ખેડા જિલ્લામાં ભાજપે 21 હોદ્દેદારોને સસ્પેન્ડ કયા


નડિયાદ, તા. 19 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મૌસમ પૂરેપૂરી જામી ગઈ હોવાથી પ્રચાર સાથે હવે પ્રહારના પણ સમાચારો આવવાની શરૂઆત થઈ ગઈ છે. ભાજપ પક્ષે આજે એક સાથે ૨૧ હોદ્દાદારો, સભાસદો અને સક્રિય સભ્યોને પક્ષવિરોધી પ્રવૃત્તિઓ માટે પાર્ટીમાંથી પાણીચું આપ્યું છે. સસ્પેન્ડ થયેલા ભાજપી આગેવાનોનું લિસ્ટ જાહેર થતાં જ રાજકીય વર્તુળમાં દોડધામ મચી ગઈ છે.

સ્થાનિક સ્તરે સિનિયર રાજકારણીઓમાં થતી ચર્ચા પ્રમાણે નવા નિયમો પ્રમાણે  ટિકિટવહેંચણીમાં થોડા અપવાદો આપી અને વધુ નારાજગીઓ વહોરી લઈને પક્ષ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. ટિકિટ ન મળવાના લીધે જિલ્લામાં ઠેરઠેર વ્યાપેલા વ્યાપક અસંતોષનું પરિણામ અપક્ષ ઉમેદવારીની વધેલી સંખ્યામાં દેખાવા લાગ્યું હતું. મહુધા, કપડવંજ, ઠાસરા અને નડિયાદ સહિત  નગરપાલિકા અને કેટલીક તાલુકા પંચાયતોમાં પણ ભાજપના સિનિયર આગેવાનોએ ટિકિટ ન મળતાં અપક્ષ ઉમેદવારી નોંધાવી લીધી છે. પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ પક્ષમાંથી આજે હાંકી કઢાયેલા સભ્યોમાં કપડવંજ શહેરમાં છ, માતર તાલુકામાં એક, નડિયાદ તાલુકામાં એક, નડિયાદ શહેરમાં ચાર, ઠાસરા શહેરમાં સાત અને કણજરીમાં બે સભ્યોનો સમાવેશ થાય છે.

રાજકીય વર્તુળોમાંથી મળતી માહિતી પ્રમાણે છેલ્લું આખું અઠવાડિયું સ્થિતિનું અવલોકન કર્યા બાદ આજે ભારતીય જનતા પાર્ટીના મૌવડીમંડળે હથોડો ઉગામ્યો હોય તેમ એક પછી એક પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા આગેવાનોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. આજે બપોરે એક સાથે ૨૧ ભાજપી આગેવાનોને પાર્ટીમાંથી પાણીચું પકડાવી દેતાં રાજકીય ગલયારીઓમાં ચૂંટણીના પરિણામ પહેલાં હાડકંપ મચી છે. હવે જોવાનું એ રહ્યું કે બળવો કરીને સામા પડેલા નારાજ આગેવાનો પક્ષમાંથી હકાલપટ્ટી પામ્યા પછી કેવું વલણ અપનાવે છે અને કોંગ્રેસ કે આપ જેવા બીજા પક્ષોનો ખભો ઝાલે છે કે પછી જુદો જ માર્ગ શોધવામાં સફળ રહે છે.

 જિલ્લા ભાજપ વર્તુળમાં થતી વાતો પ્રમાણે તો આ હકાલપટ્ટીઓ તો માત્ર શરૂઆત છે અને આવનારા દિવસોમાં પક્ષ દ્વારા વધારે કડક પગલાં ભરવામાં આવી શકે છે. પક્ષ ખૂણખાચરે થઈ રહેલા નાના-નાના બળવાને મજબૂત હાથે ડામી દેવાના એક્શન મોડમાં આવી ગયો હોય તેવી અનેક ચર્ચાઓએ જોર પકડયું છે. આજે સસ્પેન્ડ કરાયેલા ૨૧ સભ્યોની યાદીમાં ઉમેરો થતો રહેશે અને આ સંખ્યા સતત વધી શકે છે તેવી ભાજપના કાર્યકરોમાં ચર્ચા જામી હોવાથી બળવાખોરોને ટેકો કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. મહેશભાઈ દેસાઈનો આ અંગે પ્રતિક્રિયા આપતા તેમને જણાવ્યું હતું કે હું છેલ્લાં દસ વર્ષથી પક્ષને વફાદાર રહ્યો છું, અમારા સ્થાનિક નેતા પંકજભાઈ સાથે વફાદારીપૂર્વક ખભેખભો મિલાવીને કામ કર્યું છે. આમ  છતાં આ વખતે મને કાપવામાં આવ્યો છે. છતાં હું તો હંમેશાં મારી વફાદારી ભૂલવાનો નથી અને સક્રિય જ રહીશ. જ્યારે અન્ય ઉમેદવારોનો સંપર્ક સાધતા તેમના ટેલિફોનની રિંગો રણકતી જ રહી હતી.

