- 'પહેલાં ચાયની પ્યાલી અને સાથે રાખો ચાયની કીટલી. હવે કહો મને સેંકડો વસ્તુઓની વાતો.' સાકી
- અકલ્પક અને દુ:ખદ રીતે કહેવાતી જતી એ અરસપ્રદ વાર્તા કે જેમાં એ નાનકડી છોકરી કે જે સારી હતી અને એની સારાઈથી એણે દરેક સાથે દોસ્તી કરી લીધી હતી.
ગુજરાતી ભાષામાં પ્રથમ વખત 'વાર્તા'નું સર્જન થયું તેને ગયા વર્ષે ૧૦૦ વર્ષ પૂરા થયા હતા. એ નિમિત્તે 'ગુજરાત સમાચાર'માં ગુજરાતના વિખ્યાત સર્જકોની ક્લાસિક વાર્તાઓ પ્રસિદ્ધ કરીને અનોખી ઉજવણી થઈ હતી. ગુજરાતી વાર્તાઓના એ ખજાનાને વાચકોનો હૂંફાળો પ્રતિસાદ મળ્યો હતો. તે પછી હવે 'ગુજરાત સમાચાર'ના વાચકો માટે પ્રસ્તુત છે-જગતના પહેલી હરોળના વાર્તાકારોની કૃતિઓનો વૈભવ...
('ધ સ્ટોરીટેલર' એટલે વાર્તાનો કહેનારો. એક જમાનો હતો જ્યારે ઘરનાં વડીલો બાળકોને વાર્તા કહેતા. તે સમયે મોબાઈલ ફોનનાં દૂષણો નહોતા અને એટલે બાળકો વડીલોએ કહેલી વાર્તા રસથી સાંભળતા. પણ આવી વાર્તા આમ સાવ બોધકથા જ હોય તો એવી એકની એક વાત બાળકોને ગમે ખરી? શું વાર્તા વાસ્તવિકતાથી થોડી નજીક ન હોવી જોઈએ? અથવા કહેવાની રીત પણ તો અગત્યની વાત છે. બરાબર ને?
આ વાર્તામાં ત્રણ બાળકો અને એની માસીનાં પાત્ર ઉપરાંત એક પાત્ર છે જેને મૂળ વાર્તામાં 'બેચલર' કહેવાયો છે. બેચલર એટલે કુંવારો અથવા સ્નાતક, એ આપણે જાણીએ છીએ. પણ અહીં ત્રીજો અર્થ છે. બેચલર એટલે સામંતશાહીમાં એક અમીર ઉમરાવની સેવામાં રહેલો યુવાન અમીર ઉમરાવ, એવો અર્થ થાય છે. અનુવાદમાં એટલે આ પાત્ર તરીકે યુવાન તરીકે ઉલ્લેખાયો છે.
આ વાર્તામાં 'ઓન ધ રોડ ટૂ મેન્ડલે' ગીતની પંક્તિનો ઉલ્લેખ આવે છે. વિખ્યાત લેખક રુડયાર્ડ કિપ્લિંગની કવિતાની આ પહેલી પંક્તિ છે. કવિતાનો નાયક બ્રિટિશ ઇન્ડિયાનાં બર્મામાં ફરજ બજાવતો સૈનિક છે. એ જ્યારે લંડન પાછો ફરે છે ત્યારે લંડનની રૂઢિચુસ્ત પરંપરા એને કનડે છે. એને બર્માનો એ નચિંત સમય યાદ આવે છે અને એની બર્મિઝ પ્રેમિકા યાદ આવે છે, એ સમય જ્યારે એ મુક્ત હતો. મેન્ડલે એ સમયે બર્મા (મ્યન્માર)ની રાજધાની હતી. વર્ષ ૧૮૯૦ માં લખાયેલી આ કવિતા ખૂબ જ જાણીતી બની હતી અને ગીત સ્વરૂપે ગવાઈ પણ હતી. આ વાર્તા કદાચ એ રૂઢિચૂસ્તતા અને વાસ્તવિકતાનાં દ્વંદ્વની વાત છે. 'ધ સ્ટોરીટેલર' વાર્તા સૌ પ્રથમ વાર વર્ષ ૧૮૯૭ માં અખબારમાં પ્રકાશિત થઈ હતી.)
