ઓટો, FMCG, કન્ઝ્યુ. ગુડ્ઝ ક્ષેત્રએ ગ્રામીણ વિસ્તારોમાં જમાવેલો પગદંડો..


કો રોના મહામારી અને લૉકડાઉનના અમલના કારણે સમાજના તમામ વર્ગની રહેણીકરણી બદલાઈ જવા પામી છે. તેની સાથોસાથ વપરાશની પદ્ધતિમાં પણ મોટાપાયે બદલાવ જોવા મળ્યો છે. અગાઉ 'જોઈશે જ' તેવો અભિગમ પ્રવર્તતો હતો તે આજે બદલાઈને 'ચાલશે', 'ફાવશે'માં બદલાઈ જવા પામ્યો છે. સમાજના તમામ વર્ગની રહેણીકરણી બદલાવવાની સાથોસાથ એફએમસીજી અને કન્ઝ્યુમર ડયુરેબલ્સ ક્ષેત્રે કાર્યરત કંપનીઓના કારોબારમાં તેમજ ગ્રાહક વર્ગમાં પણ મોટો બદલાવ જોવા મળ્યો છે. કોરોના મહામારી અગાઉના સમયે આ ક્ષેત્રની કંપનીઓની દેશના ગ્રામ્ય વિસ્તારમાં હાજરી તો હતી જ પરંતુ તેનું પ્રમાણ મર્યાદિત હતું. અમુક રૂટિન પ્રોડક્ટસ જ ગ્રામ્ય બજારોમાં ઉપલબ્ધ હતી પરંતુ લૉકડાઉન બાદ આ બંને ક્ષેત્રનું તેમજ ગ્રામ્ય વિસ્તારનું સમગ્ર ચિત્ર જ ધરમૂળથી બદલાઈ જવા પામ્યું છે.

લૉકડાઉન દરમિયાન શહેરોમાં તમામ પ્રકારની પ્રવૃત્તિઓ ઠપ થઈ ગઈ હતી જેના પગલે શહેરી વિસ્તારોમાં તો લોકોની આવક પર પ્રતિકૂળ અસર થવાના કારણે મોટા પાયે ખર્ચાઓ પર કાપ જોવા મળ્યો હતો. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં લૉકડાઉન વેળા કૃષિ ક્ષેત્રની તમામ ગતિવિધિઓ યથાવત્ રહેવા પામી હતી. આ ઉપરાંત મનરેગા યોજનાના કારણે પણ ગ્રામ્ય વિસ્તારમાં આવકના મોરચે ખાસ કોઈ પ્રતિકૂળ વલણ ઉદ્ભવ્યું નહોતું. આ ઉપરાંત ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિના પગલે દેશના ખૂણે ખાંચરે સહેલાઈથી ઇન્ટરનેટ ઉપલબ્ધ હોવાના કારણે લૉકડાઉનના ગાળા દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઇન્ટરનેટનો વપરાશ વધવાની સાથોસાથ ઑનલાઇન શોપિંગની પ્રક્રિયામાં નોંધપાત્ર વધારો થયો હતો.

આ સાનુકૂળ સંયોગોના પગલે લૉકડાઉનના સમયગાળા દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટા પાયે ઑનલાઇન ખરીદી થવા પામી હતી. આ ઉપરાંત નાના- નાના ગામડા નજીકના ટાઉન નાના શહેરોમાં પણ ગ્રામ્ય વિસ્તારના લોકોએ મોટા પાયે ખરીદી કરી હતી. બીજી તરફ શહેરી વિસ્તારમાં લોકો દ્વારા ખર્ચ પર કાપ મૂકવામાં આવ્યો હતો. આમ, શહેરી વિસ્તારમાં બિઝનેસ ઘટયો હોવાની બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં બિઝનેસને નોંધપાત્ર વૃદ્ધિ થવાના કારણે એફએમસીજી, કન્ઝ્યુમર ગુડ્ઝ ક્ષેત્રની કંપનીઓની બેલેન્સશીટ પર કોઈ પ્રતિકૂળ અસર થઈ ન હતી. બલ્કે તેમના વેચાણમાં વધારો થયો હતો.

આમ, આ ગતિવિધિને ધ્યાનમાં રાખીને એફએમસીજી/ કન્ઝ્યુમર ગુડ્ઝ ક્ષેત્રની કંપનીઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં મોટા પાયે સક્રિય થવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ઉપલબ્ધ માહિતી મુજબ ખાદ્ય ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી ટોચની એફએમસીજી કંપનીઓ દ્વારા અનલૉકના બીજા તબક્કાની સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં પોતાની હાજરી વધારવાની શરૂઆત કરી દેવાઈ હતી. આ પ્રક્રિયા આગામી સમયમાં જારી રહેશે તેમ આ કંપનીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું.

એફએમસીજી ક્ષેત્રની ટોચની આગેવાન કંપનીઓના જણાવ્યા મુજબ અનલૉકની પ્રક્રિયા શરૂ થયા પછીના પાંચ મહિનામાં જ અમે ગ્રામ્ય વિસ્તારોમાં અમારી ઉપલબ્ધિમાં ૨૦થી ૩૦ ટકાનો વધારો કરી દીધો છે. ગ્રામીણ વિસ્તારોમાં સતત વધારાને જોતાં આગામી ૧૨થી ૧૮ માસમાં ગ્રામીણ વિસ્તારોમાં અમારી ઉપલબ્ધિમાં ૧૦૦ ટકા જેટલો વધારો કરવાની યોજના હાથ ધરી છે. જેના કારણે આગામી સમયમાં અમારા વેચાણમાં પણ વધારો થશે જેને કારણે બેલેન્સશીટ વધુ મજબૂત બનશે.

આ સાનુકૂળ સ્થિતિ માત્ર એફએમસીજી ક્ષેત્રમાં જ નહી બલ્કે ઓટો ક્ષેત્રમાં પણ ઉદ્ભવી છે. લૉકડાઉન પછી ગ્રામ્ય વિસ્તારની માંગમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ઓટો ઇન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ રૂટિન સમયમાં ઓટો ઇન્ડસ્ટ્રીના વેચાણમાં ગ્રામ્ય વિસ્તારનો હિસ્સો ૪૦ ટકા આસપાસ હતો જે હાલ વધીને ૫૦ ટકા પહોંચ્યો છે.

નિષ્ણાતોના મત મુજબ સારું ચોમાસું, ટેકાના ઉંચા ભાવ, રવિ વાવેતરમાં વધારો તેમજ વિવિધ સરકારી યોજનાઓને જોતાં આગામી સમયમાં પણ ગ્રામ્ય વિસ્તારની માંગમાં વધારો થવાની સંભાવના છે. આમ, આ સાનુકૂળતાને ધ્યાનમાં રાખીને ઓટો, એફએમસીજી અને કન્ઝ્યુમર ગુડ્ઝ કંપનીઓએ હવે ગ્રામીણ બજારો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3a9ghyy
Previous
Next Post »