ખંભાત તાલુકાના રાલજમાંથી વધુ 2 બોગસ તબીબ ઝડપાયા


આણંદ, તા.17 ફેબ્રુઆરી 2021, બુધવાર

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના રાલજ ખાતેથી ગતરોજ બોગસ તબીબ ઝડપાયા બાદ વધુ બે બોગસ તબીબો એસઓજી પોલીસના હાથે ઝડપાતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. હાલ તો પોલીસે આ ત્રણેય બોગસ તબીબો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખંભાત તાલુકાના રાલજ ગામે કેટલાક તબીબો ડીગ્રી વિના પ્રેક્ટીસ કરી રહ્યા હોવાની ગુપ્ત માહિતી આણંદ એસઓજી પોલીસની ટીમને મળી હતી. જેના આધારે એસઓજી પોલીસની ટીમે રાલજ ગામે રામજી મંદિર નજીક એક રહેણાંક મકાનમાં ચાલતા દવાખાનામાં તપાસ હાથ ધરતા અલ્લારખ્ખાં મુસ્તુફાભાઈ કુરેશી (રહે.જહાંગીરપુર, ખંભાત) નામનો બોગસ તબીબ ઝડપાઈ ગયો હતો. દરમ્યાન પોલીસે રાલજ મુકામે જ વધુ તપાસ હાથ ધરતા રબારી વાસ નજીક ચાલતા દવાખાનામાંથી રાજુભાઈ ભગવાનભાઈ રબારી (રહે.રાલજ) તથા ઈલ્યાસભાઈ ગુલામમયુદ્દીન શેખ (રહે.ખંભાત, ત્રણ લીમડી) નામના વધુ બે બોગસ તબીબો ઝડપાઈ ગયા હતા. રાલજ ગામેથી એક સાથે ત્રણ બોગસ તબીબો ઝડપાતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે. પોલીસે રાજુભાઈ રબારીના દવાખાનામાંથી દવાઓ તથા અન્ય સામગ્રી મળી કુલ્લે રૂા.૧૫૬૫૩નો મુદ્દામાલ જ્યારે ઈલ્યાસભાઈ શેખ પાસેથી દવાઓ અને અન્ય સાધનસામગ્રી મળી કુલ્લે રૂા.૭૧૧૯૦નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય તબીબો વિરૂધ્ધ ડીગ્રી વિના પ્રેક્ટીસ કરી જાહેર આરોગ્ય સાથે ચેડાં કરવાના ગુનામાં અટકમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZrfjqQ
Previous
Next Post »