નડિયાદ રેલવે સ્ટેશને 8 ટ્રેનોના સ્ટોપેજ આપવા મેનેજરને રજૂઆત


નડિયાદ, તા.17 ફેબ્રુઆરી 2021, બુધવાર

નડિયાદ રેલવે સ્ટેશન પર વાર્ષિક ઈન્સ્પેક્શન માટે આજે વેસ્ટર્ન રેલવે જનરલ મેનેજરે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ખેડા સાંસદે રેલવેસંબંધિત સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કરી હતી અને તેનો વહેલી તકે નિવેડો લાવવા માટે ચર્ચા કરી હતી.

વડોદરા-ગેરતપુર લાઈનના વાર્ષિક ઈન્સ્પેક્શન માટે આજે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ નડિયાદ રેલવે સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે તેમની આગળ રેલવેસંબંધિત સ્થાનિક પ્રશ્નોની ચર્ચા કરી હતી. આ પ્રશ્નોમાં જનશતાબ્દિ એક્સપ્રેસને નડિયાદ સ્ટોપેજ આપવા અને સ્થાનિક એસ.ટી. સ્ટેન્ડ સાથે રેલવેના પડતર પ્રશ્નોની ચર્ચા કરી હતી, જેના પર રેલવેના ઉચ્ચાધિકારીઓએ વહેલીતકે કાર્યવાહી કરવામાં આવશે તેવી ધરપત આપી હતી. રેલવેના ઉચ્ચાધિકારીઓ સાથેની સાંસદની મુલાકાતમાં કપડવંજ-મોડાસા-શામળાજી રેલવેલાઈનના વિસ્તરણ કાર્યમાં એક ગામની જમીન સંપાદનના બાકી વિભાગ-૧૯ની ટેન્ડર પ્રક્રિયા અંગે રજૂઆત કરવામાં હતી અને કોરોનાને લીધે બંધ થયેલી પેસેન્ડર ટ્રેનોને વહેલીતકે શરૂ કરવા પણ રજૂઆત થઈ હતી. નડિયાદ-પેટલાદ રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે પાઈપલાઈનની મંજૂરી આપવા મહેમદાવાદ-રેલવે અંડરબ્રિજ નંબર ૬૯૦ની પહોળાઈ અને ઊંડાણ વધારવા તેમ જ મહેમદાવાદ લેવલ ક્રોસિંગગેટ નંબર-૨૯૨ ચોવીસ કલાક ખુલ્લો રાખવામાં આવતો નથી વગેરે મુદ્દાઓની પણ રજૂઆત કરાઈ હતી.

આ મુલાકાતમાં કપડવંજ-ડાકોર ચોકડી રેલવે ક્રોસિંગથી સ્વામીનારાયણ મંદિર રેલવે અંડરપાસ માર્ગના એન.ઓ.સી. માટે પણ રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત નડિયાદથી પસાર થતી સાતેક ટ્રેનોને નડિયાદ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવા પણ રજૂઆત કરવામાં આવી હતી. આ ટ્રેનોમાં લોકશક્તિ એક્સપ્રેસ, સૌરાષ્ટ્ર મેઈલ, બાન્દ્રા-શ્રી ગંગાનગર એક્સપ્રેસ, કચ્છ એક્સપ્રેસ, બાન્દ્રા ભાવનગર ટ્રાઈ સાપ્તાહિક,બીકાનેર-દાદર સુપરફાસ્ટ અને બીકાનેર-બાન્દ્રા-રણકપુર એક્સપ્રેસ વગેરે ટ્રેનોનો સમાવેશ થાય છે.

કઈ કઈ ટ્રેનોને સ્ટોપેજ આપવા માંગ

૧. અમદાવાદ-કેવડિયા  જનશતાબ્દિ એક્સપ્રેસ

૨. લોકશક્તિ એક્સપ્રેસ - ૦૯૦૨૯

૩. સૌરાષ્ટ્ર મેઈલ - ૦૨૯૪૫

૪. બાન્દ્રા શ્રી ગંગાનગર એક્સપ્રેસ - ૦૯૭૦૭

૫.કચ્છ એક્સપ્રેસ - ૦૯૪૫૬ / ૦૯૪૫૫

૬. બાન્દ્રા ભાવનગર ટ્રાઈ સાપ્તાહિક - ૦૨૯૭૨ / ૦૨૯૭૫

૭. બીકાનેર-દાદર સુપરફાસ્ટ - ૦૨૪૮૯ /  ૦૨૪૯૦

૮. બીકાનેર-બાન્દ્રા-રણકપુર એક્સપ્રેસ - ૦૪૭૦૭



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37oxH7Y
Previous
Next Post »