પૂર્વાધ
બપોરની ગરમી અને એ અનુસાર રેલ્વેનાં ડબ્બામાં પણ ઉકળાટ હતો, અને હવે પછીનું સ્ટેશન ટેમ્પલકોમ્બ આશરે એક કલાક દૂર હતું. કમ્પાર્ટમેન્ટમાં એક નાની છોકરી અને એક એનાથી નાની એવી એક નાનકડી છોકરી અને એક નાનો છોકરો હતા. આ બાળકોની માસી ખૂણાની સીટ ઉપર બેઠી હતી, અને એ ખૂણાની સીટનાં સામેનાં છેડે એક યુવાન અમીર ઉમરાવ બેઠો હતો, જે આ બધાં માટે અજાણ્યો હતો પણ નાની છોકરીઓ અને નાનો છોકરો કમ્પાર્ટમેન્ટમાં દ્રઢતાપૂર્વક પોતાની જગ્યા જમાવીને બેઠાં હતા. માસી અને બાળકો વચ્ચે જે વાતચીત થતી હતી એ મર્યાદિત હતી અને એકમેક સામે ટક્કર લેનારી હતી, જેમ કોઈ એક માખી સતત બણબણ કરતી હોય અને એને ઊડાડીએ પણ એ હારવાનું નામ ન લેતી હોય એવું. માસીનાં મોટા ભાગનાં વાક્યો ''આમ નહીં કરવાનું''-થી પૂરા થતા હતા અને બાળકોનાં લગભગ દરેક વાક્યો ''શા માટે?''થી શરૂ થતાં હતા. યુવાન મોટેથી કશું ય બોલતો નહોતો. ''નહીં સાયરિલ નહીં, એમ નહીં કર'' માસી બોલ્યાં, જ્યારે એ નાનો છોકરો સીટની ગાદી અચાનક થપથપાવા માંડયો અને દરેક થપાટ સાથે ધૂળની નાનકડી ડમરી ઊડાડવા માંડયો.
''અહીં આવ અને જો, બારીની બહાર જો,'' માસીએ આગળ કહ્યું.
નાનો છોકરો અનિચ્છાએ બારી પાસે ગયો. ''શા માટે આ બધાં ઘેંટાઓને ખેતરમાંથી હાંકી કઢાય છે?'' એણે પૂછયું.
''મને લાગે છે કે એમને બીજા ખેતરમાં એટલે લઈ જવાય છે કારણ કે બીજા ખેતરમાં વધારે ઘાસ છે,'' માસીએ નબળો જવાબ આપતા કહ્યું.
''પણ આ ખેતરમાં તો ઘણું ઘાસ છે જ,'' છોકરાએ વિરોધ કરતાં કહ્યુંત ''અહીં બીજું કાંઇ જ નથી, સિવાય કે ઘાસ ઘાસ અને ઘાસ. અને માસી, આ ખેતરમાં જ પુષ્કળ ઘાસ છે.''
''કદાચ એવું હશે કે બીજા ખેતરનું ઘાસ વધારે સારું હશે,''
''શા માટે સારું હશે?'' આવી ગયો એક શીઘ્ર, અટળ પ્રશ્ન.
''ઓહ, જો કેટલી બધી ગાય છે!'' માસી વાતને બદલતા અચાનક બોલી ઊઠયાં. આમ તો બધા જ ખેતરોમાં ગાય અથવા બળદનું ધણ હતું પણ તેઓ એવી રીતે બોલ્યાં જાણે કે કોઈ વિરલ વસ્તુની વાત કરી રહ્યાં હોય.
''બીજા ખેતરનું ઘાસ કેમ વધારે સારું છે?'' સાયરિલે વાતનો કેડો મૂક્યો નહીં.
અમીર ઉમરાવ યુવાનનાં ચહેરા પરની નારાજગી હવે કોપાયમાન મુખમુદ્રામાં બદલાતી જતી હતી. આ સખત વિરોધવૃત્તિવાળો માણસ હોવો જોઈએ, માસીએ મનોમન નક્કી કરી લીધું. બીજા ખેતરનાં ઘાસ વિષે કોઈ સંતોષકારક નિર્ણય ઉપર આવી શકવામાં માસીબા છેક નિષ્ફળ નીવડયા હતા.