કયા કયા કાર્યકરોને સસ્પેન્ડ કરાયા

૧. ધવલ નગીનભાઈ પટેલ, કપડવંજ શહેર, જિલ્લા યુવા મોરચા પ્રમુખ

૨. પંકજભાઈ મંગળદાસ પટેલ, કપડવંજ શહેર, તત્કાલીન ન.પ.પ્રમુખ

૩. ફીરદૌસભાઈ મલેક, કપડવંજ શહેર, લઘુ મોરચા પ્રમુખ

૪. નયનભાઈ વિનુભાઈ પટેલ, કપડવંજ શહેર, સક્રિય સભ્ય

૫. રાજેશભાઈ પંચાલ, કપડવંજ શહેર, સક્રિય સભ્ય

૬. મધુબેન નરોત્તમભાઈ પટેલ, કપડવંજ શહેર, પૂર્વ સદસ્ય નગરપાલિકા

૭. મંગળભાઈ મફતભાઈ પરમાર, માતર તાલુકો, પૂર્વ સંગઠન ઉપપ્રમુખ

૮. દિનેશભાઈ ચંદુભાઈ ચૌહાણ, નડિયાદ તાલુકો, સક્રિય સભ્ય

૯. નિતેશ રાજુભાઈ પરમાર, નડિયાદ શહેર, સક્રિય સભ્ય

૧૦. મહેશભાઈ ભગવાનદાસ દેસાઈ, નડિયાદ શહેર, સક્રિય સભ્ય

૧૧. વિજયભાઈ મધુસુદન રાવ, નડિયાદ શહેર, સક્રિય સભ્ય

૧૨. મુરલીધર આર્તવાણી, નડિયાદ શહેર, સક્રિય સભ્ય

૧૩. ભાવિનકુમાર મહેન્દ્રભાઈ પટેલ, ઠાસરા શહેર, પૂર્વ નગરપાલિકા પ્રમુખ

૧૪. ઈન્દિરાબેન પ્રભાતભાઈ પરમાર, ઠાસરા શહેર, પૂર્વ નગરપાલિકા સભ્ય

૧૫. મહેશભાઈ સોમાભાઈ સોલંકી, ઠાસરા શહેર, શહેર મહામંત્રી

૧૬. નરવતભાઈ પરમાર, ઠાસરા શહેર, શહેર ઉપપ્રમુખ

૧૭. રમીલાબેન ભાસ્કરભાઈ પટેલ, ઠાસરા શહેર, નગરપાલિકા પૂર્વ સભ્ય

૧૮. વર્ષાબેન નિતેશભાઈ પરમાર, ઠાસરા શહેર, શહેર મંત્રી

૧૯. નરેન્દ્રસિંહ ખુશાલસિંહ વાઘેલા, ઠાસરા શહેર, નગરપાલિકા પૂર્વ સભ્ય

૨૦. રમેશભાઈ રણછોડભાઈ રાજ, કણજરી શહેર, સક્રિય સભ્ય

૨૧. અબ્દુલભાઈ સતારભાઈ વ્હોરા, કણજરી શહેર, સક્રિય સભ્ય

કપડવંજ જિલ્લા યુવા મોરચાના પ્રમુખની પણ હકાલપટ્ટી

કપડવંજના જિલ્લા યુવા મોરચા પ્રમુખ ધવલ પટેલ તથા લઘુ મોરચા પ્રમુખ ફીરદોસભાઈ મલેક અને ઠાસરાના પૂર્વ પાલિકા પ્રમુખ ભાવિન પટેલ સહિત અનેક મોટા માથાઓની આજે ભાજપે સત્તાવાર રીતે પક્ષમાંથી હકાલપટ્ટી કરી  છે. આ ૨૧ ભાજપી આગેવાનોમાં ત્રણ જેટલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ-ઉપપ્રમુખ, છ જેટલા સંગઠનના પ્રમુખ-ઉપપ્રમુખ, ત્રણ જેટલા નગરપાલિકાના સભ્યો અને છ જેટલા સક્રિય સભ્યોનો સમાવેશ થાય છે. 



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3k31HeO
Previous
Next Post »