- કોલેજ કારકિર્દીની શરુઆતમાં જ છેતરપિંડી અને દારુની લતને કારણે વગોવાઈ ગયેલા પેટ્રિકને સખત મહેનત અને સંઘર્ષ માસ્ટર્સ ચેમ્પિયનના તાજ સુધી લઈ ગયા
ઈ મેજ ઈઝ એવરીથિંગ એક સમયે જાણીતી બ્રાન્ડની આ પાંચ લાઈને ધૂમ મચાવી હતી. વ્યક્તિની વાસ્તવિક પ્રતિભા અને તેની ક્ષમતા અંગે અન્યોના અહોભાવપૂર્ણ મત વચ્ચેના તફાવતની ખાઈ ઘણી ઊંડી હોય છે. જિંદગીની રાહ દરેકની એક ઈમેજ ઉભારે છે, જે લોકમાનસમાં કાયમ માટે અંકિત થઈ જતી હોય છે અને આ જ ઈમેજના આધારે તેના તમામ કાર્યોનું સામાન્ય મૂલ્યાંકન થતું હોય છે. જનમાનસની ઈમેજ હંમેશા સાચી હોય તેવું જરુરી નથી, પણ તેને ભૂંસવી પણ એટલી સેહલી નથી અને આ જ કારણે તેની સાથે રહીને પોતાની પ્રતિભાનો વિસ્તાર વધારતાં રહેવું એ તર્કશાસ્ત્રનું સૂત્ર છે. અમેરિકાના વિવાદિત ગોલ્ફર પેટ્રિક રીડની જિંદગીને વિવાદો કોઠે પડી ગયા છે. આમ છતાં તેણે ઊંચા લક્ષ્યોની પ્રાપ્તિના પ્રયાસોમાં રતિભાર પણ કચાશ રાખી નથી અને આ જ કારણે તે દુનિયાના ટોપ ટેન ગોલ્ફર્સમાં સ્થાન મેળવી ચૂક્યો છે.
હોલીવૂડના કાલ્પનિક હિરો કેપ્ટન અમેરિકા તરીકેની આગવી ઓળખ ધરાવતા પેટ્રિકને ગોલ્ફના સંસ્કાર ગળથૂથીમાંથી જ મળ્યા હતા. જેને તેણે પોતાની મહેનતને કારણે આત્મસાત કર્યા. જેના પરિમાણે નવ વર્ષની પ્રોફેશનલ ગોલ્ફર તરીકેની કારકિર્દીમાં તેણે માસ્ટર્સ ચેમ્પિયનશિપની સાથે સાથે નવ ટાઈટલ્સ હાંસલ કર્યા છે. જોકે, સફળતાના શિખરે પહોંચેલા પેટ્રિકની કારકિર્દીને પ્રારંભથી વિવાદનું ગ્રહણ લાગેલું રહ્યું છે. જેમાંથી હજુ તેને મુક્તિ મળી નથી. તાજેતરમાં કેલિફોનયાના સાન ડિએગોમાં યોજાયેલી પીજીએ ટૂરની એલિટ ટુર્નામેન્ટમાં તેણે ટાઈટલ જીતી લીધું, પણ તેની આ સફળતાએ વિવાદનો છેડો પકડી રાખ્યો હતો. ત્રીજા રાઉન્ડ દરમિયાન તેણે ખેલભાવનાથી વિપરિત વર્તણૂંક કરી હોવાનો આક્ષેપ મૂકાયો હતો. જોકે, ટુર્નામેન્ટ ઓફિસિઅલ્સે તેને ક્લિનચીટ આપી દીધી છે.
ગોલ્ફના એક પણ નિયમનો ભંગ ન કરવા છતાં પેટ્રિક યેનકેન પ્રકારે ચર્ચાને ચગડોળે રહેતો જ હોય છે. આમ છતાં તેણે એક ગોલ્ફર તરીકેની પ્રતિભા અને એકાગ્રતા પર બહારના કોઈ દબાણને હાવી થવા દીધંપ નથી. માત્રને માત્ર પોતાના લક્ષ્યને નજર સામે રાખવાની માનસિકતા જ તેની તેની સફળતાનો પાયો બની રહ્યો છે. અમેરિકાના ટેક્સાસના સાન એન્ટોનિયો શહેરમાં રહેલા એક સંપન્ન રીડ પરિવારમાં જન્મેલા પેટ્રિકને ગોલ્ફનો પારિવારિક શોક વારસામાં મળ્યો. જેનેટ અને બિલના લગ્નજીવનની ફળશ્રુતિરુપ જન્મેલા બે સંતાનો હનાહ અને પેટ્રિકને કોઈ વાતની કમી નહતી. પેટ્રિકે તેના નાના અને માસીના પગલે ગોલ્ફની દુનિયામાં ડગ માંડવાની શરુઆત કરી.
