતા ગર્ભપાતને કાયદેસર મંજૂરી આપતો આર્જેન્ટિના લેટિન અમેરિકાનો પહેલો દેશ બન્યો છે.
જોકે, આર્જેન્ટિનાના કેથલિક બિશપ તથા ગર્ભપાતના કાયદાના વિરોધીઓનું કહેવું છે કે, ન જન્મેલા બાળકનો જીવ લેવાનો હક કોઈને ન હોવો જોઈએ અને આ સ્ત્રીઓની સમસ્યાનું સમાધાન નથી. અને કાયદાના સમર્થકોનું કહેવું છે કે, આજે પણ આર્જેન્ટિનામાં મહિલાઓ ગર્ભપાત કરાવે છે, પરંતુ ગેરકાયદેસર હોવાના કારણે તેમને જોખમ ઉઠાવીને તેવું કરવું પડે છે, જેમાં ઘણી વખત તેમને જીવ પણ ખોવો પડે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39F5MC8
ConversionConversion EmoticonEmoticon