- ગોરાઓ સાથે લાતથી વાત કરતાં, ભારતને સહુ પ્રથમ સુભાષે શીખવ્યું
- લાતોં કે ભૂત બાતોં સે નહિ માનતે પરાક્રમનો પ્રારંભ પ્રારંભનો પ્રહાર પ્રહારનો પડકાર પડકારના પરાક્રમ
- ''હું બેનરની માફી નહિ જ માગું'', ગોરાએ કહ્યું. ''એ બેનર નથી બેનરજી છે. તારે માફી માગવી જ પડશે.'' સુભાષે સંભળાવ્યું
- સુભાષ ભારતને પોતાની રીતે આઝાદ કરવા માગતો હતો ગમે તેવા દબાણ હેઠળ તેણે દેશને પોતાની રીતે વિચારતાં શીખવ્યું
'યુ ડેમ! ઇન્ડિયન રાસ્કલ...!' એક ગોરા વિદ્યાર્થીએ ભારતીય વિદ્યાર્થીને આ પ્રમાણે કહ્યું, તેને માર્યો, પછાડયો, તેનું દફ્તર ફેંકી દીધું.
એ ભારતીય વિદ્યાર્થીએ ઊભા થઈ પોતાનાં કપડાં ખંખેર્યાં, દફ્તર ઉપાડયું અને ચૂપચાપ તે જવા લાગ્યો. પણ પોતાના સાથી સુરેન્દ્રની આ દશા પર બીજો ભારતીય વિદ્યાર્થી સમસમી ઊઠયો. તેણે કહ્યું : 'તેં એનો સામનો કેમ ના કર્યો?'
'કેવી રીતે કરું, તે ગોરો છે, સુભાષ!'
'ગોરો છે તો શું થયું? એ કંઈ આકાશમાંથી ટપક્યો છે? તારી જગાએ હું હોત તો મારી મારીને એનું કચુંબર કાઢી નાખત. હા, થયું'તું શું?'
'કંઈ નહિ. એને વહેલા નીકળી જવું હતું. દરવાજામાંથી, એ ઉતાવળમાં હતો અને કદાચ હું નડતો હતો...'
એટલામાં શાળાનો ઘંટ પડયો. ફરીથી વર્ગો શરૂ થઈ ગયા.
આ ઘટના વિલાયતની નથી.
આ ઘટના છે કલકત્તાની, એટલે કે ભારતના જ એક પ્રમુખ શહેરની. ત્યારે ગોરાઓનું આપણા દેશ પર શાસન હતું. આપણા દેશમાં જ તેઓ પોતાની જાતને દેવદૂત કે ઈશ્વરીય માનવીઓ અને શાસકો હોય એમ વર્તતા. કરુણતા તો આપણી એ હતી કે આપણા લોકો જ ચઢિયાતા તથા સારા દેખાવા તેમના જેવા થવાનો પ્રયાસ કરતા. તેમનો સાથ-સહકાર મેળવવા તેમની યાચના કરતા. તેમના માન-ચાંદના ખિતાબો છાતી પર લટકાવી ગર્વ અનુભવતા, તેમની ભીખમાં મેળવેલી કૃપાને લઈને તેઓ પોતાની જાતને બીજા ભારતીયથી ઊંચા સમજતા.
ગોરા રંગે રંગાયેલા અને ગોરા ચશ્માંથી દુનિયા જોનારા જે અમીર ભારતીય કુટુંબો હતાં, તેઓ પોતાનાં બાળકોને ગોરી સ્કૂલમાં મોકલી ધન્યતા અનુભવતા.
ઉપરનો પ્રસંગ કોન્વેન્ટ શાળાનો છે. એ શાળામાં મોટે ભાગે ગોરા વિદ્યાર્થીઓ જ ભણતા. ભારતીયોને તેમાં એડ્મિશન મળતું નહીં, તેમ છતાં પોતાની જાતને ઊંચા ગણાવતાં ભારતીય કુટુંબો એ શાળામાં પોતાનાં બાળકોને મોકલીને રહેતાં. એ શાળામાં પોતાનાં બાળકોને પ્રવેશ અપાવવા વધારે પડતી જહેમત ઉઠાવતાં તથા ગરજ બતાવતાં, પણ એ બાળકોની કેવી દશા થતી તે તમે ઉપર જોયું હશે! મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ પોતાની આ દશા સ્વીકારી લેતા. આપણે આ જ લાગના છીએ, અથવા એમાં એણે શું ખોટું કર્યું? જેવો તેમનો ભાવ રહેતો. તેમનામાં એ લઘુતાગ્રંથિ ઘર કરી ગઈ હતી. પાછું ઘરે જઈને વડીલો સમક્ષ ફરિયાદ પણ થઈ શકે નહીં. જો તેમ કરે તો ગોરી છાયા હેઠળના વડીલો આ બાળકોનો જ વાંક કાઢે અને તેમને જ ધમકાવે.
