આણંદ, તા.6 ફેબ્રુઆરી 2021, શનિવાર
નડિયાદના એક યુવકને દુબઈમાં નોકરી અપાવવાના બ્હાને આણંદની જે.પી.ઈન્ટરનેશનલના માલિક સહિતના ત્રણ શખ્શોએ રૂા.૧.૭૦ લાખ લઈ દુબઈ મોકલી નોકરી નહી અપાવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવા અંગે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે ત્રણ શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ નડિયાદ ખાતે રહેતા વસીમભાઈ ઈકબાલભાઈ મલેક આજથી ચારેક માસ પૂર્વે આણંદ શહેરના રઘુવીર સીટી સેન્ટર ખાતે આવેલ જે.પી.ઈન્ટરનેશનલ ઓફિસના સંપર્કમાં આવ્યા હતા. તેઓ દુબઈ જવા માટે બાયોડેટા આપ્યો હતો. જેથી ઓફિસના સંચાલકોએ દુબઈમાં નોકરી તક છે તેમ જણાવી જરૂરી દસ્તાવેજો તેમજ કોરા ચેક લઈ મળવા બોલાવતા વસીમભાઈ જે.પી.ઈન્ટરનેશનલની ઓફિસમાં ગયા હતા. જ્યાં આરીફાબેને જરૂરી દસ્તાવેજો લઈ ૧૦ દિવસમાં વીઝા આવી જશે તેમ કહી વિઝા આવે ત્યારે રૂા.૧.૭૦ લાખ રોકડા ભરી ચેક પાછા લઈ જવાની વાત કરી હતી. દસેક દિવસ બાદ આરીફાબેને ફોન કરીને વસીમભાઈને પૈસા આપી વિઝા લઈ જવા જણાવતા વસીમભાઈએ જે.પી. ઈન્ટરનેશનલના રવિકુમાર ભાસ્કર સાથે વાતચીત કરી હતી અને અમારા માલિક જયદીપભાઈ હસમુખભાઈ પટેલને પૈસા મોકલવાના હોય છે તેમ જણાવ્યું હતું. જેથી વસીમભાઈએ રૂા.૧.૭૦ લાખ જયદીપભાઈના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ રવિ ભાસ્કરે આણંદ ઓફિસે બોલાવી એગ્રીમેન્ટ ઉપર સહી કરાવી પાસપોર્ટ અને એમ્પલોઈમેન્ય વિઝા આપ્યા હતા. બાદમાં ૧૦ દિવસ પછી અમદાવાદથી દુબઈની એર ટિકિટ આપી હતી.જો કે ટૂંકાગાળામાં વિઝા મળતા વસીમભાઈને શંકા ગઈ હતી. જેથી તેઓએ ઓફર લેટર અને કોન્ટ્રાક્ટની કોપી માગતા ફલાઈટના ટાઈમ સુધી આપવામાં આવી ન હતી. બાદમાં દુબઈ ખાતે રહેતા મહંમદસાકીર સૈયદ ઉર્ફે ઈબ્રાહીમભાઈ સાથે વાત કરાવી વર્કપરમીટના વીઝા એપ્રુવલ થયા ન હોઈ એપ્રુવલ મળેથી આવવા જણાવ્યું હતું. બાદમાં તેઓએ વિઝીટર વિઝા ઉપર દુબઈ બોલાવી લીધા હતા.જ્યાં વસીમને કોરોન્ટાઈન રખાયો હતો. ત્યારબાદ વસીમને જાણવા મળેલ કે અત્રે ખોટી રીતે લાવીને રાખવામાં આવેલ છે અને તેઓની સાથે અન્ય કેટલાક યુવકોને પણ પોતાની સાથે ગોંધી રાખી વર્કપરમીટ કે પગાર આપ્યો ન હતો. જેથી વસીમભાઈને પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી થઈ હોવાનું જણાતા તેઓએ દુબઈથી પરત ભારત આવ્યા બાદ આણંદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જયદીપ હસમુખભાઈ પટેલ (રહે.વડોદરા), રવિ મનસુખભાઈ ભાસ્કર (રહે. સુરત) અને મહંમદસાકીર સૈયદ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3twBg5r
ConversionConversion EmoticonEmoticon