માત્ર નવ વર્ષની ઊંમરે જ પેટ્રિકની પદ્ધતિસરની ગોલ્ફ તાલીમ શરુ થઈ હતી. પીટર મર્ફી જેવા અનુભવી કોચના માર્ગદર્શનને કારણે ટૂંકાગાળામાં તેની પ્રતિભાનો ચમકારો દેખાવા લાગ્યો.. સ્થાનિક સ્તરની ટુર્નામેન્ટ્સમાં સફળતા મેળવનારા પેટ્રિકનો પરિવાર વ્યવસાયિક કારણોસર લ્યુસિયાનાના બાટોન રુઝ ખાતે સ્થાયી થયો. માત્ર ૧૫ વર્ષની ઊંમરે તેણે ઈંગ્લેન્ડમાં યોજાયેલી ૧૬ વર્ષથી ઓછી વયના ગોલ્ફરોની જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી લઈને ઈતિહાસ રચી દીધો. સાત વર્ષની સખત મહેનત બાદ તેની પ્રતિભાએ આ પહેલી વખત વૈશ્વિક સ્તરે સફળતા મેળવી હતી. આ પછીના વર્ષે જ તે અમેરિકાના એમેચ્યોર ગોલ્ફની સ્પર્ધા માટે ક્વોલિફાઈ થયો.
યુવાવસ્થામાં ડગ માંડતાં જ મળેલી સફળતાને કારણે પેટ્રિક સાતમા આસમાને ઉડવા લાગ્યો હતો. તેની વિશિષ્ટ પ્રતિભાને જોઈને યુનિવર્સિટી ઓફ જ્યાર્જિયાએ તેણે આમંત્રણ પાઠવ્યું. કારકિર્દીના પ્રારંભે મળેલી સફળતાના કારણે ગેરમાર્ગે દોરવાયેલા પેટ્રિકને નાની ઊંમરે દારુ પીવા તેમજ નકલી ઓળખપત્ર રાખવા બદલ પોલીસે પકડી લીધો હતો. આ સમયે તેને અહેસાસ થયો કે સ્ટારડમ અને લોકપ્રિયતા કેટલી આત્મઘાતક હોય છે. પેટ્રિકને ત્રણ દિવસની સમાજસેવાથી માંડીને જુદી-જુદી સજા ફટકારવામાં આવી અને તેને યુનિવર્સિટીની ટીમમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યો.
પેટ્રિક માટે આ અનુભવ નવો હતો. ચારેબાજુથી ફિટકાર અને તિરસ્કારનો સામનો કરવો યુવા ગોલ્ફર માટે આસાન નહતો. મુશ્કેલીના આ દિવસોમાં તેને પરિવારની યાદ આવી અને તે માતા-પિતાની પાસે પાછો ફર્યો. દુઃખનું ઓસડ દહાડા એ ન્યાયે થોડા સમય બાદ તેણે ઓગસ્ટા સ્ટેટ યુનિવર્સિટીમાં જોડાવાનું નક્કી કર્યું અને આ સાથે તેની કારકિર્દીની નવી શરુઆત થઈ. તેણે અમેરિકાના કોલેજ ગોલ્ફમાં તેની યુનિવર્સિટીને સળંગ બે વર્ષ સુધી ચેમ્પિયન બનાવી. તેની સાથે સાથે એમેચ્યોર ગોલ્ફમાં પણ તેણે સારી એવી સફળતા હાંસલ કરી લીધી.
માત્ર ૨૦ વર્ષની ઉંમરે પ્રોફેશનલ ગોલ્ફમાં ડગ માંડનારા પેટ્રિકની મુલાકાત તેના કરતાં ચાર વર્ષ મોટી જસ્ટીન કરાઈન સાથે થઈ. જસ્ટિન વિદ્યાર્થીકાળમાં અચ્છી રમતવીર હતી અને ત્યાર બાદ તેણે એક નર્સ તરીકેનો વ્યવસાય અપાવ્યો હતો. તેણે કેટલીક ટુર્નામેન્ટમાં પેટ્રિકના કેડ્ડીની ભૂમિકા ભજવી અને આ દરમિયાન તેઓની દોસ્તી ગાઢ બનતી ચાલી. માત્ર ૨૨ વર્ષની ઉંમરે પેટ્રિકે જસ્ટિન સાથે લગ્ન કરી લીધા. પેટ્રિકનો લગ્નનો નિર્ણય તેના માતા-પિતા અને બહેનને ન ગમ્યો. જેના કારણે પેટ્રિકે તેમની સાથે છેડો ફાડી નાંખ્યો.
