ખેડૂતોના હિતમાં દરેક તાલુકામાં સરકાર એપીએમસી બનાવે


- ખાનગી કંપનીઓ કે એપીએમસીઓ વેપારીઓ ખેડૂતોને ખંખેરવાની કોશિશ કરે તે પૂર્વે જ સરકારી એપીએમસીઓ વધારી સરકાર પહેલ કરે

ખેડૂતોને આશંકા છે કે સરકાર ખેડૂત કરતાં કોર્પોરેટ્સના હિતમાં જ વધુ કામ કરી રહી છે. સરકારે ત્રણ કાયદાઓમાં ફેરફાર કરાવ્યો છે તે તમામ કાયદાઓ કોર્પોરેટ્સના લાભ કરાવે તેવા હોવાની આશંકા છે. જોકે સરકારી એપીએમસીની સંખ્યામાં વધારો કરીને સરકારે ખેડૂતોના હિતમાં પગલાં લેવા જોઈએ. સરકારી એપીએમસીમાં એક જમાનામાં રૂમાલની પાછળ વેપારીઓ અસ્ટમપસ્ટમ કરીને ખેડૂતો પાસેથી મરજીના ભાવે માલ ખરીદી લેતા હતા. વેપારીઓ કાર્ટેલ વેપારીઓ બનાવતા હતા. ખાનગી કંપનીઓ અને એપીએમસી આવતા ખેડૂતોની હાલત વધુ ખરાબ થવાની સંભાવનાને નકારી શકાતી નથી. સરકાર એપીએમસી બનાવે તો ખેડૂતોએ દૂર વિસ્તારમાં જવાની જરૂર પડતી નથી. તેમના માલ નજીક નજીકના વિસ્તારોમાં વેચી શકશે. પરિણામે તેમનો ટ્રાન્સપોર્ટ ખર્ચ બચી જશે. વેપાર ઉદ્યોગને સહાય કરે છે તે જ રીતે ખેડૂતોને પણ આ રીતે સરકાર મદદરૂપ થઈ શકે છે. સરકાર ખેડૂતોને નજીક પડે તેવા વિસ્તારમાં એપીએમસી બનાવતી રહેશે તો આવનારા દિવસોમાં ખેડૂતોને તેમના ખેતર નજીક જ ઉપજ વેચવાનો અવસર સાંપડશે.

એપીએમસીની પહોંચ વધારવા સરકાર સબ માર્કેટ યાર્ડ પણ વિકસાવી શકે છે. તાલુકા સ્તરે અને ગ્રામીણ સ્તરે આ કામગીરી થઈ શકે તે માટે હજી અવકાશ છે. એપીએમસી બનાવવા માટે જમીન, રજિસ્ટ્રેશન અને એપીએમસીનું મકાન ઊભું કરવા માટેની લોન મળે તેવી વ્યવસ્થા સરકારે કરાવવી જોઈએ. ગુજરાતમાં સબ માર્કેટ યાર્ડ તરીકે કૂકરવાડા, માણસા, લાડોલ સબ માર્કેટ યાર્ડ ભૂતકાળમાં બનાવવામાં આવ્યા જ હતા. 

