આણંદ પાલિકામાં 3 બેઠકો બિનહરીફ 49 બેઠકો માટે 137 ઉમેદવારો મેદાને


આણંદ, તા.17 ફેબ્રુઆરી 2021, બુધવાર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આણંદ જિલ્લામાં અતિમહત્વની ગણાતી આણંદ નગરપાલિકાની ચૂંટણીમાં ગતરોજ ફોર્મ પરત ખેંચવાની મુદ્દત વીત્યા બાદ નગરપાલિકાની ૧૩ વોર્ડની ૫૨ બેઠકોમાંથી ત્રણ બેઠકો બિનહરીફ થતા ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. પાલિકાની ૪૯ બેઠકો માટે ૧૩૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામનાર છે ત્યારે આ વખતે આપ, એનસીપી સહિત અપક્ષો ભાજપ-કોંગ્રેસની બાજી બગાડી શકે છે તેમ રાજકીય તજજ્ઞા માની રહ્યા છે.

આણંદ નગરપાલિકાના ૧૩ વોર્ડની ૫૨ બેઠકો માટે ૧૯૩ ફોર્મ ભરાયા હતા. જેમાં ગત તા.૧૫મી ફેબુ્રઆરીએ ચકાસણી હાથ ધરાતા ૩૮ ઉમેદવારીપત્રો અમાન્ય ઠર્યા બાદ તા.૧૫ અને ૧૬મી ફેબુ્રઆરી દરમ્યાન કુલ ૧૫ ફોર્મ પરત ખેંચાતા હવે ૧૩૭ ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે. ચૂંટણી યોજાય તે પહેલા જ નગરપાલિકાની ત્રણ બેઠકો બિનહરીફ થઈ છે. જેમાં વોર્ડ નં.૮માંથી ભાજપના બે મહિલા ઉમેદવારો તથા વોર્ડ નં.૪માંથી અપક્ષ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. તો બીજી તરફ શહેરના વોર્ડ નં.૧૩માં સૌથી વધુ ૧૫ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ભાજપનો ગઢ ગણાતા વોર્ડ નં.૮માં બે બેઠકો બિનહરીફ થતા માત્ર ચાર જ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. સાથે સાથે વોર્ડ નં.૭માં પણ માત્ર છ ઉમેદવારો બાકી રહ્યા છે. જો કે આ વખતની ચૂંટણીમાં કેટલાક વોર્ડમાં અપક્ષ, આપ અને એનસીપી ભાજપ તથા કોંગ્રેસના ઉમેદવારો માટે માથાનો દુઃખાવો સાબિત થઈ શકે છે. ભાજપ માટે વોર્ડ નં.૨, ૯ અને ૧૦માં કેટલાક અપક્ષ ઉમેદવારો બાજી બગાડી શકે છે તો બીજી તરફ કોંગ્રેસ માટે વોર્ડ નં.૫ અને ૧૧માં અપક્ષ સહિતના અન્ય પક્ષોમાંથી ઝંપલાવનાર ઉમેદવારો ગાબડુ પાડી શકે છે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. સોજિત્રા નગરપાલિકાના ૬ વોર્ડની ચૂંટણી માટે ૫૫ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાતા બંને પક્ષે ૨૪-૨૪ ઉમેદવારો જ્યારે ૩ આપ અને ૪ અપક્ષ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ખંભાત નગરપાલિકાના ૯ વોર્ડની ચૂંટણી માટે ૩૬ ભાજપ, ૩૬ કોંગ્રેસ, ૨ બસપા, ૨૦ આપ અને ૧૬ અપક્ષ ઉમેદવારો મળી કુલ ૧૧૦ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.

ઉમરેઠમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ ખેલાશે

ઉમરેઠ નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે ૬૧ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાનાર છે. ઉમરેઠ નગરપાલિકામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો જંગ ખેલાશે. જેમાં ભાજપના ૨૮, કોંગ્રેસના ૧૬, એનસીપીના ૧૨, આપના ૩ અને ૨ અપક્ષ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.

કયા પક્ષના કેટલા ઉમેદવારો

આણંદ નગરપાલિકાની ૧૩ વોર્ડની ૪૯ બેઠકા માટે ૧૩૭ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. જેમાં ભાજપના ૪૯, કોંગ્રેસના ૪૫, આપના ૧૫, એનસીપીના ૪, બસપાના ૧ અને ૨૩ અપક્ષ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાનાર છે.

પેટલાદ પાલિકામાં ત્રણ ઉમેદવારી પત્રો પરત ખેંચાયા

પેટલાદ નગરપાલિકાના ૯ વોર્ડની ચૂંટણી માટે ૧૧૧ ઉમેદવારીપત્રો માન્ય રખાયા હતા. જે પૈકી ૩ ફોર્મ પરત ખેંચાતા હવે ૧૦૮ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેમાં ૩૨ ભાજપ, ૩૬ કોંગ્રેસ, ૧૧ આપ અને ૨૯ અપક્ષ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.

બોરસદ પાલિકામાં 111 ઉમેદવારો મેદાને રહ્યા

બોરસદ નગરપાલિકાના ૯ વોર્ડની ચૂંટણી માટે ઉમેદવારોનો રાફડો ફાટયો હતો અને ૧૫૨ ઉમેદવારીપત્રો ભરાયા બાદ ૩૨ ફોર્મ અમાન્ય ઠરતા અને ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ મુદ્દત સુધીમાં ૯ ઉમેદવારીપત્ર પરત ખેંચાતા હવે ૧૧૧ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેમાં ૨૭ ભાજપ, ૨૬ કોંગ્રેસ, ૩ આપ અને અપક્ષમાં ૫૫ ઉમેદવારો નોંધાયા છે. આમ, અપક્ષ ઉમેદવારો ભાજપ કોંગ્રેસનું ગણિત બગાડે તો નવાઈ નહી.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bj1tw7
Previous
Next Post »