નાનીથી નાની છોકરીએ વાતને અન્ય બાજુ વાળી, જ્યારે એ 'ઓન ધ રોડ ટૂ મેન્ડલે' ગીત ગાવા લાગી. એને એ કવિતાની માત્ર એક જ પંક્તિ ખબર હતી પણ એણે એના એ મર્યાદિત જ્ઞાાનને સંપૂર્ણ ઉપયોગમાં લઈ લીધું હતું. એણે એ એક જ પંક્તિ ફરી ફરીને ગાયા કરી, એનાં સ્વપ્નિલ દ્રઢ નિશ્ચયી અને બુલંદ અવાજમાં. યુવાનને લાગ્યું કે જાણે કોઈએ એ નાનકડી છોકરી સાથે શરત લગાવી હોય કે બોલ, તું આ પંક્તિ અટક્યાં વિના બે હજાર વાર ન જ બોલી શકે. અને એ જે કોઈ પણ આ શરતનો લગાવનારો હશે, એ આ શરત હારી જ જવાનો હતો.
''ચાલ અહીં આવ અને હું એક વાર્તા કહું,'' માસીએ આમ કહ્યું, જ્યારે યુવાને એમની સામે બે વાર અને સંકટ સમયની સાંકળ સામે એક વાર જોયું.
અને બાળકો કોઈ પણ જાતનાં ઉત્સાહ વિના માસી બેઠાં હતા એ ખૂણે ગોઠવાયાં. દેખીતી રીતે એ નક્કી હતું કે બાળકોની ગણતરીમાં વાર્તાનાં કહેનાર તરીકે માસીબાની પ્રતિા મોટે ભાગે સારી નહોતી.
એક ધીમા મક્કમ અવાજમાં એમણે વાર્તા કહેવાની શરૂ કરી. અકલ્પક અને દુ:ખદ રીતે કહેવાતી જતી એ અરસપ્રદ વાર્તા કે જેમાં એ નાનકડી છોકરી કે જે સારી હતી અને એની સારાઈથી એણે દરેક સાથે દોસ્તી કરી લીધી હતી અને આખરમાં એક ભૂરાયા થયેલાં સાંઢનાં હૂમલામાંથી ઘણાં લોકોએ સાથે મળીને એને બચાવી હતી અને એ બધા બચાવનારાઓએ એકી અવાજે એ છોકરીની હિંમતની પ્રશંસા કરી હતી. એ છોકરી ડરી નહોતી. અલબત્ત વાર્તા કથનનાં આ પ્રયત્નમાં એનાં સાંભળનારાઓ તરફથી નિયમિત રૂપે વારંવાર ઊંચા અવાજમાં કચકચ સ્વરૂપે પૂછાતા પ્રશ્નોથી વચવચમાં માસીબાએ અનેક વાર અટકવું જરૂર પડયુ હતું.
''જો એ સારી છોકરી ન હોત તો પેલાં બચાવનારાઓએ એને બચાવી ન હોત?'' નાની છોકરીઓ પૈકી મોટી હતી એ છોકરીએ એનાં આ પ્રશ્નનો જવાબ આપવા માંગણી મૂકી. આ બરાબર એ જ સવાલ હતો, જે પેલો યુવાન પણ પૂછવા માંગતો હતો.
''વેલ.. યસ'', માસીએ પાંગળી રીતે સ્વીકાર કરતાં કહ્યું, ''પણ મને નથી લાગતું કે તેઓ મદદ માટે આટલા ઝડપી દોડયા હોત, જો તેઓને એ છોકરી આટલી વહાલી ન હોત.''
''મેં સાંભળેલી વાર્તાઓ પૈકી આ સૌથી મોટી મૂરખ વાર્તા છે.'' નાની છોકરીઓ પૈકી મોટી છોકરીએ પ્રચંડ ખાતરી સાથે આમ કહ્યું.
''મેં તો થોડી વાર પછી આ વાર્તા સાંભળી જ નહીં, એ એટલી તો ભંગાર વાર્તા હતી,'' સાયરિલે કહ્યું.
