- વીજચોરી અને ગેરરીતિને કારણે જે વીજક્ષેત્રમાં ખોટ આવે છે તેનું ભારણ અન્ય ગ્રાહકો ઉપર આવે છે
(ગતાંકથી ચાલુ)
વીજચોરી અને તેના સંસ્થાપનોમાં (Installation) આચરવામાં આવતી ગેરરીતિ અંગે ઈન્ડીયન ઈલેક્ટ્રીસીટી એક્ટ - ૨૦૦૩માં કલમ-૧૨૬ ગેરરીતિ માટે અને ૧૩૫ વીજચોરી માટેની કલમો છે. આ અંગે કાયદાની જોગવાઈઓનું અમલીકરણ કઈ રીતે કરવું તે ઈલેક્ટ્રીસીટી નિયમો હેઠળ કરવામાં આવેલ છે. પ્રથમ આપણે કલમ-૧૨૬માં ગેરરીતિ / અન અધિકૃત ઉપયોગ અંગે જોઈએ તો, કોઈપણ ગ્રાહકના કનેક્શનની તપાસણી દરમ્યાન મૂળ કનેક્શન સાથે જોડાયેલ સાધનો (Devices)ની તપાસ કર્યા પછી આકારણી અધિકારી (Assessing Officer) પ્રાથમિક તારણ ઉપર આવે એટલે કામચલાઉ રીતે (Provisional) અનઅધિકૃત રીતે ઉપયોગ કરેલ વીજ પુરવઠા અંગે તમામ પાસાંઓની ચકાસણી કરીને આકારણી કરીને પુરવણી બિલ (Supplementary Bill) સ્થળ ઉપર તેમજ સ્થળ ઉપર જગ્યાનો કબજો ધરાવતી વ્યક્તિને બજાવશે અને સબંધિત વ્યક્તિને પુરવણી બિલ સામે વાંધો હોય તો રજૂઆત કરવા માટે હક્કદાર છે અને આકારણી અધિકારીએ રજૂઆત / સાંભળવાની તક આપ્યા પછી ત્રીસ દિવસની અંદર આખરી હુકમ કરવાનો છે અને ફાયનલ કરેલ રકમ, હુકમ બજાવ્યા તારીખથી સાત દિવસની અંદર ભરપાઈ કરવાની છે. હવે આકારણી કરનાર અધિકારી કોણ હોય તો - હાલ જે રાજ્ય સરકારની ચાર વીજ વિતરણ કંપનીઓ છે. તેના પેટા વિભાગના ડેપ્યુટી / આસિસ્ટન્ટ એન્જીનીયર તેમજ વિજીલન્સ વિભાગના એન્જીનીયરનો સમાવેશ થાય છે. તે જ રીતે ટોરેન્ટ સુરત અને અમદાવાદમાં વીજ વિતરણ કંપની છે તો તેમાં આસિસ્ટન્ટ / ડેપ્યુટી મેનેજરનો સમાવેશ થાય છે.
આમ તો વિજળીના અનઅધિકૃત ઉપયોગના સમયગાળાની ગણતરી જો ચોક્કસ સમય હોય તો તે સમયગાળાની આકારણી કરવાની થાય છે અને ત્રણ માસ માટેનું સરેરાશ વપરાશ ઘરગથ્થુ અને ખેતી માટે, જો સમય નક્કી થાય તેમ ન હોય તો તપાસની તારીખથી છ માસના સમયગાળાનું Consumption વપરાશ ગણીને આકારણી કરવાની હોય છે. આકારણી અધિકારીના હુકમ સામે અપીલ થઈ શકે છે. પરંતુ આકારણીની રકમની ૫૦% રકમ ભરપાઈ થયેથી અપીલ સત્તાધિકારી નિર્ણય કરી શકે છે. આ માટે પણ સરકાર દ્વારા સબંધિત કંપનીઓ મુજબ અપીલીય સત્તાધિકારી નક્કી કરવામાં આવ્યા છે.
