ચતુર સુજાણના ચાર સવાલ

- યુવાને જણાવ્યું કે, ''ક્ષમા કરજો રાજન ! પણ હું એ ચકાસતો હતો કે મારે ભાગ લેવા જેટલું જ્ઞાાન તમારા પંડિતો-કવિઓમાં છે કે નહિ અગર જો હોય તો જ હું એમની સાથે વાર્તાવિનોદમાં ભાગ લઉં ! 

- સભા વિખરાઈ, કિંતુ વજીરજી માટે મુસીબતનું પોટલું આપતી ગઈ. વજીરજીની તો ઉંઘ હરામ થઈ ગઈ

- વજીરે વધારે વાતચીત કર્યા વગર કહ્યું કે ''ભલુ થઈ સવાલોના જવાબ આપ-જેથી મારી ઇજ્જત રહી જાય.''


રા જા સભા ભરીને બેઠા છે. કવિઓનો, પંડિતોનો વાર્તા વિનોદ ચાલે છે, ત્યાં સભામાં એક તેજસ્વી લલાટવાળો યુવાન દાખલ થયો. રાજાને પ્રણામ કરી એક બાજુ બેસી ગયો બે કલાક સભા ચાલી પણ યુવાન એક અક્ષર પણ બોલ્યો નહીં. પછી તો અઠવાડિયા સુધી યુવાન આવતો, પ્રણામ કરી બેસતો પણ મુંગો મુંગો. એક દિવસ રાજાથી ના રહેવાયું, તેમણે વજીર દ્વારા પૂછાવ્યું કે ''આ યુવક કોણ છે અને શા માટે આવે છે પણ કાંઈ બોલતો નથી ? તો જવાબમાં એ યુવાને જણાવ્યું કે, ''ક્ષમા કરજો રાજન ! પણ હું એ ચકાસતો હતો કે મારે ભાગ લેવા જેટલું જ્ઞાાન તમારા પંડિતો-કવિઓમાં છે કે નહિ અગર જો હોય તો જ હું એમની સાથે વાર્તાવિનોદમાં ભાગ લઉં ! રાજા તો યુવાનની આવી સ્પષ્ટ વાણી સાંભળી આભોજ બની ગયો એણે કહ્યું, ''યુવાન મારા કવિઓ-પંડિતોને કહે : મારા પંડિતો-કવિઓ એનો સાચો ઉત્તર આપશે.

પછી તો તને કોઈ એતરાજ નથી ને ? આખી સભા યુવાન હવે કેવા સવાલ પૂછશે એની ચિંતામાં પડયા એટલે યુવાને કહ્યું : ''રાજન ! મારો પ્રથમ સવાલ છે ''બુદ્ધિ રહે ક્યાં ?'' બીજો સવાલ છે ''બુદ્ધિ ખાય શું ?'' ત્રીજો સવાલ છે ''બુદ્ધિ પીવે શું ?'' અને છેલ્લો સવાલ છે ''બુદ્ધિ આપે શું ?'' આ ચાર સવાલોના મને સંતોષકારક જવાબ મળશે તો હું માનીશ કે આપની સભા અને આપના કવિઓ-પંડિતો મારી સાથે વાર્તાવિનોદ કરવાની કાબેલીયત ધરાવે છે ! આખી સભામાં સોપોં પડી ગયો.

ખુદ મહારાજા-વજીર સાથે ચકરાઈ ગયા કે યુવાને આ કેવો અઘરો સવાલ પૂછ્યો ? બુદ્ધિ તો જડ વસ્તુ છે એ વળી ખાતી હશે ? અને કાંઈક પીતી હશે ? યુવાન તો આટલા સવાલ કરી બેસી ગયો અને આખી રાજ સભાને વિચારતી કરી દીધી. કલાકેકના મૌન પછી રાજાએ પોતાના કવિઓ પંડિતો સામે જવાબની આશાએ જોયું તો દરેક જણે મસ્તક નમાવી દીધા ! રાજાને થયું આવનાર યુવાન મારી સભાનું નાક કાપી જશે કે શું ? એટલે એણે યુવાનને કહ્યું : ''યુવાન તારા સવાલો વિચારવા લાયક - અઘરા છે પણ મારો વજીર એ બધાથી હોંશિયાર છે.