સૌથી નાની છોકરીએ કોઈ ખરેખરી શાબ્દિક ટીકા તો ન કરી પણ વાર્તા કથન દરમ્યાન ઘણાં સમય પહેલાં જ એણે એની મનગમતી પંક્તિનું પુનરાવર્તિત રટણ ફરીથી શરૂ કરી દીધું હતું.
''વાર્તાનાં કહેનાર તરીકે તમે બહુ સફળ નહીં હો, એવું લાગી રહ્યું છે,'' યુવાને એનાં ખૂણેથી અચાનક કહ્યું.
આમ અચાનક થયેલાં શાબ્દિક હૂમલાથી માસી સ્વબચાવમાં તરત જ ટટ્ટાર થઈ ગયા.
''બાળકોને એવી વાર્તાઓ કહેવી જોઈએ કે જે તેઓ સમજી શકે અને એની કદર પણ કરી શકે અને એવી વાર્તા કહેવી ભારે અઘરી છે.'' એમણે અક્કડ અવાજે કહ્યું.
''હું તમારી સાથે સહમત નથી,'' યુવાને કહ્યું.
''તો તમે જ વાર્તા કહો. કદાચ આ બાળકોને કોઈ વાર્તા કહેવાનું તમને ગમશે.'' માસીએ શીઘ્ર સામો જવાબ આપતા કહ્યું.
''અમને એક વાર્તા કહો,'' નાની છોકરીઓ પૈકી મોટી છોકરીએ પોતાની માંગણી મૂકતા કહ્યું.
''એક સમય હતો,'' યુવાનને વાર્તા કહેવાની શરૂઆત કરી, ''એક નાનકડી છોકરી હતી. નામ હતું બર્થા અને એ ખૂબ જ સારી છોકરી હતી, અસામાન્ય રીતે સારી છોકરી.''
બાળકોમાં પેદા થયેલું એ ક્ષણિક કુતૂહલ ટગુમગું થવા માંડયુત બધી જ વાર્તાઓ આ જ રીતે શરૂ થાય છે અને એમને મન આ રીતે જ આ બધી જ વાર્તાઓ એકસરખી ત્રાસદાયક હોય છે, પછી ભલે એ વાર્તાઓનો કહેનારો કોઈ પણ હોય.
''એણે એવું બધું જ કર્યું જે એને કહેવામાં આવ્યું, અને એ ખરેખર કાયમ સાચૂકલી છોકરી હતી, એ એનાં કપડાં એકદમ ચોખ્ખા રાખતી હતી, દૂધનો પૂડલો એ એ રીતે ખાતી હતી જાણે કે એ મુરબ્બાની વાનગી હોય, અને એની રીતભાતમાં એ એકદમ વિનમ્ર હતી.''
''શું એ નાજુક અને સુંદર હતી?'' નાની છોકરીઓ પૈકી મોટી છોકરીએ પૂછયું.
''તમારા જેટલી નાજુક અને સુંદર તો એ નહોતી,'' યુવાને કહ્યું, ''પણ એ ભયંકર સારી છોકરી હતી.
અને વાર્તાનાં સમર્થનમાં પ્રતિક્રિયાનું એક મોટું મોજું આવ્યુંત 'સારાપણાં'નાં કનેક્શનમાં 'ભયંકર' શબ્દ એકદમ નવીન હતો અને એટલે એ શબ્દ વખાણવા લાયક બની ગયો. માસી જ્યારે બાળકોની જિંદગી વિષે બાળકોને વાર્તા કહેતા ત્યારે એમાંથી સત્યની યથાર્થતા ગાયબ રહેતી. પણ અહીં બાળકોને લાગ્યું કે આ વાર્તા કૃત્રિમ કે બનાવટી લાગતી નથી.
