ચિઠ્ઠી ચપાટી .


હું નિશાળમાં ભણતો નાનકડો વિદ્યાર્થી હતો ત્યારથી મને એક વાતની બહુ નવાઈ લાગતી હતી. મારા પપ્પા ચિઠ્ઠી લખવા માટેની રફ કાગળની એક નોટપેડ રાખતા હતા. અવારનવાર એ કોઇને અને કોઇકને ચિઠ્ઠી લખ્યા કરતા હતા અને એમની ચિઠ્ઠી મારે મારે (વટ) હુક્મ જેવી હતી. અલબત મારી એવી માન્યતા હતી.

મારી મમ્મી સવાર સવારમાં ખાંડ, ગોળ કે ઘઉંનો લોટ કે એવી વસ્તુ ખલાસ થઇ ગયાનું અલ્ટીમેટમ આપે એટલે પપ્પા એમની ચિઠ્ઠી ચપાટી માટેની ડાયરી કે નોટમાં કરિયાણાના વેપારીને ચિઠ્ઠી લખીને નોકર સાથે એ ચિઠ્ઠી કરિયાણાની દુકાનના વેપારીને મોકલી આપે.

મને નવાઈ લાગે કે ચીજવસ્તુના પૈસા આપ્યા વિના ફક્ત પપ્પા ચિઠ્ઠી લખે તો કામ થઇ જતું હશે ?

મારી નવાઈની વચ્ચે સાંજ સુધીમાં કોઈ છોકરો થેલામાં મમ્મીએ મંગાવેલી બધી જ જરૂરની સામગ્રી લઇને હાજર થઇ ગયો હોય.

હું હાજરહોઉં તો એકીટશે જોયા કરું કે હમણાં જ છોકરો આ બધી ચીજવસ્તુના પૈસા માગશે. એ થોડીવાર રાહ જોતો ઊભો રહ્યો હોય.પણ મમ્મી કશા જ રઘવાટ વિના મંગાવેલી બધી ચીજવસ્તુના પેકેટ કે થેલી ગણી લે.

છોકરો પૂછે - બહેન બધું બરાબર છે ને ?

'હા, હવે જા'

અને છોકરો જેવો આવ્યો તેવો જ કશા હાવભાવ વિના ચાલ્યો જાય.

અને મારા પપ્પાની મોટાઈ કે 'લાગવગ' વિશે ત્યારથી જ માન થઇ ગયું હતું કે પપ્પાનો હુક્મ બધે ચાલે છે. બધે એટલે ? મારી નજર પહોંચે ત્યાં.

મારી સ્કૂલના એક શિક્ષક મને વારેવારે બહુ પજવતા હતા. મારા હોમવર્કમાં કંઇ કંઇ ભૂલો શોધ્યા કાઢીને મને દબડાવતા મારા પ્રગતિ પત્રકમાંય એ શેરો મારતા અને વીકની નીચે અન્ડરલાઈન કરતા મને ખૂબ ગભરાટ થતો. પપ્પા મારું પ્રગતિપત્રક જોશે તો ?

અને એ જુએ કે તરત મારા પર 'ડફોળ, નાલાયક, રખડેલ' એવા વિશેષણોનો ગોળીબાર થાય.

મારી મમ્મી વચમાં ઢાલ બનવા પ્રયત્ન કરે. પપ્પાને કશુંક સમજાવે ને શાંત પાડે.

કદાચ મારી મમ્મીની સમજાવટથી પપ્પાએ મારા એ ટીચર પર જે મને ટીચ ટીચ કર્યા જ કરતો હતો.

ચિઠ્ઠી લખી કે મળી જજો. ચિઠ્ઠીમાં એમણે વધુ લખ્યું હશે તે ચિઠ્ઠીનો ચમત્કાર થયો. સ્કૂલ છૂટયા પછી ટીચરે મને વેઇટ થવાનું કહ્યું. હું ગભરાટથી ઉભો રહી ગયો.

ટીચરે મારા ખભે જરા હાથ મૂક્તાં પૂછ્યું ઃ 'તારા પપ્પા ક્યારે મળી શકે ?'  એમના શબ્દોમાંથી સ્નેહ વરસતોહતો.

મેં પપ્પાને મળવાનો ટાઈમ આપ્યો કે એ સાંજે જ ટીચર મારા પપ્પાને મળવા આવ્યા. મારા આશ્ચર્યનો પાર નહિ. કઠોરતાની મૂર્તિ જેવા ટીચર મુલાયમ લાગ્યા.

એ પપ્પાને મળ્યા. પપ્પા સાથે કશીક મસલત કરી. પપ્પાએ જરા તાકીદ કરી તેમ ઓ.કે. ઓ. કે. કહીને સ્વીકારી લીધી.

બીજા જ દિવસથી એમનું મારે માટે ટયુશન શરૂ થયું. કઠોર સ્વભાવના ટીચરની વાણીમાંથી મારા પર 'ડાયાબીટીશ' થાય એવી મીઠી નમ્રતા વાણી વરસવા માંડી.

પપ્પાની ચિઠ્ઠીનો ચમત્કાર મને બહુ નવાઈ પમાડી ગયો.

પપ્પા પાસે કોઈ કોઇવાર કોઇકને કોઇક ગરજવાન ચિઠ્ઠીલેવા આવતો. એમની ખુશામત કરતો આજીજી ય કરતો અને મારા પપ્પા થોડીક વાતચીત (ઉલટ તપાસ) કરી તેને ચિઠ્ઠી લખી આપતા.

પપ્પાએ આવા અનેકને ચિઠ્ઠી લખી આપતા મેં જોયા છે અને પપ્પા માટે મારા માનની માત્રા વધતી ગઈ છે. મારા પપ્પા કોઈ મોટા માણસ જરૂર હશે એટલે જ બધા એમની પાસે કંઇને કંઇ કામ કઢાવવા ચિઠ્ઠી માગવા આવે છે.

પપ્પાએ ચિઠ્ઠી લખી આપ્યા પછી એ માણસનું કામ પત્યું હશે કે નહિ તેનો મને કશો અંદાજ નથી. પણ કેટલાક ચિઠ્ઠી લઇ ગયા પછી પાછા ફરકતા નહિ. એમનું કામ થઇ ગયું હશે કે ચિઠ્ઠી ચાલી નહિ હોય તેનો મને ઝાઝો વિચાર એ ઉંમરે આવતો નહિ.

ગમે તેમ પણ નામી ચિઠ્ઠી લેખક તરીકે એ મારા મનમાં ધીમેધીમે વિકસતા ગયા.

અને હું ? હું ય મોટો થયો છું સારી નોકરી છે અને મનેય ચિઠ્ઠીમાં લખ્યાનો અભરખો વારસામાં મળ્યો છે.

(આવતા અંકે પુરુ)



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3adnKwe
Previous
Next Post »