કવિઓ જવાબ (આપી ના શક્યા તો શું થયું વજીર જી આપશે) પછી રાજા વજીર તરફ જોઈ કહ્યું : વજીરજી, યુવાનના સવાલના જવાબ આપો. જોજો આપણી ઇજ્જતનો સવાલ છે !'' વજીરજી મુંઝાયા અને વિચારવા લાગ્યા કે આ તો લેવા દેવા વગરની આફત મારા ઉપર આવી ! આ યુવાને તો ભારે કરી ! એટલે એમણે ઉભા થઈ મહારાજાને પ્રણામ કરી આખી સભા સાંભળે તેમ કહ્યું કે 'રાજન ! યુવાને કરેલા સવાલ અઘરા હોવાથી તાત્કાલીક તેનો જવાબ આપવો શક્ય નથી. જેથી કરીને મને ચાર દિવસની મહેતલ આપવા વિનંતી ! રાજાએ યુવાન તરફ જોયું તો યુવાન બોલ્યો : મહારાજા સાહેબ મને કોઈ વાંધો નથી. હું ચાર દિવસ પછી આપની સભામાં આવીશ.' વજીરને થયું હાશ ! ચાર દિવસની તો મહેતલ મળી છે ! કાંઈક રસ્તો નીકળશે !

સભા વિખરાઈ, કિંતુ વજીરજી માટે મુસીબતનું પોટલું આપતી ગઈ. વજીરજીની તો ઉંઘ હરામ થઈ ગઈ. તેઓ જમતી વખતે પણ બેધ્યાન રહેવા લાગ્યા. આથી એમના પત્ની એ પૂછ્યું : ''શું કશી ચિંતા છે ? વજીર કહે '''આજકાલ નો છોકરો મારા ધોળામાં ધૂળ નાંખવા બેઠો છે. એણે ચાર સવાલના જવાબ માંગ્યા, કોઈને જવાબ ના આવડયા એટલે રાજાજીએ એ કામ મને સોંપ્યું ! મેં ચાર દિવસની મહેતલ માગી છે એમાંથી પણ બે દિવસ તો વીતી ગયા. હવે બીજા બે દિવસમાં જવાબ ક્યાંથી શોધવા ? સાંભળી શેઠાણી હસવા લાગ્યા વજીર કહે 'મારો જીવ જાય છે ને તને હસવું આવે છે ?'' શેઠાણી કહે : ''અરે ભગવાન ! એટલી ય ખબર નથી કે જેણે સવાલ પૂછ્યો છે એને તો જવાબ આવડતો જ હોવો જોઈએ. ''

જાવ જઈ એને પકડો અને સામ દામ દંડ ભેદથી જવાબો મેળવી લો ! મહારાજા સામે તમારી ઇજ્જત રહી જશે. અને વજીરપણું બચી જશે. વજીરજીની આંખો ખુલી ગઈ. એમણે એ યુવાનનું ઠેકાણું શોધી નાંખ્યું અને રાતેને રાતે ઘોડા ઉપર બેસી એ યુવાનના ગામે પહોંચ્યા. નામની તો ખબર હતી એટલે એ યુવાન વિનયચંદ્રનું મકાન શોધી નાંખ્યું. વજીરજીને પછી ખબર પડી કે પોતે અને વિનયચંદ્ર એક જ નાતના એટલે કે વણિક છે.

વિનયચંદ્રને તો ખબર હતી જ કે વજીરજી વ્હેલા મોડા પોતાને શોધ્યા વગર રહેશે નહિ એટલે તેણે તેની માતાને કહી રાખ્યું હતું કે ''મા, આજકાલ હું મારી જિંદગીની પહેલી કમાણી તને આપીશ એટલામાં દરવાજો ખખડયો કે વિનયચંદ્ર બોલ્યો : જો મા, લક્ષ્મીજી આવ્યા ! વિનયચંદ્ર દરવાજો ખોલ્યો તો સામે વજીરજી ઉભેલા ! વિનયચંદ્ર કહે ''કેમ વજીરજી રાત માથે લેવી પડી ?'' વજીરે વધારે વાતચીત કર્યા વગર કહ્યું કે ''ભલુ થઈ સવાલોના જવાબ આપ-જેથી મારી ઇજ્જત રહી જાય. વળી આપણે બન્ને તો એક જ નાતના વણિક છીએ. જવાબ આપવાની મહેતલમાં બે દિવસ ખૂટે છે. માટે કાંઈક ઘટતું કર. વિનયચંદ્રે તેમને ઝૂલા ઉપર બેસાડયા અને પછી અસ્સલ વેપારીની અદાથી કહે : 'કાકા, દેવ પણ પ્રસાદ વગર રીઝતા નથી, તો આપણે તો પામર મનુષ્ય છીએ. કાંઈક વહેવારની વાત કરો તો અબી હાલ જવાબ આપું ! વજીર તો સાંભળી સડક જ થઈ ગયા.

