લાભવેલ ગામે 70 વર્ષીય વૃધ્ધાનું પૂર્વ જમાઈએ જ ઢીમ ઢાળી દેતા ચકચાર


આણંદ, તા.5 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

આણંદ જિલ્લામાં છાશવારે હત્યાના ગુનાઓ બની રહ્યા છે. તાજેતરમાં આણંદની બોરસદ ચોકડી નજીક ઔદ્યોગિક વસાહત ખાતે તથા ખંભાત ખાતે સામાન્ય બોલાચાલી બાદ તેમજ આણંદ પાસેના મોગર ગામે પત્ની સાથેના આડા સંબંધના વ્હેમમાં હત્યાના બનાવો બનવા પામ્યા છે ત્યારે આણંદ પાસેના લાંભવેલ ગામે આજે વધુ એક હત્યાનો ગુનો નોંધાયો છે. ૭૦ વર્ષીય વૃધ્ધાને તેણીના પૂર્વ જમાઈએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાખતા નાનકડા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

વધુમાં મળતી માહિતી મુજબ આણંદ પાસેના લાંભવેલ ગામે પંચાયત નજીક રહેતા રંજનબેનની પુત્રીના લગ્ન આજથી થોડા વર્ષ પૂર્વે ચકલાસીના જાદવપુરા ખાતે રહેતા નિકુંજ બારોટ નામના યુવક સાથે થયા હતા. જો કે લગ્ન બાદ બંને વચ્ચે મનમેળ ન થતા અવાર-નવાર તકરાર થતી હતી. જેને પગલે થોડા સમય પૂર્વે આ બંનેના છુટાછેડા થયા હતા. બાદમાં થોડા દિવસ અગાઉ રંજનબેનની પુત્રીના અન્ય જગ્યાએ લગ્ન નક્કી થયા હતા. જે વાતની રીષ રાખી પૂર્વ જમાઈ આજે સવારના સુમારે લાંભવેલ ખાતે આવી ચઢ્યો હતો અને સાસુ રંજનબેન ઉપર જીવલેણ હુમલો કરી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતા રંજનબેન ત્યાં જ ફસડાઈ પડયા હતા. બીજી તરફ આ ઘટનાને પગલે આસપાસના રહીશો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને હત્યારા શખ્શને ઝડપી પાડયો હતો. આ ઘટના અંગે આણંદ ગ્રામ્ય પોલીસને જાણ થતા પોલીસની ટીમ પણ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક મહિલાના મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો તેમજ હત્યારા શખ્શની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aHzWEp
Previous
Next Post »