૨ ૦૨૦ના કેલેન્ડર વર્ષના પ્રારંભિક તબક્કાથી ભારતના માથે આફતના ઓળા ઉતરી આવેલ છે. ગત માર્ચ માસમાં કોરોનાની મહામારી પ્રબળ બનતા અમલી બનેલ વિશ્વના સૌથી લાંબા લૉકડાઉનના કારણે તમામ પ્રકારની ગતિવિધિઓ ખોરવાઈ જતા અર્થતંત્ર ઠપ જ થઈ જવા પામ્યું હતું. ઉદ્ભવેલ આ પ્રતિકૂળ સ્થિતિના કારણે દેશમાં જબરજસ્ત મંદીનો માહોલ ઉદ્ભવ્યો હતો. જેની તમામ ઉદ્યોગો પર પ્રતિકૂળ અસર થવા પામી હતી. આ બેઉ પ્રતિકૂળતાના કારણે દેશનો જીડીપી પણ તળિયે ઉતરી આવ્યો હતો. આ બે પ્રતિકૂળતાઓ હજુ દૂર થઈ નથી ત્યાં હવે માવઠાના કારણે કૃષિ ક્ષેત્રને ફટકો પડવાની સાથે લોકોના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો છે. આમ, ૨૦૨૦ના કેલેન્ડર વર્ષમાં મહામારી, મંદી અને માવઠાનો માર પડતા અરાજકતાનો માહોલ સર્જાવા પામ્યો છે.
વર્તમાન વર્ષમા દેશમાં નેઋત્યનું ચોમાસું મોડું પૂરું થતા જમીનમાં ભેજનું પ્રમાણ ઉંચુ રહ્યું છે. જેના કારણે ખેડૂતોને રવી પાકની વાવણી માટે સ્થિતિ સાનુકૂળ રહી છે. આ સાનુકૂળતાના પગલે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ વર્તમાન વર્ષમાં રવી પાકનો વાવેતર વિસ્તાર અત્યાર સુધી ૧૦ ટકા આસપાસ વધુ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં રવી પાકના વાવેતર વિસ્તારનો આંક ૬.૨૦ કરોડ હેક્ટર રહ્યો છે. આમ, વર્તમાન વર્ષમાં સામાન્ય કરતા ૪૩ ટકા વાવણી પૂરી થયું હોવાનું જાણવા મળે છે. રવી પાકમાં મુખ્યત્વે ઘઉં અને કઠોળનું વાવેતર મોટા પાયે થાય છે. આ ઉપરાંત તેલિબીયા સહિતના અન્ય પાક લેવામાં આવે છે.
હાલ ચાલી રહેલા ખેડૂત આંદોલનનો જ્યાંથી પાયો નંખાયો હતો તે પંજાબ રાજ્યમાં પણ મોટા પાયે રવી વાવેતર થવા પામ્યું છે. પંજાબની ઘઉંના સૌથી મોટા ઉત્પાદક રાજ્ય તરીકે ગણના થાય છે. ત્યાં ઘઉંના વાવેતર સહિત અન્યમાં મોટા પાયે વધારો થવા પામ્યો છે. ઉપલબ્ધ માહિતી મુજબ દેશમાં રવી કઠોળના વાવેતર વિસ્તારમાં ૧૩ ટકાથી વધુનો વધારો થઈને ૯૯.૪૫ લાખ હેક્ટર વિસ્તાર પર પહોંચી જવા પામ્યું છે. કઠોળમાં સૌથી વધુ વાવેતર ચણામાં જોવા મળી રહ્યું છે.
છેલ્લા બે દિવસ દરમ્યાન ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદ તેમજ માવઠાના કારણે ખેતરોમાં ઉભા પાક અને ઘાસચારાને જંગી નુકસાન થયું હોવાના અહેવાલ છે. આ માવઠા તેમજ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના જીવ ઉંચા થઈ ગયા છે. ઉદ્ભવેલ આ પ્રતિકૂળતાના કારણે ખરીફ સિઝનમાં મોડા વાવણી પામેલા કપાસના પાકને કે જેની વાવણી બાકી છે તેને નુકસાન થયું છે તો બીજી તરફ રવી પાકના વાવેતરમાં જીરૂ, વરીયાળી, ધાણા, અજમો, ઇસબગુલ, તુવેર, દિવેલના પાકમાં જીવાત પડવાનું પ્રમાણ વધવાની સાથે આ પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ ઉદ્ભવી છે.