ખેર! જે બાળકને અન્યાય થયો હતો એ સુરેન્દ્ર બેનરજી તો ગમ ખાઈને બેસી રહ્યો પણ સુભાષ શાંત રહી શક્યો નહિ. વર્ગમાં શું ચાલે છે, એ તરફ તેનું ધ્યાન જ ગયું નહિ. 'એ ગોરા ટોમને હું સીધો કરીને જ રહીશ.'એ જ વાત તેના મનમાં ઘોળાતી હતી.
વર્ગ પૂરો થતાં નાની રિસેસ પડી કે તરત બધા વિદ્યાર્થીઓ બહાર નીકળ્યા. એક સાથે દોડી જવા ધક્કામુક્કી કરવા લાગ્યા. સુભાષ આગળ જઈને ઊભો રહ્યો. તે બધા ગોરા વિદ્યાર્થીઓને તકલીફ આપવા લાગ્યો પણ જેવો ટોમ દોડવા ગયો કે પગ ધરી દીધો.
ટોમ પડયો. ઊભો થયો. તેના મનમાં આવા બ્લેક વિદ્યાર્થીઓ માટે પહેલેથી જ ધૃણા હતી. 'બ્લેક્સ આર અવર સ્લેવ્ઝ' (કાળા લોકો આપણા ગુલામ છે) એવો ખ્યાલ ટોમનાં માતાપિતાએ જ તેના મનમાં સ્થાપી દીધો હતો. તેણે ઊભા થઈ સુભાષને મારવા લીધો. 'યુ ડેમ, યુ બુ્રટ, યુ બ્લેક રાસ્કલ...'
દરેક અપશબ્દના બદલામાં સુભાષ એ ટોમલાને એકએક ફેંટ ફટકારતો હતો. આગળ જવા ઉપર ટોમ બોલી જ શક્યો નહિ પણ તે રહી શક્યો નહિ અને તે બાથંબાથી પર આવી ગયો. તેણે પોતાના ગોરા સાથી વિદ્યાર્થીઓને કહ્યું : 'લેટ અસ ટીચ હીમ એ લેસન' - 'ચાલો આપણે એને પાઠ ભણાવીએ.'
પણ સુભાષ તૈયાર હતો. એણે એક સાથે બધાંનો સામનો કર્યો. પેલા ટોમને તો સારી પેઠે પછાડયો અને દરેક ફટકા સાથે તે કહેતો હતો : 'આ તને ભારતીયોની ઇજ્જત કરતાં શીખવશે. આ તને એ વાતનો ખ્યાલ આપશે કે બધાં સરખા છે. આ તને આકાશમાંથી ધરતી પર લાવી દેશે કે જેથી ખ્યાલ આવે કે ગોરાઓ આકાશમાં જન્મ્યા નથી, દેવદૂત નથી, ઈશ્વરીય પ્રજા નથી.'
સુભાષ ત્યારે ખરેખર ટારઝન જેવો હતો. એની કરડી મુખમુદ્રા જોઈ ગોરી ટોળકી ડરી ગઈ, ઠરી ગઈ. ગોરા વિદ્યાર્થીઓને લાગ્યું કે ટોમની લડાઈમાં આપણે નાહક વચમાં પડયા. તેઓ ટોમથી સહેજ દૂર થયા કે સુભાષે ટોમને પકડીને કહ્યું : 'બેનરજીની માફી માગ.'
સુરેન્દ્ર બેનરજીને ગોરા વિદ્યાર્થીઓ બેનર જેવા તોછડા નામે બોલાવતા. ટોમ હજી ગુમાનમાં હતો. તે કહે : 'નહિ, હું બેનરની માફી નહિ માગું.'
'એ બેનર નથી, બેનરજી છે, સુરેન્દ્ર બેનરજી. એનું સન્માનપૂર્વક નામ બોલતાં શીખ અને તારે એની માફી એટલા માટે માગવાની છે કે તેં એનું હડહડતું અપમાન કર્યું છે.'
ટોમ પૂરતો પિટાઈ ચૂક્યો હતો, છતાં તે કહે : 'અને હું માફી ન માગું તો...?'
સુભાષ પાછો તેના ઉપર તૂટી પડવા તત્પર બન્યો. દૂર ઊભેલો સુરેન્દ્ર એને વારતો રહ્યો. તેને એમ કે સુભાષે નકામી પોતાની લડાઈ તેને માથે લઈ લીધી, પણ સુભાષે કહી દીધું : 'ના, સુરેન્દ્ર, એણે તારી માફી માગવી જ પડશે.'
