- માણસને આંખ, કાન, નાક કે અન્ય ઇન્દ્રિયો મળી જાય એટલે વિવેકદ્રષ્ટિ કે સમજ પણ મળી જાય એવું જરૂરી હોતું નથી
આ પણે ઘણીવાર કહેવતો વાપરતી વખતે પ્રાણીઓને અન્યાય કરીએ છીએ. કોઈ વ્યક્તિ પોતાના વહાલાં રમકડાં જેવી પૂર્વગ્રહોની દુનિયા બહારનું સત્ય ઝીલવા જ તૈયાર ન હોય ત્યારે આપણે બોલી ઊઠીએ : કૂવામાંનો દેડકો! આપણે ભૂલી જઈએ છીએ કે દેડકો તો બિચારો નિર્દોષ હોય છે કે એણે કૂવાની દિવાલો બહાર જોયું જ નથી હોતું, પણ આપણે માણસજાત એવી જડસૂ છીએ કે છતી આંખે દિવસના પ્રકાશની હાજરી કબૂલ રાખતા નથી!
માણસને આંખ, કાન, નાક કે અન્ય ઇન્દ્રિયો મળી જાય એટલે વિવેકદ્રષ્ટિ કે સમજ પણ મળી જાય એવું જરૂરી હોતું નથી. એક વિસ્ફોટક છતાં કાળસિદ્ધ સત્ય સમજી લો : માણસ એ જ જુએ છે જે એને જોવું હોય છે. મોટે ભાગે માણસજાત માટે સત્યનો શોધક પ્રકાશ નહીં, પોતાની વૃત્તિ, પોતાની વાસના, પોતાનાં પૂર્વગ્રહરચિત રમકડાં જ મહત્ત્વનાં હોય છે.
પ્રવચન સાંભળ્યા પછી કે લેખ વાંચ્યા પછી ઘણા બેવકૂફો એવા મુદ્દા ચગાવતા હોય છે જેના સ્પષ્ટ, સરળ ખુલાસા પ્રવચન કે લેખમાં થઈ ચુક્યા હોય છે. મંદબુદ્ધિનાં બાળકને લખાણ ચાર ચાર વાંચવું પડે : શું આ લોકો બીજી-ત્રીજી વાર લેખ વાંચે તો મનમાં ઉઠતી દલીલોના જવાબ મળે? ના મળે. કારણ કે આ લોકો સામે આગના ડામ જેવાં એ સત્યો ભટકાય છે, જે એમને વાંચવા જ નથી હોતાં, સાંભળવાં જ નથી હોતાં, નહિતર આખી રામાયણ સાંભળ્યા પછી ''સીતાનું હરણ થયું કે હરણની સીતા થઈ'' એ પ્રશ્ન ઉઠે જ કેમ? હકીકત એ છે કે આવા લોકોએ લેખ 'વાંચવા' છતાં વાંચ્યો નથી હોતો. પ્રવચન સાંભળવા છતાં સાંભળ્યું નથી હોતું. તમે એ જ વાતો વાંચો કે સાંભળો છો જે તમને વાંચવી કે સાંભળવી હોય.
કોઈ લેખ કે પ્રવચન વાંચ્યા વગર વિરોધી ટિપ્પણી કરે ત્યારે હસવું કે રડવું એ સૂઝે નહીં. મનમાં થાય કે કહી દઈએ : ભલા ભાઈ, લેખ હજૂ બે વાર ફરી વાંચ, પ્રવચનની કેસેટ ફરી ધ્યાનથી સાંભળ! પરંતુ પછી સમજાય કે માણસને વહાલું પૂર્વગ્રહનું, આજ સુધીની ગોખણપટ્ટીનું રમકડું હોય છે, તાજગી નહીં, સત્ય નહીં. પછી એ બંધુ લેખ કે પ્રવચન પચાસ વાર વાંચે છતાં ''સમજાશે'' નહીં. આપણે એ જ સાંભળીએ છીએ, જે સાંભળવું હોય છે!
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36BWx3U
ConversionConversion EmoticonEmoticon