ઉમરેઠ પાલિકાના 7 વોર્ડની ચૂંટણી માટે 28 મતદાન મથકો ઉભા કરાશે


આણંદ, તા.17 ફેબ્રુઆરી 2021, બુધવાર

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલ સ્થાનિક  સ્વરાજની સામાન્ય ચૂંટણીઓ અંતર્ગત આણંદ જિલ્લામાં તા.૨૮ ફેબુ્રઆરીના રોજ ચૂંટણી યોજાનાર છે. જેમાં જિલ્લાની ઉમરેઠ નગરપાલિકાના ૭ વોર્ડમાંથી વોર્ડદીઠ ૪ મુજબ ૨૮ ઉમેદવારોની ચૂંટણી યોજાવાની છે. વોર્ડદીઠ ૪ ઉમેદવાર ચૂંટવાના હોઈ ઈવીએમ મશીન પણ મલ્ટીચોઈસ પ્રકારના ગોઠવાશે.

આ અંગે વધુ વિગતો આપતા ઉમરેઠ નગરપાલિકા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, ઉમરેઠ નગરપાલિકાના મતદારોને નગરપાલિકાના મલ્ટીચોઈસ પ્રકારના ઈવીએમમાં મતદાન કરવા અંગેની સમજ મળી રહે તે હેતુથી તમામ વોર્ડમાં ઈવીએમ નિદર્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ તમામ વોર્ડના જાહેર સ્થળો ઉપર મતદારોને મલ્ટીચોઈસ ઈવીએમમાં કેવી રીતે મતદાન કરવું તે અંગેની સમજ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે નગરપાલિકાના ઈવીએમ પૈકીના બેલેટ યુનિટમાં મતદારે પોતાની પસંદગી મુજબ ૪ ઉમેદવારોને તેમના ક્રમ સામેનું બટન દબાવ્યા બાદ રજીસ્ટરનું બટન દબાવી મત આપવાનો હોય છે. જે અંગે ટ્રેનરની ટીમ દ્વારા વિસ્તૃત સમજ આપવામાં આવી રહી છે.

ઉમરેઠ નગરપાલિકાના કુલ ૭ વોર્ડમાં ૨૮ મતદાન મથકો ઉભા કરવામાં આવશે. નગરના ૧૪૬૧૧  પુરૂષ, ૧૪૦૦૨ સ્ત્રી અને ૧ અન્ય મળી કુલ ૨૮૬૧૪ મતદારો નોંધાયા છે. 

જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ સ્થાનિક અધિકારીઓની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આગામી તા.૨૮ ફેબુ્રઆરીના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3s0Tz14
Previous
Next Post »