જિંદગીની નવી શરુઆત બાદ એક ગોલ્ફર તરીકે આગવી ઓળખ ઉભી કરવાનો પ્રયાસ તેણે જારી રાખ્યો. પ્રોફેશનલ ગોલ્ફર તરીકેની અત્યંત સ્પર્ધાત્મક કારકિર્દી તેમજ અંગત જિંદગીમાં આવેલા ફેરફારોના તનાવ વચ્ચે તેણે સતત આગળ વધવાનું જારી રાખ્યુ. વર્ષ ૨૦૧૪માં તેણે બુબ્બા વોટસન અને જૅમી ડોનાલ્ડસન જેવા દિગ્ગજ ગોલ્ફરોની હાજરીમાં જબરજસ્ત દેખાવ કરતાં ડબલ્યુજીસી-કેડિલેક ચેમ્પિયનશિપ જીતી લીધી અને ૨૪માં જન્મદિન પહેલા ત્રણ પીજીએ ટુર ટાઈટલ જીતનારા પાંચમાં ગોલ્ફર તરીકે રેકોર્ડબૂકમાં સ્થાન હાંસલ કરી લીધુ. તેણે ટાઈગર વૂડ્સ, ફિલ મિકેલ્સન જેવા દિગ્ગજોની હરોળમાં પોતાની ઓળખ ઉભી કરી. આ સફળતાને પગલે તેને ભારે નામ અને દામ મળ્યા. તેણે વિશ્વના ટોચના ગોલ્ફરોમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું હતુ.
સફળતાની એક પછી એક સિડીઓ ચઢી રહેલા પેટ્રિકે ૨૭ વર્ષની વયે કારકિર્દીનું સૌપ્રથમ માસ્ટર્સ ટાઈટલ જીતીને સનસનાટી મચાવી દીધી. ઓગસ્ટામાં યોજાયેલી ૨૦૧૮ની માસ્ટર્સ ચેમ્પિયનશિપમાં તેણે ટોચના ગોલ્ફર રોરી મેક્લૌરીને મહાત કરતાં આશરે બે લાખ ડોલરની ઈનામી રાશિની સાથે એલિટ ટુર્નામેન્ટનો તાજ હાંસલ કરી લીધો. તેણે યુરોપ અને અમેરિકા વચ્ચે યોજાતા રાઈડેર કપમાં પણ ભાગ લીધો હતો. સફળતાની સાથે સાથે તેની કારકિર્દી અંગત જીવનમાં માતા-પિતા સાથેના તેના ખટરાગના કેટલાક પ્રસંગો તેમજ ખેલદિલી રહિતની વર્તણૂંકને કારણે ખરડાયેલી રહી હતી. છતાં તેણે તેની એકાગ્રતાને ક્યારેય ભંગ થવા દીધી નથી. જે તેની પ્રતિભાને એક નવી ઊંચાઈએ પહોંચાડી રહી છે.
આંતરરાષ્ટ્રીય ફલક પર વિવાદોથી ઘેરાયેલા જૂજ ખેલાડીઓ જ સફળતાના સાતત્યને જાળવી શકે છે. વિપરિત પરિસ્થિતિમાં પણ સ્વસ્થતા અને એકાગ્રતા કેવી રીતે જાળવી શકાય તેનું જીવંત ઉદાહરણ બનેલા પેટ્રિકની પ્રતિભાને હજુ વધુ સારા પર્ફોમન્સની સાથે સાથે માસ્ટર્સ ટાઈટલની તલાશ છે. હવે દુનિયાની સાથે સાથે ગોલ્ફ વર્લ્ડમાં પણ નવી શરુઆત થઈ ચૂકી છે, ત્યારે આવનારા દિવસોમાં તે વધુ ઊંચાઈઓ હાંસલ કરવા માટે કટિબદ્ધ બન્યો છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2N0oV91
ConversionConversion EmoticonEmoticon