આણંદ, તા.17 ફેબ્રુઆરી 2021, બુધવાર
હોમીયોપેથીક અભ્યાસક્રમના ઈન્ટર્નસના વિદ્યાર્થીઓના સ્ટાઈપન્ડના દરોમાં વધારો કરવાની માંગ સાથે વિદ્યાર્થી સંગઠન એબીવીપીની આગેવાની હેઠળ ચાલી રહેલ આંદોલન દિન-પ્રતિદિન ઉગ્ર બની રહ્યું છે. આજે શહેરના ટાઉનહોલ પાસેથી ચૂંટણીનો બહિષ્કાર કરી સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરાયું હતું.
જો કે વિરોધ કરી રહેલ વિદ્યાર્થીઓને પોલીસે અટકાવતા વિદ્યાર્થીઓએ પોલીસના વાહનનો ઘેરાવો કર્યો હતો. દરમ્યાન પોલીસે એબીવીપીના કાર્યકરો સહિત કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.
વધુમાં મળતી માહિતી મુજબ ગુજરાત સરકારના ઠરાવ મુજબ મેડિકલ, ડેન્ટલ, ફીઝીયોથેરાપી તથા આયુર્વેદના ઈન્ટર્નસને નવા નિયમ મુજબ સ્ટાઈપન્ડ ચુકવવામાં આવે છે. જ્યારે હોમીયોપેથીક અભ્યાસક્રમના ઈન્ટર્નસને જુના ઠરાવ મુજબ સ્ટાઈપન્ડ ચુકવાય છે. સરકાર દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હોવા છતાં હોમીયોપેથીક અભ્યાસક્રમના ઈન્ટર્નસને મળતા સ્ટાઈપન્ડના દરોમાં વધારો કરવામાં ન આવતા છેલ્લા એક માસથી એબીવીપીની આગેવાનીમાં વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન છેડવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે આણંદ શહેરના ટાઉનહોલ નજીક આવેલ સરદાર સાહેબની પ્રતિમા પાસે એબીવીપીના કાર્યકરો તથા હોમીયોપેથીકના ઈન્ટર્નસ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને સ્ટાઈપન્ડના દરોમાં વધારો કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી ચૂંટણીનો બહિષ્કાર કરવા સાથે રેલી કાઢવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવતા આણંદ શહેર પોલીસની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને વિરોધ કરી રહેલ વિદ્યાર્થીઓને અટકાવતા કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા પોલીસના વાહનનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. દરમ્યાન પોલીસે એબીવીપીના કાર્યકરો તથા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી અને શહેર પોલીસ મથકે લઈ જવાયા હતા. બાદમાં તમામનો છુટકારો થયો હતો.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jZBFZL
ConversionConversion EmoticonEmoticon