એપીએમસી અત્યારે રાજકારણના અખાડા બની ગયા છે. આ કલ્ચરને એપીએમસીમાંથી કાઢી નાખવામાં આવે તે જરુરી છે. કૉન્ગ્રેસ હોય કે ભાજપ હોય તેમાં વર્ચસ સ્થાપીને પોતાના રાજકીય ધ્યેયો સિદ્ધ કરવાનું વલણ ધરાવે જ છે. તેથી માત્ર ને માત્ર ખેડૂતના હિતની વાત  કરતી વ્યક્તિને જ ખેડૂતના વડા તરીકે એપીએમસી બોર્ડમાં હોદ્દો આપવો જોઈએ. ધારાસભ્ય, સાંસદ કે કોર્પોરેટરના પુત્ર, પુત્રી, પૌત્રી, પૌત્રી, પત્ની, પુત્રવધુ જેવા સ્વજનને એપીએમસીમાં કોઈ જ હોદ્દો ન મળે તેવી ગોઠવણ કરવી જોઈેએ. તેવી જ રીતે સાંસદ, ધારાસભ્ય કે કોર્પોરેટરને એપીએમસીના બોર્ડમાં કોઈ જ હોદ્દો આપવો જોઈએ નહિ. તેમ થવાથી તેમાં રાજકારણ ઓછું થશે અને ખેડૂતોની જણસ (માલ)ના વેપારના આયોજનો વધુ થશે. અત્યારના એપીએમસીના મોડેલમાં ખેડૂતોના હિત નેવે મુકાયા છે. બીજું, એપીએમસીના ચૅરમેનના હોદ્દા પર માત્ર ને માત્ર ખેડૂત પ્રતિનિધિને જ મૂકવાની કાયદેસર જોગવાઈ કરવી જોઈે. વેપારીઓના પ્રતિનિધિને ઉપપ્રમુખથી ઉપરનો હોદ્દો આપવો જ ન જોઈએ. 

એપીએમસીની ચૂંટણીમાં માત્ર મંડળીના હોદ્દેદારોને મત  આપવાની છૂટ આપવામાં આવે છે તેને બદલે મંડળીના તમામ સભ્યોને મત આપવાની છૂટ આપવી જોઈએ. તેને પરિણામે એપીએમસીની ચૂંટણી પૂર્વે મંડળીના તમામ હોદ્દેદારો (જેમને મતનો અધિકાર છે તેમને)ને હાઈજેક કરીને બહાર લઈ જઈને મજા કરાવવાની અને પૈસાની તાકાત બતાવીને પ્રભાવિત કરવાનું વલણ ન રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. રાજકીય ઝોકને તેમાંથી દૂર કરવામાં આવે તો તેવા સંજોગોમાં આ શક્ય બની શકશે. દસ ગામની મંડળીઓ તેમના એક પ્રતિનિધિને ચૂંટીને મોકલે તેવી જ વ્યવસ્થા દાખલ કરવી જોઈએ. નાણાં સંસ્થાના ડિફોલ્ટર બન્યા હોય તેવી વ્યક્તિને એપીએમસીમાં કોઈપણ હોદ્દો સોંપવો ન જોઈએ. તેમ જ એપીએમસીના હોદ્દો ગ્રહણ કર્યા પછીય તેમના નામે આવું કોઈ કૌભાંડ બહાર આવે તો તેમને એક દોઢ મહિનામાં હોદ્દા પરથી દૂર કરી દઈને તેમને સ્થાને બીજી કોઈ વ્યક્તિને બેસાડી દેવી જોઈએ. 

ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારે સ્પેશિયાલાઈઝ્ડ ક્રોપ માર્કેટ વિકસાવવા જોઈએ. જામનગરમા ંતલનું, રાજકોટમાં કપાસ મગફળીને, કચ્છમાં ખારેક કેરીનું, પાટણમાં કપાસ એરંડાનું, હારીજમા ંસુવા અને ધાણાનું, ઊંઝામાં જીરૂ અને ઇસબગુલનું સ્પેશિયાલાઈઝ માર્કેટ વિકસાવવું જોઈએ. ગામડાંમાં ક્રોપ સ્ટોરેજ માટે ગોદામો બનાવવા જોઈએ. પરંતુ પોસ્ટ હાર્વેસ્ટિંગ ગાળામાં ૩ માસથી વધુ સમયગાળા સુધી ક્રોપનો સંગ્રહ કરી રાખવાની છૂટ ન આપવી જોઈએ. આ પગલાં લઈને સરકાર ખેડૂતોની સ્થિતિ સુધારી શકશે એમ ગુજરાતના ખેડૂતોનું માનવું છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KJiuWq
Previous
Next Post »