તાજેતરમાં સુચિત્રા કૃષ્ણમૂર્તિએ તેના 'ધ ક્વીન ઓફ ડ્રામા'નું નવું સંસ્કરણ રજૂ કર્યું. ફિલ્મ સ્ટાર, લેખિકા, ગાયિકા, ચિત્રકાર, સંગીતકાર જેવી બહુમુખી પ્રતિભા ધરાવતી સુચિત્રાએ તેનું આ સ્ટેજ પ્રોડકટ તાજેતરમાં આવેલા તેના જન્મદિને રજૂ કર્યું. સુચિત્રાએ આ બાબતે કહ્યું હતું કે મારા મતે આયખાનું નવું વર્ષ શરૂ કરવા માટે તેનાથી રૂડુ શું?
મહામારી દરમિયાન પણ કામ જારી રાખવા બાબતે અભિનેત્રીએ કહ્યું હતું કે કાં તો તમે લાંબા સમય સુધી રાહ જોતી બેસી રહો, નહીં તો તમારું કામ કરવા માંડો. સમય પાકી ગયો છે કે આપણે તકેદારીના પગલાં સાથે નવેસરથી જીવવાનું શરૂ કરી દઈએ અને કલાકારો બીજું શું કરી શકે? અમે માત્ર પરફોર્મ જ કરી શકીએ. કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં સુચિત્રાએ વિવિધ ફિલ્મોદ્યોગમાં કામ કર્યું. તે કહે છે કે તે વખતે મને પુષ્કળ કામ આસાનીથી મળી રહેતું અને હું ઝાઝો વિચાર કર્યા વિના તે સ્વીકારી લેતી. ખરું કહું તો તે સમયમાં હું બહુ તરંગી- લોરી હતી.તેથી મને મળતી તકોને વટાવી ખાવાનું મને ક્યારેય નહોતું સૂઝયું. પરંતુ હવે મને એમ લાગે છે કે આ મારી બીજી ઈનિંગ છે અને હું તેમાં પણ એટલા જ ઉત્સાહપૂર્વક કામ કરી રહી છું.
સુચિત્રાને લાગે છે કે કલાકારો માટે હમણાં બહુ સારો સમય ચાલી રહ્યો છે તે કહે છે કે અગાઉ માત્ર ચોક્કસ પ્રકારના વિષયો પર જ ફિલ્મો બનતી. તેવી જ રીતે ચોક્કસ પ્રકારનો દેખાવ અને વ્યક્તિત્વ ધરાવતાં લોકોને જ કામ મળતું પરંતુ આજે સિનારિયો સમગ્રપણે બદલાઈ ગયો છે. હવે અનેકવિધ વિષયો પર ફિલ્મો બને છે અને વેબ સ્પેસ સહિત વિવિધ માધ્યમો કલાકારોને કામ કરવા મોકળું મેદાન આપે છે. અમારા સમયમાં માત્ર મોટા લોકોને જ કામ કરવા ઝટ તક મળતી. જ્યારે આજે બધાને પોતાની ક્ષમતા બતાવવાનો મોકો મળે છે. શરત માત્ર એટલી કે તમારું કામ ટકી રહેવું જોઈએ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MTppO0
ConversionConversion EmoticonEmoticon