ઈલેક્ટ્રીસીટી એક્ટમાં કલમ-૧૩૫ વીજચોરી અંગેની છે અને તે મુજબ કોઈપણ વ્યક્તિ, અપ્રામાણિક રીતે લાયસન્સી એટલે કે વીજ વિતરણ કંપનીના આવરહેડ, અંડરગ્રાઉન્ડ, અંડરવોટરલાઈન, કેબલ, સવસ સાથે જોડાણ કરે અથવા કરાવડાવે અથવા ઈલેક્ટ્રીસીટીના ચોક્કસ વીજભાર, (Electric Load) અથવા મીટર સાથે દખલગીરી (Tempering) થાય તેવા મીટર સાથે ચેડાં કરે, મીટર રીવર્સીંગ, ટ્રાન્સફોર્મર સાથે લુપ કનેકશન અથવા કોઈપણ પ્રકારના ડીવાઈસથી ઈલેક્ટ્રીસીટીનો અનઅધિકૃત રીતે ઉપયોગ / ચોરી થાય અથવા તે આચરવા ઈલેક્ટ્રીક મીટર, ઈલેક્ટ્રીક સંસ્થાપનોનું નુકશાન પહોંચાડે અથવા નાશ કરે તેમજ ચેડા કરેલ મીટરનો ઉપયોગ કરી, વીજળી વાપરે, તેમજ જે હેતુ માટે વીજળી વાપરવા આપેલ હોય તે કરતાં બીજા હેતુ માટે તેનો ઉપયોગ કરે તો આવી વ્યક્તિને ત્રણ વર્ષની મુદ્દત સુધી કેદની અથવા દંડની અથવા બંને શિક્ષાને પાત્ર છે. પરંતુ જો વીજચોરીના આચરણમાં જે લોડ મંજૂર કરેલ હોય તે કરતાં કાઢી લીધેલ (Abstract unauthorisedly) કે વાપરવાનો પ્રયત્ન કરેલ હોય તો ૧૦ કિલો વોટથી વધુ ન હોય તો પ્રથમ વખત દોષિત ઠર્યેથી દંડના ત્રણ ગણા કરતાં ઓછો હોવો જોઈએ નહિ અને પછીના કિસ્સામાં છ ગણા કરતાં ઓછો હોવો જોઈએ નહિ, આજ રીતે ૧૦ કિલો વોટથી વધારાના કિસ્સામાં પ્રથમ વખત દોષિત ઠર્યેથી ત્રણ ગણા કરતાં ઓછો નહિ અને બીજા અને પછીના કિસ્સામાં છ ગણા કરતાં ઓછા નહિ અને પરંતુ પાંચ વર્ષ સુધી લંબાવી શકાય તેટલી કેદની સજા અથવા છ ગણો નાણાંકીય લાભ જેટલો દંડ લેવામાં આવશે.
આમ ઉક્ત ગેરરીતી અને વીજચોરીની જોગવાઈઓ પ્રાથમિક તબક્કે સામાન્ય જનતાને / ગ્રાહકોને સમજાય તે માટે જણાવવામાં આવી છે. આ અંગે છેવટે ઈલેક્ટ્રીસીટી એક્ટ અને નિયમોમાં જે અદ્યતન સુધારા કરવામાં આવ્યા તે લાગુ પડે છે. આ ફક્ત પાયાની કાયદાકીય જોગવાઈઓ વર્ણવી છે. વીજચોરી અને ગેરરીતિને કારણે જે વીજક્ષેત્રમાં ખોટ આવે છે તેનું ભારણ અન્ય ગ્રાહકો ઉપર આવે છે. જેથી સૌએ નિતીમતાનું આચરણ કરવું જરૂરી છે અને વીજ વિતરણ કંપનીઓ પણ ચોરી અને ગેરરીતિ આચરનારા ગ્રાહકો સામે દાખલારૂપ કાર્યવાહી કરે તે જરૂરી છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gK4Qyl
ConversionConversion EmoticonEmoticon