ચરૈવેતિ ચરૈવેતિ .


શી ખવા માટે ઉંમરનો કોઈ બાધ નડતો નથી. જેનામાં શીખવાની પ્રબળ ઇચ્છા હોય તે એક સારો શિષ્ય બની શકે છે. શીખવાની ધગશ જેનામાં હોય એ જીવનમાં નિરંતર શીખતો રહે છે. જે શીખવાનું બંધ કરી દે છે તે જીવનમાં આગળ વધી શક્તો નથી, અને તેની પ્રગતિ અટકી જાય છે. તે જ્યાં હોય ત્યાં એજ સ્થિતિમાં પડી રહે છે. જે માણસ હંમેશા નવું નવું શીખતો રહે છે અને પોતાની કાર્યકુશળતા વધારતો રહે છે તેને અવશ્ય સફળતા મળે છે. તે બીજા લોકો માટે એક અનુકરણીય આદર્શ બની જાય છે.

આપણાં ભારત દેશમાં પુરાતનકાળથી જ જ્ઞાાન પ્રાપ્ત કરવાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જ્ઞાાનને સૌથી પવિત્ર વસ્તુ માનવામાં આવી છે.- નહિ જ્ઞાાનન સદૃશ પવિત્ર મિહ વિદ્યતે । અહિ જ્ઞાાની ગુરુને ભગવાન કરતાંય ઊંચુ સ્થાન આપવામાં આવ્યું છે. ભગવાન પણ જ્યારે માનવના રૂપમાં અવતાર લઈને ધરતી પર આવે છે ત્યારે તેમને પણ જ્ઞાાન પ્રાપ્ત કરવા ગુરુ પાસે જવું પડે છે. આ બાબતને ગોસ્વામી તુલસીદાસજીએ ભગવાન રામ વિદ્યાધ્યયન માટે ગુરુ પાસે જાય છે તે પ્રસંગને આ રીતે વર્ણવ્યો છે. જાકિ સહજ સ્વાસ શ્રુતિ ચારી । સો હરિ પઢ યહ કૌતુક ભારી ।।

આ રીતે ભગવાન શ્રીકૃષ્ણે વ્રજમાં બાળલીલા દરમ્યાન મોટામોટા અસુરોનો સંહાર કર્યો હતો. દેવરાજ, ઇન્દ્રને પડકાર ફેંકીને પોતાની આંગળી પર ગોવર્ધન પર્વતને ધારણ કર્યો હતો, મથુરાના શક્તિશાળી રાજાકંસનો વધ કર્યો હતો. તેમને પણ વિદ્યા પ્રાપ્ત કરવા માટે ઉજ્જનમાં આવેલ ગુરુ સાંદીપનીના આશ્રમમાં જવું પડયું હતું. આપણા દેશની આજ વિશેષતા છે. માણસ પદ કે ઉંમરમાં ગમે તેટલો મોટો હોય છે, છતાંય તેણે નિરંતર જ્ઞાાન પ્રાપ્ત કરતા રહેવું જોઈએ.

હંમેશા શીખતા રહેવાની પ્રેરણા આપણને આ સૂત્રમાંથી મળે છે.'ચરૈવેતિ ચરૈવેતિ'ય એટલે આગળ ચાલતા જ રહો, અટકશો નહિ. આ સૂત્રનું તાત્પર્યએ છે કે માણસે સાંસારિક માયાજાળ અને ભૌતિકતાના ઝળહળાટમાં અટવાઈને અટકી ન જવું જોઈએ, પરંતુ નિરંતર આગળ વધતા રહેવું જોઈએ. માણસે ઉન્નતિ કરતાં રહેવું જોઈએ. ઊર્ધ્વગામી ગતિથી જ આપણને પરમલક્ષ્યની પ્રાપ્તિ થઈ શકે છે.

જ્યારે મહાભારતનું યુધ્ધ પુરું થઈ ગયું હતું અને બાણશૈયા પર સૂઈ રહેલા ભીષ્મ પિતામહ સૂર્ય ઉત્તરાયણનો થાય તેની રાહ જોઈ રહ્યાં હતા એ વખતે ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને ભીષ્મ પિતામહ પાસેથી જ્ઞાાન પ્રાપ્ત કરવા મોકલ્યા હતા. યુધિષ્ઠિર ઉંમરલાયક હતા અને જીવનના સંઘર્ષમાંથી ઘણું બધું શીખ્યા હતા, એમ છતાં ભગવાને તેમને જ્ઞાાન પ્રાપ્ત કરવા માટે ભીષ્મપિતામહ પાસે જવાનું કહ્યું તે વાત તેમને જરા અટપટી લાગી, એમ છતાં તેઓ જ્ઞાાન પ્રાપ્ત કરવા માટે ભીષ્મપિતામહ પાસે ગયા. એના લીધે જ આપણને મહાભારતમાં શાંતિ તથા અનુશાસન પર્વના સંવાદનો અદ્ભૂત લાભ મળ્યો.

