GST કાયદામાં સરકાર વિવિધ સુધારાઓ અને પધ્ધતિઓ બદલીને સરળતા લાવવાના મિથ્યા પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં માસિક પત્રક GSTR 3B સ્વમેળે આંકડા સાથે વેપારીને GST પોર્ટલ ઉપર આપવામાં આવી રહ્યું છે જેમાં વેપારીના પોતાના દ્વારા દાખલ કરેલ GSTR1 પ્રમાણે બાહ્ય સપ્લાયની વિગત તારવવામાં આવે છે અને વેપારીની ખરીદ/ખર્ચની વેરાશાખની રકમ GSTR 2B ઉપરથી તારવવામાં આવે છે. ઘણી વખત કોઈ વેપારીથી આગલા કોઈ માસની વેરાશાખ લેવાની રહી ગઈ હોય અને સ્વાભાવિક છે કે ચાલુ માસના GSTR 2B માં દેખાતી ના હોય તો આવા કિસ્સામાં લાલ બત્તી દ્વારા GST પોર્ટલ ઉપર નોંધ લેવાય છે કે GSTR 2B કરતા વધુ વેરાશાખ માંગી. હવે આવા સંજોગોમાં એક રાજ્ય એક વેરાનું સ્વપ્ન કેવી રીતે ફળવાનું અને વેરાશાખ રોક-ટોંક વગર કેવી રીતે ભોગવવાની જ્યારે આ કાયદો લાવવા પાછળનો હેતુ જ એ હતો. ટૂંક સમયમાં GSTR 2B કરતા વધુ માંગેલ વેરાશાખના ખુલાસા માંગતા પ્રેમપત્ર બજાવવાના શરૂ થઇ જશે અને ફરી વેપારી નોટીસોના જવાબ આપવા પાછળ દોડવા લાગશે ધંધા પાણી એક બાજુ મુકીને. શું ખરેખર કાયદો સરળ થઇ રહ્યો છે કે ખોખલા વાયદા જ આપવામાં આવે છે. વળી પાછુ GST કાયદામાં સપ્લાયની વ્યાખ્યા ખૂબ જ વિશાળ અને વ્યાપક છે જેના કારણે તમામ આવક ઉપર વેરો ભરવો કે નહી તેના માટે વિવાદ રહેવાના. ભારત દેશમાં ભાડા પટ્ટા ઉપર જમીન લઇને ધંધો કરવો એ સામાન્ય પધ્ધતિ છે. સરકાર કોઈ તાલુકો કે જગ્યા આરક્ષિત કરીને ઇન્ડસ્ટ્રિયલ પાર્ક બનાવતી હોય છે. આજના લેખમાં GIDC એટલે કે કોઈ નોટીફાઈડ ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં ભાડાપટ્ટા ઉપર લીધેલ જગ્યાના હક્ક એક ભાડૂઆત બીજા ભાડૂઆતને તબદીલ કરે છે ત્યારે શું GST ભરવો પડે કે કેમ તે વિષે ચર્ચા કરવામાં આવી છે.
નોટીફિકેશન નં. ૧૨/૨૦૧૭ તથા ખુલાસો
નોટીફિકેશન નં. ૧૨/૨૦૧૭ સેન્ટ્રલ ટેક્ષ રેટ હેઠળ ત્રિસ વર્ષ કે તેથી વધુ સમયના ભાડા પટ્ટાના વ્યવહાર અન્વયે લીધેલ અપફ્રંટ રકમ જેમાં ઇન્ડસ્ટ્રિયલ પ્લોટ ભાડા પટ્ટા ઉપર આપવામાં આવેલ હોય રાજ્ય સરકારના ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અથવા કોઈ એવું એકમ કે જેમાં ૫૦%થી વધુ માલિકી રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર હોય ત્યારે આ તમામ વ્યક્તિ દ્વારા વસુલવામાં આવેલ ભાડાપટ્ટાની રકમ ઉપર GST ભરવાનો થાય નહીં અને માફી સપ્લાય ગણાય. સરકાર દ્વારા પરિપત્ર દ્વારા ૨૦૧૯ના વર્ષમાં ખુલાસો કરતા એમ કરાવ્યું કે આ માફી સપ્લાય માત્ર ઇન્ડસ્ટ્રિયલ પ્લોટ નહી પણ નાણાકિય ધંધાના ઇન્ફ્રાસ્ટ્રકચર માટેના ભાડાપટ્ટા ઉપર પણ કોઈ GST ભરવાનો થાય નહીં.
હક્ક તબદીલ
ઘણી વખત ભાડા પટ્ટા વાળી જગ્યા જે ઇન્ડસ્ટ્રિયલ પ્લોટ જે દાખલા તરીકે GIDC માં સ્થિત છે ત્યારે સૌ પ્રથમ જ્યારે GIDC પાસેથી પ્લોટ લેવામાં આવે છે ત્યારે તેના ભાડા પટ્ટા ઉપર GST ભરવાનો થાય નહીં અને ત્યારબાદ આ જગ્યા કોઈ કારણસર ભાડૂઆત GIDC ની પરવાનગી બાદ બજાર કિંમત ઉપર વેચી કાઢે તો શું આ રકમ ઉપર GST ભરવાનો થાય ખરો ? આ બાબતનો પ્રશ્ન પશ્ચિમ બંગાળ એડવાન્સ રૂલિંગ ઓથોરીટી સમક્ષ એનફીલ્ડ એપેરલ્સ લિ.ના કિસ્સામાં ઉપસ્થિત થયો. આ કિસ્સામાં અરજદાર કે ફડચામાં હતી અને લીક્વીડેટર દ્વારા કંપની વતી અરજી કરવામાં આવી હતી. કંપની દ્વારા પશ્ચિમ બંગાળના ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં ભાડાપટ્ટા ઉપર જગ્યા હતી અને આ જગ્યા કોઈ અન્યને અવેજ લઇ બજાર કિંમતે આપી દેવાની હતી. આ કિસ્સામાં એડવાન્સ રૂલિંગ ઓથોરીટી દ્વારા નોંધવામાં આવ્યું કે ભાડાપટ્ટો તબદીલ થાય છે અને તેના હક્ક અને લાભ પણ અને આવુ કરવાથી કોઈ જંગમ મિલકતનું વેચાણ થઇ નથી રહ્યું. ભાડાપટ્ટાના બાકી રહેલ વર્ષો માટે નવી વ્યક્તિને આ જગ્યાના લાભ અને હક્ક વાપરવા મળશે જેના માટે અવેજ ચૂકવવામાં આવશે જે અરજદાર કંપની પોતાનો હક્ક જતો કરવાના બદલામાં પ્રાપ્ત કરે છે. આમ અરજદાર આવુ સહન કરવા માટેની રકમ લે છે અને પોતાના હક્ક જતા કરે છે જેના લીધે આ સેવા ટેક્ષેબલ ગણાય SAC999792 હેઠળ અને ૧૮% વેરો ભરવાનો થાય.
ખાસ નોંધવા જેવુ છે કે જ્યારે GIDC ની પરવાનગી વગર હક્ક તબદીલ થઇ શકવાના જ ના હોય તો એમ માની શકાય કેહક્ક પાછા GIDC પાસે જતા રહે છે અને તેના નિયમ મુજબ કાર્ય થાય તો જ હક્ક તબદીલ થઇ શકે. આ વ્યવહાર ઉપર GST ભર્યા બાદ વેરાશાખ બાબતે બીજો વિવાદ ઉભો જ રહેવાનો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nIJqVe
ConversionConversion EmoticonEmoticon