આણંદ જિલ્લામાં અપક્ષ તરીકે ઉમેદવારી કરવા બદલ ભાજપના 6 કાર્યકરો સસ્પેન્ડ


આણંદ, તા.20 ફેબ્રુઆરી 2021, શનિવાર

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના કોઈ કાર્યકર દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવશે તો તેને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરાયા બાદ આણંદ જિલ્લાના છ ભાજપી કાર્યકરોને આ જાહેરાત મુજબ સસ્પેન્ડ કરી દેવાતા ભારે ખળભળાટી મચી ગઈ છે. જેમાં આણંદ શહેર ભાજપ ઉપપ્રમુખનો પણ સમાવેશ થાય છે.

આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા નવી પોલીસી અમલમાં મુકવામાં આવી છે. જેમાં ૬૦ વર્ષથી વધુ વયના, છેલ્લા ત્રણ ટર્મથી ચૂંટાતા અને પક્ષમાં હોદ્દો ધરાવતા હોદ્દેદારોના કોઈપણ સગાને ટિકિટ નહી આપવાની જાહેરાત કરાઈ હતી. સાથે સાથે અન્ય પક્ષ છોડી ભાજપમાં આવનાર માટે પણ દરવાજા બંધ કરાયા હતા. ત્યારે ગતરોજ પ્રદેશ અધ્યક્ષે વધુ એક જાહેરાત કરતા ભાજપ પક્ષમાંથી કોઈ કાર્યકર્તા દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી હશે તો તેને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરાઈ હતી.

જે મુજબ આણંદ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લાના છ કાર્યકરોને અપક્ષ ઉમેદવારી નોંધાવવા બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટી મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે આણંદ શહેર ભાજપ ઉપપ્રમુખ શંકરભાઈ ઉમેદભાઈ ગોહેલે નગરના વોર્ડ નં.૯માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. 

બીજી તરફ પેટલાદ તાલુકા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના મહામંત્રી સમીરભાઈ જશભાઈ પરમારને પણ પેટલાદ તાલુકામાંથી અપક્ષ ઉમેદવારી નોંધાવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ભાજપની નવી પોલીસી મુજબ કેટલાક જુનાજોગીઓના પત્તા કપાયા છે અને આણંદ જિલ્લામાં સંગઠનમાં છુપો રોષ વ્યાપ્યો છે ત્યારે હાલ જિલ્લામાં ઉકળતા ચરુ સમાન પરિસ્થિતિ સર્જાઈ હોવાનું ચર્ચાની એરણે ચઢ્યું છે.




from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NsslSr
Previous
Next Post »