Microfiction .


અર્ધસત્ય

'સરહદ પર આતંકવાદીઓના હુમલાને ભારતીય જવાનોએ બનાવ્યો નિષ્ફળ... કેપ્ટન અમર શહીદ. દેશ સુરક્ષિત...'

ટેલિવિઝન પર બ્રેકિંગ ન્યૂઝ ચાલી રહ્યા હતા ને નવોઢા અવંતિકા અમરના ફોટાને વળગી રડી પડી. 

ત્યાં જ બીજા ન્યૂઝ ફલેશ થયાં... 

'મહારાષ્ટ્ર સરહદે નકસલીઓની હિલચાલ જોવા મળી...'

સંઘર્ષ

'હદ છે, શાક બજારમાંથી લાવવું, સમારવું, રસોઇ કરવી અને ઉપરથી આ ઘરકામ... આના કરતાં તો નાની હતી એ સારું હતું...' શ્રદ્ધા આટલું મનોમન વિચારતી હતી ત્યાં જ બહાર રમતી નાનકડી ટીના ઘરમાં આવીને બોલી, 'જુઓને મમ્મી, દાદા બહાર રમવા નથી દેતાં, લેસન કર, ભણવાનું કર એમ જ કહે છે તારે કેવું સારું રોજ નવી રસોઈ કરવાની, મનગમતું જાતે બનાવી જમી લેવાનું, મારે તો જટ મોટું થાવું સે, હું તો કંટાળી ગઇ નિશાળથી...'

ડર - મૃત્યુનો કે પછી...

'કોરોના-ફોરોના કંઈ નથી, તમારી રોગપ્રતિકારક ક્ષમતા અને મનોબળ મજબૂત હોય તો કંઈ જ ન થાય. બસ આપણે અંદરથી નબળું નહીં પડવાનું, તમને રોગ નહીં રોગનો ડર મારી નાખતો હોય છે...' ટ્રોમા ઈન્ચાર્જ પોતાના સ્ટાફને સંબોધી રહ્યા હતા ત્યાં જ એક પટાવાળાએ આવીને કહ્યું, 'સાહેબ, તમે કલાક પહેલા ડો. વિક્રમ સાથે બેઠાં હતા એમનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.'

અને ડા.પ્રશાંતે અત્યાર સુધી દસ વખત હાથ સેનેટાઇઝ કર્યા, પોતાના બે-ચાર ડોક્ટર્સ મિત્રોને કન્સલ્ટ કરી પોતાનો કોવિડ રીપોર્ટ કઢાવવા માટે લેબ તરફ પગલાં માંડયા.

ઘરકામ

'ખબરદાર, જો તે અંકિતાને એના ઘરે જવાની રજા આપી તો, ઘરનું કામ કોણ કરશે? હવે આ ઉંમરે મારાથી કંઈ ન થાય...' રમાબેન પોતાના દીકરા અવિનાશને વોટ્સએપમાં ટાઇપ કરેલો મેસેજ સેન્ડ કરવા જતાં હતાં ત્યાં જ મોબાઇલના પોપઅપ બાર પર મેસેજ ડિસ્પ્લે થયો... લાડલી મમ્મી, આ વખતે પણ હું નહીં આવી શકું, નક્કી મારા સાસુએ જ રમેશને ચડાવ્યો હશે, થોડો સમય જાય એટલે હું રમેશને દબાણ કરીશ કે ડોશીને વૃદ્ધાશ્રમ મોકલે...' 

રમાબેને અવિનાશને ટાઇપ કરેલ મેસેજ બેકસ્પેસ કરી ડિલીટ કર્યો.

- વસીમ વ્હાલા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nB4X1X
Previous
Next Post »