તેને થયું આ ડીટા જેવડો છોકરો મારી સાથે સોદો કરવા બેઠો. પણ સમયનો તકાજો હતો એટલે વિનયચંદ્રની વાત માન્યા વગર છૂટકો ન્હોતો. એટલે એમણે કહ્યું દીકરા, તું જવાબની કિંમત બોલ. એટલે વિનયચંદ્રે કહ્યું ''પહેલો સવાલ બુધ્ધિ રહે ક્યાંની કિંમત છે પચીસ હજાર, બીજો સવાલના જવાબની કિંમત છે પચાસ હજાર. આજના દિવસ પૂરતું આટલું કાફી છે. બીજા બે સવાલના જવાબ આવતી કાલે. વજીરને મંજુર રાખ્યા શિવાય છૂટકો ન્હોતો તેમણે વિનયચંદ્રને રૂા. પંચોત્તર હજાર ગણી દીધા અને બે સવાલના જવાબ લઈ ઘેર આવ્યા શેઠાણીને કહે પંચોતરમાં બે જવાબ મળ્યા.

હવે જોઈએ બાકી બે જવાબના કેટલાં માંગે છે. બીજા દિવસે વજીર પૈસા લઈ વિનયચંદ્રના ઘેર પહોંચ્યા. વિનયચંદ્ર રાહ જ જોતો હતો એણે વજીરજીની આગતા સાગતા કરી અને બીજા પંચોતેર હજારમાં ત્રીજા સવાલનો જવાબ આપ્યો. હવે વજીર અકળાયા અને બોલ્યા ''ત્રણ સવાલનો જવાબ મને દોઢલાખમાં પડયો. હવે ચોથા અને આખરી સવાલના તું કેટલા દામ લઈશ ? જલ્દી બોલ, એટલે મને તારી હેસિયતની ખબર પડે !'' જવાબમાં વિનયચંદ્ર ખડખડાટ હસ્યો અને બોલ્યો : ''કાકા, તમે તો મારા વડીલ છો - મારે મોઢે સાંભળવું છે ? પણ લોકો કહે છે તમારા ઘરમાં શુશીલ અને સૌંદર્યવાન કન્યા છે. એનું કાંઈ વિચાર્યું ? વિનયચંદ્રનું આટલું બોલવું સાંભળતા જ વજીરજીના દિમાગના કમાડ ખૂલી ગયા ! એમને થયું આવાં બુદ્ધિશાળી ચતુર સુજાણ જમાઈ મને બીજે ક્યાં મળવાનો ? એટલે ઉભા થતા થતા એ બોલ્યા જમાઈ રાજ હવે ચોથા સવાલનો જવાબ મને મળી ગયો કાલે હું આપણી નાતના પાંચ શ્રાવકોને લઈને આવું છું. આપણે વેવિશાળનું પતાવી દઈએ ! વિનયચંદ્રે મરક મરક હસીને ચોથો જવાબ કહી સંભળાવ્યો !! કે બુદ્ધિ લક્ષ્મી આપે - સંપત્તિ આપે અને પદ આપે !''

બીજે દિવસે ભરચક સભામાં વજીરજી એ વિનયચંદ્રે આપેલા જવાબ કહી સંભળાવ્યા કે યુવાનનો પહેલો સવાલ છે બુદ્ધિ રહે ક્યાં ? એનો જવાબ છે કે બુદ્ધિ પાંચ માણસો વચ્ચે રહે. એકલદોકલ માણસનો નિર્ણય કદાચ ખોટો હોય પણ પંચનો નિર્ણય સાચો હોય એટલે બુદ્ધિ પાંચ માણસો વચ્ચે રહે છે. બીજો સવાલ છે બુદ્ધિ પીવે શું ? નો જવાબ છે કે બુદ્ધિ વાત પીવે. ત્રીજો સવાલ છે બુદ્ધિ ખાય શું ? તો તેનો જવાબ છે કે બુદ્ધિ ગમ ખાય. ઉતાવળીયે લીધેલો નિર્ણય કદાચ ખોટું પગલું ભરાવે. એ સમયે બુદ્ધિશાળી માણસ ગમ ખાય તો ઘણીબધી મુશ્કેલીથી બચી જાય.

દરેક સભાજનના ડોકા હકારમાં ઘૂણવા લાગ્યા ! ખુદ મહારાજા વિચારવા લાગ્યા કે ''મારા વજીરજી કેવા સચોટ જવાબ શોધી લાવ્યા ! વજીરજી આગળ બોલ્યા કે ચોથો સવાલ છે બુદ્ધિ આપે શું ? તો તેનો જવાબ છે કે બુદ્ધિ કન્યા એટલે કે લક્ષ્મી આપે, સમાજમાં મોભો આપે અને પદ આપે.'' કહી એક નજર વિનયચંદ્ર તરફ નાખી કહ્યું કે હું મહારાજા સાહેબને વિનંતી કરું છું કે હું હવે વૃદ્ધ થયો એટલે મારી જગ્યાએ વજીરનું પદ મારા જમાઈ એવા વિનયચંદ્ર ને આપે એવી દરખાસ્ત કરૂં છું. મહારાજાએ વજીરજીની વિનંતીનો તત્કાલ સ્વિકાર કર્યો.                                

- યુસુફ મીર



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39UaM66
Previous
Next Post »