નિરંતર શીખતા રહેવાની વૃત્તિ માણસને જીવનમાં આગળ વધારે છે.

સફળ લોકોમાં જેમની ગણતરી કરવામાં આવે છે. એવા એક સોફટવેર અન્જિનિયર સાથે કામ કરતા કેટલાક સાથીઓએ હવે કામ કરવાનું બંધ કરી દીધું છે. આ વિશે તેમનું કહેવું છે કે મારા સાથીઓએ કામ કરવાનું બંધ નથી કર્યું, પરંતુ તેમને કામ મળવાનું બંધ થઈ ગયું છે. જો મેં પણ નવું નવું શીખવાનું બંધ કરી દીધું હોત તો મને પણ કામ મળવાનું બંધ થઈ ગયું હોત માણસ જો નવું નવું શીખતો રહે તો જ તે આગળ વધી શકે.

નિરંતર શીખતા રહેવાથી માણસનો ઉત્કર્ષ થાય છે. અને તેને નવી નવી સિધ્ધિઓ મળે છે. પરંતુ એના લીધે તેણે કદાપિ અહંકાર ન કરવો જોઈએ. આજે વિશ્વ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. કોમ્પ્યુટર, અધ્યાત્મ, ચિકિત્સા, વિજ્ઞાાન વગેરે તમામ ક્ષેત્રોમાં દરરોજ નવું નવું સંશોધન થઈ રહ્યું છે એનું કારણ નવું નવું શીખતા રહેવાની વૃત્તિ જ છે. જે શીખવાનું બંધ કરી દે છે તેની પ્રગતિ અટકી જાય છે.

વેદોનો અભ્યાસ પૂરો કર્યા પછી દીક્ષાંત સંસ્કાર વખતે ગુરુ પોતાના શિષ્યોને ખૂબ મહત્વનો ઉપદેશ આપતા હતા. તેમાંનો એક ઉપદેશ છે- સ્વાધ્યાયન મા પ્રમદિતવ્યમ્ । આ ઉપદેશ તૈતરીય ઉપનિષદના અગિયારમાં અનુવાકમાં આપવામાં આવ્યો છે. દીક્ષાંત અવસર પર ગુરુ પોતાના શિષ્યોને ઉપદેશ આપતા હતા કે 'તમારું અધ્યયન પુરું થઈ ગયું છે. એમ છતાં પણ તમે સ્વાધ્યાયમાં એટલે કે જ્ઞાાન પ્રાપ્ત કરવામાં આળસ ના કરશો. આના ઉપરથી સમજાશે કે આપણા જ્ઞાાન ગુરુઓ જ્ઞાાન પ્રાપ્ત કરવાને અત્યધિક મહત્ત્વ આપતા હતા.

હજારો વર્ષ પહેલા પણ આપણા ઋષિમુનિઓ જાણતા હતા કે જે શીખવામાં આવે તે તાજું રહે અને તેમાં નિરંતર વધારો થતો રહે એ માટે સ્વાધ્યાય જરૂરી છે. સાથે સાથે તેઓ એવું પણ કહેતા હતા કે કુશલતા ન પ્રમદિતવ્યમ્ એટલે કે કુશળતા પ્રાપ્ત કરવામાં કદાપિ આળસ ન કરશો. આ બંને સૂત્રો જ્ઞાાન પ્રાપ્ત કર્યા પછી પણ તેમાં આગળ વધતા રહેવાનો ઉપદેશ આપે છે. હવે તો આ બંને સૂત્રોને દીક્ષા આપતી વખતે પણ સમજાવવામાં આવે છે, જેથી શિષ્યો શરૂઆતથી જ આ ઉપદેશોને પોતાના જીવનમાં અપનાવી શકે.

નિરંતર શીખતા રહેવાથી માણસ તેના ઉદ્યોગધંધામાં પ્રવીણ બની જાય છે. નિરંતર શીખતા રહેવાથી પોતાની ઊણપો દૂર થાય છે અને કાર્યકુશળતા વધે છે. જેમ પથ્થર પર દોરડું સતત ઘસાવાથી તેમાં ખાડો પડી જાય છે એજ રીતે નિરંતર જ્ઞાાન મેળવતા રહેવાથી માણસમાં પણ એક જાતની ચમક પેદા થાય છે. ચપ્પુને જો વાપરવામાં ન આવે તો તેના પર કાટ લાગી જાય છે. તેને વાપરતા રહેવાથી કાટ લાગતો નથી અને તેની ચમક વધી જાય છે. એજ રીતે નિરંતર શીખતા રહેવાથી માણસ પ્રકાશવાન બને છે. અને તેની બુધ્ધિ તથા કાર્યકુશળતા ધારદાર બનતી જાય છે.

- હરસુખલાલ સી.વ્યાસ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cBCSon
Previous
Next Post »