બીજા ગોરા વિદ્યાર્થીઓ ટોમને કહેવા લાગ્યા : 'માગી લે માફી' અને એટલું કહી દૂર સરકી જવા લાગ્યા. આખરે બીજો કોઈ ઉપાય ન જોતાં ટોમે 'માફ કરી દે મને' કહી દીધું, પણ એ સાથે જ તે પોતાનું દફ્તર ઉપાડીને ભાગી ગયો. કહેતો ગયો કે, 'હવે જોઈ લેજો, તમને અમે કેવી મજા ચખાડીએ છીએ તે !'
પાછળથી આઝાદ હિંદ ફોજના સર સેનાપતિ બનેલા અને ભારતને પોતાની રીતે આઝાદ કરવાની પ્રતિજ્ઞાા લઈ બેઠેલા બાબુ સુભાષચંદ્ર બોઝનો આ છે વિદ્યાર્થીજીવનનો પ્રસંગ. એ ઘટનાએ તેમને મૂળભૂત બોધ આપી દીધો હતો. પ્રથમ તો એ કે અન્યાયનો સામનો કરવો જ. અન્યાય સહન કરવો એ અન્યાય કરનાર કરતાં મોટું પાપ છે. બીજું એકલા ભલે હોઈએ, એકલા હોવાથી અચકાવું નહીં. દરેક મહાપ્રયાણની શરૂઆત પ્રથમ પગલાંથી જ થાય છે. 'ડગલું ભર્યું કે ના હઠવું, ના હઠવું.'
એ કવિતા ભલે નર્મદની રહી પણ વર્ષો પહેલાં એ કવિતા લખાઈ ન હતી ત્યારે જ અમલમાં મૂકી દીધી હતી વિદ્યાર્થી સુભાષ બોઝે.
બાળપણથી જ સુભાષને એ ખ્યાલ આવી ગયો હતો કે આપણે ભારતીય લોકો જ ગોરાઓની ખુશામત કરી કરીને તેમને ચઢાવી માર્યા છે. એથી તેઓ વધુ વકર્યા અને વીફર્યા છે, પોતે ચઢિયાતા હોવાનો ખ્યાલ એમના મનમાં દ્રઢપણે બેસી ગયો છે.
'એક માનવ બીજા કરતાં ચઢિયાતો નથી જ.' એ ખ્યાલ સુભાષના ચિંતન-મનનનો મૂળ પાયો હતો. ગોરાઓ જો પોતાની જાતને સુપરમેન માનતા હોય તો તેમને સમાનતાના પાઠ શીખવવા જ રહ્યા.
જે દટાઈ મર્યું તેની હોહા થાય અને ઘરમાં ખબર પડે તે પહેલાં જ સુભાષે ઘરે જઈને પિતાજીને કહી દીધું : 'તમે મને ગોરી સ્કૂલમાં ભણાવવાનો શા માટે આગ્રહ રાખો છો?'
'એટલા માટે કે તું એક શ્રેષ્ઠ રાજકર્તા બને.'
'તે હું બનીશ જ. પણ એ માટે મારે એ શાળામાં અને તેમની પાસે શિક્ષણ લેવાની જરૂર નથી. રાજશાસનના પાઠ એ લોકો (ગોરાઓ જ) આપણને શીખવી શકે છે એ આપણી માન્યતા જ આપણને ગુલામ બનાવી રાખે છે.'
પિતાજીએ સુભાષનો આ મિજાજ અગાઉ પણ જોયો હતો એટલે એમણે તરત જ પૂછ્યું : 'સ્કૂલમાં કંઈ થયું આજે?'
'હા,' સુભાષે કહ્યું : 'એ લોકોને ખ્યાલ આવી ગયો કે તેઓ ચઢિયાતા નથી, આપણી સમકક્ષ છે...'
'તેં કંઈ કર્યું?'
'બસ, મેં સમાનતાનું સમર્થન કર્યું.'
નારાજ પિતાએ સુભાષને તો કંઈ કહ્યું નહિ, પણ સુભાષની માતાને જરૂર કહ્યું : 'આ તારો દીકરો કોઈ જુદી જ જાતનો છે.'
માતા દીકરાને વધુ ઓળખતી હતી, વધુ નજીક હતી. તેણે કહી દીધું : 'મારો નહિ, આપણો કહો અને જુદી જાતનો છે જ, એ વાતની ક્યાં નવાઈ છે? પણ કેટલીય જુદી જાતો એણે પોતાની જાતે વિકસાવી છે, એ તો તમે સ્વીકારો છો ને?'
સુભાષ પાસે માતાપિતાના, વડીલોના કે સ્કૂલના શિક્ષણ ઉપરાંત પોતાનું થિંકિંગ હતું, કેટલીય વાતો વિચારપૂર્વક એણે જાતે જ વિકસાવી હતી એ વાત તો પિતાજીને સ્વીકારવી જ પડી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39P5IzY
ConversionConversion EmoticonEmoticon