આ ઉપરાંત રાયડો, એરંડા, તમાકુ, કપાસ, બટાકાના પાકને પણ નુકસાન થવાની બીજી તરફ કોબી, રીંગણ, ફુલાવર, ભાજી સહિતના વિવિધ શાકભાજીના પાકને પણ માવઠા તેમજ કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે. આમ, પણ વિવિધ પ્રતિકૂળતાના કારણે મુશ્કેલીમાં મુકાયેલ ખેડૂત વર્ગ તાજેતરમાં થયેલ માવઠા અને કમોસમી વરસાદના કારણે મુશ્કેલીમાં વધારો થયો છે. જાણકારોના જણાવ્યા મુજબ જો માવઠું લંબાશે તો કપાસ, ડુંગળી તેમજ ઘાસચારાને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
માવઠા- કમોસમી વરસાદની પ્રતિકૂળતા તો તાજેતરમાં ઉદ્ભવી છે. આ સિવાયની અન્ય પ્રતિકૂળતાઓની પણ ખેડૂત વર્ગ પર મોટા પાયે પ્રતિકૂળ અસર થયેલી જ છે. તાજેતરમાં ડુંગળીની સૌથી મોટા ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રના ડુંગળી ઉત્પાદકોએ ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધને ઉઠાવી લેવા રજૂઆત કરવામાં આવી છે. ડુંગળીની નવી આવકો શરૂ થતા તેના ભાવ પર દબાણ આવતા આ રજૂઆત કરાઈ છે. તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો પ્રતિબંધ નહીં ઉઠાવાય તો આક્રમક વલણ અપનાવવામાં આવશે. આ મુદ્દે સરકાર જો તાત્કાલીક પગલા નહીં ભરે તો ચાલુ ડિસેમ્બર માસના અંતિમ સમયથી આંદોલનનો માર્ગ અપનાવશે. નબળી માંગના પગલે મહારાષ્ટ્રમાં ખાંડના ભાવ ક્વિન્ટલદીઠ રૂા. ૩૧૦૦ના લઘુતમ ટેકાના ભાવ નજીક પહોંચી ગયા છે. જેના કારણે મિલરો પર દબાણ આવતા ખેડૂતોને ચૂકવવાના બાકી રૂા. ૩૫૧.૫૪ કરોડની જંગી રકમ પણ સલવાઈ ગઈ છે.
આમ, ચાલુ કેલેન્ડર વર્ષમાં મહામારી, મંદી અને માવઠાના કારણે કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોની સાથોસાથ તમામ ઉદ્યોગો અને પ્રજાને પણ સતત માર પડી રહ્યો છે. તેમાં વળી હવે આગામી ૧૫ ડિસેમ્બરથી કમૂરતા બેસે છે. તેથી તમામ શુભ કાર્યો ઠપ્પ થઈ જશે. આ ગતિવિધિની બીજી તરફ હાલ કોરોના વેક્સિનની કવાયત ચાલી રહી છે જે જોતાં નવા વર્ષમાં તમામ પ્રતિકૂળતાઓ હળવી થવાની ગણતરી મૂકાઈ રહી છે.
ખેડૂત આંદોલનનો અંત ક્યારે આવશે ?
લાંબા સમયથી ચાલી રહેલ ખેડૂત આંદોલન દિન પ્રતિદિન વધુ ને વધુ ઉગ્ર બની રહ્યું છે. ખેડૂતોને નવા કૃષિ કાયદા ખપતા નથી અને સરકાર આ મુદ્દે પાછી પાની કરવા તૈયાર નથી. આ મુદ્દે અત્યાર સુધી થયેલ તમામ વાટાઘાટો નિષ્ફળ પુરવાર થઈ છે.
સરકારના મત મુજબ નવા કૃષિ કાયદાથી ખેડૂતોને કોઈ તકલીફ નહી પડે પરંતુ ખેડૂતોના મનમાં જે મુદ્દા છે તેનું નિરાકરણ થાય તે જરૂરી છે. ખેડૂતોને જે મુદ્દા કનડે છે તેના પર નજર કરીએ તો,
કંપનીઓ અને ખેડૂતો વચ્ચે થયેલા કરાર અંગ્રેજીમાં હશે બધા ખેડૂતો આ કરારની એક એક કલમ સમજવાના નથી. કંપનીઓ ધારશે ત્યારે કરાર રદ કરી શકશે ને ખેડૂત એવું નહિ કરી શકે કારણ કે ખેડૂત કરારથી બંધાયેલો હશે.
કંપનીઓ ખેડૂતો સાથેેે ૨૦- ૨૫ વર્ષના કરાર કરશે ખેડૂતોના ખેતરમાંથી ખેડૂતને નવરો કરી દેશે પોતાના ખેતરમાં જ તેઓ ખેત મજૂર થઈને રહી જશે.
એ પણ શક્યતા નકારી શકાતી નથી કે ખેડૂતોના ખેતર પર કંપનીઓ શરતોને આધીન લોન ઉપાડશે અને પછી ૧૦ વર્ષ સુધી લોન ન ભરી કંપનીઓ કરાર રદ્દ કરી જતી રહેશે તો આ લોનની ભરપાઈ કોણ કરશે... ?
ભૂતકાળમાં પેપ્સીકો કંપની અને બટેટા ઉત્પાદક ઉત્તર ગુજરાતના ખેડૂતોનો કિસ્સો જગ જાહેર છે પેપ્સીકો કંપનીએ ખેડૂતો પર ૪.૪૫ કરોડનો દાવો કર્યો. ભારતભરના ખેડૂત સંગઠનો ખેડૂતોની મદદે આવ્યા હાઇકોર્ટમાં મામલો ગયો અને છેલ્લે કંપનીએ પાછું વળવું પડયું...
આમ, આ મુદ્દા સહિતના અન્ય મુદ્દે ખેડૂતોના મનમાં અનેક શંકા- કુશંકાઓ પ્રવર્તી રહી છે. તેના નિરાકરણ માટે ચોક્કસ પગલાની જરૂર છે. સંઘર્ષથી આ મુદ્દાનું નિરાકરણ આવે તેવી શક્યતા જણાતી નથી...
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nk5XaG
ConversionConversion EmoticonEmoticon