(ઉત્તરાર્ધ આવતા અંકે)
સર્જકનો પરિચય
હેક્ટર હ્યુ મુનરો,'સાકી'
જન્મ ૧૮ ડીસેમ્બર, ૧૮૭૦
મૃત્યુ ૧૪ નવેમ્બર ૧૯૧૬
તખલ્લુસ 'સાકી' અથવા તો એમનાં નામ એચ. એચ. મુનરો તરીકે જાણીતા બ્રિટિશ લેખક હેક્ટર હ્યુ મુનરો એમની રમૂજી, મસ્તીખોર અને મૃત્યુનાં નૃત્ય જેવી બિહામણી વાર્તાઓ - કે જે તે સમયનાં એડવડયન સમાજ અને સંસ્કૃતિ ઉપર કટાક્ષ હતો - તેના માટે જાણીતા છે. તેઓએ ટૂંકી વાર્તાઓનાં સર્જનમાં આગવું પ્રદાન કર્યું છે અને તેઓને પ્રસિદ્ધ લેખકો ઓ. હેન્રી અને ડોરોથી પાર્કરની સમકક્ષ ગણવામાં આવે છે.
હેક્ટર હ્યુ મુનરો બ્રિટિશ બર્માનાં અક્યાબ શહેરમાં જન્મ્યા હતા. એમનાં પિતા ચાર્લ્સ મુનરો ઇન્ડિયન ઈમ્પીરીયલ પોલિસનાં ઇન્સ્પેક્ટર જનરલ હતા. એમની માતાનાં મૃત્યુ બાદ એમનો ઉછેર ઈંગ્લેન્ડમાં એમનાં દાદી પાસે થયો. મોટા થઈને એમનાં પિતાનાં પગલે હેક્ટર પણ ઇન્ડિયન ઈમ્પીરીયલ પોલિસમાં જોડાયા. પણ બર્મામાં એમની નોકરી દરમ્યાન ઘણીવાર તાવ આવી જતા સવા વર્ષમાં જ એમણે ઇંગ્લેન્ડ પાછા ફરવું પડયું. અને પછી ઈ.સ. ૧૮૯૬માં એમની એક લેખક તરીકેની કારકિર્દી લંડનમાં શરૂ થઇ.
તેઓ પત્રકાર તરીકે કામ કરતા અને મેગેઝિનમાં વાર્તા લખતા. ઈ.સ. ૧૯૦૦માં તેઓ રાજકીય વ્યંગ તરફ વળ્યા. 'સાકી' ઉપનામનો એમણે પહેલી વાર અહીં ઉપયોગ કર્યો. પશયાનાં ખગોળવિદ અને કવિ ઉમર ખય્યામની રુબાયતમાં જે મદ્યપાન કરાવે છે એ માશૂકનાં અર્થમાં 'સાકી' ઉપનામ હોવાનું માનવામાં આવે છે તો કેટલાંક અભ્યાસુઓ દક્ષિણ અમેરિકામાં સાકી પ્રજાતિનાં વાંદરા પરથી સાકી ઉપનામ હોવાનું માને છે, એ સાકી જે એમની વાર્તા 'ધ રેમોલ્ડીંગ ઓફ ગ્રોબી લિંગટન' મુખ્ય પાત્ર પરથી આવ્યું હોવાનું મનાય છે. એમની વાર્તાઓ અને નવલકથાઓનાં અનેક પુસ્તકો પ્રકાશિત થયા છે. મુનરોએ લગ્ન કર્યા નહોતા. તેઓ હોમોસેકસ્યુઅલ હોવાનું મનાતું હતું. એ જમાનામાં બ્રિટિનમાં હોમોસેકસ્યુઆલીટી ગુનો ગણાતો.
પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે મુનરોની ઉંમર ૪૩ વર્ષની હતી. યુદ્ધમાં જોડવા માટે તેઓની આ ઉંમર વધારે હતી તેમ છતાં જોડાયા અને લાન્સ સાર્જન્ટનાં હોદ્દા સુધી પહોંચ્યા. પોતે યુદ્ધમાં ઘાયલ થયા બાદ પણ ફરી ફરીને દેશની સુરક્ષા કાજે યુદ્ધભૂમિમાં ફરજ બજાવતા રહ્યા. આખરે ફ્રાન્સમાં યુદ્ધભૂમિ ઉપર જર્મન સૈન્યનાં ગોળીબારમાં શહીદ થયા. એમનાં આખરી શબ્દો હતા : પુટ ધેટ બ્લડી સિગારેટ આઉટ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LTSvwj
ConversionConversion EmoticonEmoticon