આણંદ, તા. 19 ફેબ્રુઆરી 2021, શુક્રવાર
કોરોના કહેર વચ્ચે ગુજરાતમાં બર્ડફ્લુએ પણ પગપેસારો કર્યો હતો ત્યારે આજે સવારના સુમારે આણંદ પાસેના બાકરોલ ગામે આવેલ એક કોમ્પલેક્ષ ખાતે પાંચ જેટલા શાંતિદૂત મૃત હાલતમાં મળી આવતા બર્ડ ફ્લુની આશંકા વચ્ચે ભારે ફફડાટની લાગણી વ્યાપી છે. હાલ તો તંત્ર દ્વારા આ પાંચ કબુતરોના મૃત્યુ અંગેના સચોટ કારણની તપાસ અર્થે તેઓને પશુ દવાખાનામાં ખસેડવામાં આવ્યા છે.
વધુમાં મળતી માહિતી મુજબ બાકરોલ ગામ નજીક આવેલ બાકરોલ સ્કવેર કોમ્પલેક્ષની લોબીમાં આજે સવારના સુમારે એક સાથે પાંચ કબુતરો મૃત હાલતમાં પડેલા નજરે ચઢતા સ્થાનિકોમાં ભારે ખળભળાટી મચી હતી. ઉલ્લેખનીય છે કે કોરોનાના કહેર વચ્ચે દેશમાં બર્ડ ફ્લુએ પણ માથુ ઉચક્યું હતું અને થોડા સમય પૂર્વે ગુજરાતમાંથી પણ બર્ડ ફ્લુના કેસ પ્રકાશમાં આવ્યા હતા. જેને લઈ તંત્ર હરકતમાં આવ્યું હતું અને જિલ્લામાં ઠેર-ઠેર પોલ્ટ્રીફાર્મ સહિતના સ્થળોએ પક્ષીઓના મરણ ઉપર ચાંપતી નજર રખાઈ હતી. બર્ડ ફલુના કારણે કબુતરોના મોત નીપજ્યાં હોવાની આશંકાને લઈ સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપ્યો હતો. આ ઘટનાની જાણ તંત્રને થતા તંત્રની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃત કબુતરોને પોસ્ટમોર્ટમ અર્થે પશુ દવાખાનામાં ખસેડાયા હતા. પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુ અંગેનું સચોટ કારણ જાણી શકાશે. હાલ તો બર્ડ ફ્લુની દહેશત ઉભી થતા સ્થાનિકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ વહેતી થઈ છે ત્યારે એકસાથે પાંચ કબુતરોના મૃત્યુ થતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3s7SO6s
ConversionConversion EmoticonEmoticon