૨૦૨૦નુંવર્ષ પૃથ્વીવાસીઓ માટે રોમાંચક સફરસમું રહ્યું છે. કોરોનાની ઝપેટમાં ન આવી જવાય તેની હરપળ ધ્યાન રાખીને કામ કરવાનું છે, ઘરની બહાર નીકળવાનું છે એવામાં એક એવા સમાચાર વહેતા થયા કે, ધાતુના એક થાંભલા, જેને 'મોનલિથ' કહેવાય, તે અમેરિકાના યૂટાના રણપ્રદેશમાં દેખાયો અને૨૪ કલાકમાં ગાયબ થઈ ગયો! આશ્ચર્ય શમે એ પહેલા તો બીજા એક સમાચાર મળ્યા કે તે થાંભલો હવે યૂરોપના રોમાનિયામાં પડયો છે. આ ધાતુનો થાંભલો સામાન્ય લોકોથી સંશોધનકર્તાઓ સુધી ચર્ચાનો મુદ્દો બન્યો. કોઈએ તેને કળાત્મક કિર્તીસ્તંભ કહ્યો તો કોઈએ એલિયનનું કામ છે તેમ કહી દીધું. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આવી કળાકૃતિ અમેરિકન કલાકાર જોન મેક્નન બનાવે છે જેમનું તો ૨૦૧૧માં મૃત્યુ થઈ ચૂક્યું છે! સોશિયલ મીડિયામાં આ ધાતુના થાંભલાના ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે. સિલ્વન ક્રિસ્ટેનસન નામના ભાઈએ દાવા સાથે કહ્યું કે, તેણે ત્રણ લોકો સાથે મળીને ૧૨ ફૂટના આ થાંભલાને હટાવ્યો હતો! બાકી બધી વાતો મિથ છે.
જોકે, જુદી જુદી જગ્યાએ દેખાયેલા આ મોનલિથનું સાચું કારણ હજુપણ અકબંધ છે.
હરણના શિકારીને એક વર્ષ સુધી ડિઝનીની ફિલ્મ જોવાની સજા!
અમેરિકાના ડેવિડ બેરી નામના એક ભાઈ અને તેના પરિવારે દક્ષિણ મિસૌરીના જંગલમાં ફરતા હરણનો ગેરકાયદેસર શિકાર કર્યો. તેનો પરિવાર એટલે દીકરો ડેવિડ બેરી જૂનિયર અને દીકરી કેલી બેરી. હરણનો શિકાર કરવાનું કામ તેમણે ૯ વર્ષ સુધી ચાલુ રાખ્યું. તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે, શિકાર પાછળનું કારણ બીજું કંઈ નહીં, તેમનો ઈગો હતો! અહંમ સંતોષવા માટે મૂંગા પશુઓને મારતો હતો બેરી પરિવાર.
મિસૌરી ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝર્વેશનના ડિવીઝન ચીફ રેન્ડી ડોમને જણાવ્યું કે, તેઓ હરણના માથાને ટ્રોફી માનતા હતા. હરણના શિંગડાને પોતાની શાન સમજતા હતા. આવી વિકૃત માનસિકતા કાઢવા જજ રોબર્ટ જોજ નેબેરીએ આ ગૂનેગારોને વિચીત્ર સજા સંભળાવી. એક વર્ષ જેલવાસ દરમ્યાન તેમને દર મહિને ઓછામાં ઓછી એક વખત ડિઝ્નીની ક્લાસિક ફિલ્મ 'બોમ્બી' જોવાનું કહેવામાં આવ્યું! વર્ષ ૧૯૪૨માં બનેલી 'બોમ્બી' ફિલ્મ ઓસ્ટ્રેલિયન લેખક ફેલિક્સ સેલ્ટેનના પુસ્તક 'બોમ્બી, અ લાઈફ ઈન ધ વૂડ્સ' પર આધારિત છે જેમાં બાળહરણની વાર્તા કહેવામાં આવી છે. જજે વિચાર્યું હશે કે, કદાચ ફિલ્મ જોઈને પશુઓ પ્રત્યે માનવતા જન્મે બેરી પરિવારમાં!
અંતરિક્ષમાં ઉગેલા મૂળાનું શાક ખાવું છે?
અવકાશયાત્રી કેટ રુબિન્સ મૂળાભાજી ૨૦૨૧માં પૃથ્વી પર લઈ આવશે. તે માટે તેણે તેના ૨૦ છોડ પેક કરીને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દીધા છે!
વિજ્ઞાાન દ્વારા થઈ રહેલી પ્રગતિની વાત કરવી હવે સામાન્ય લાગે છે. વૈજ્ઞાાનિકો દિવસ-રાત અત્યારે જેમ કોરોના વેક્સિનની રસી માટે મથી રહ્યા છે, ટ્રાયલ કરી રહ્યા છે, તેમ વર્ષોથી, દરરોજ અવનવી શોધો પણ થઈ રહી છે. વાત એમ છે કે, નાસાની અવકાશયાત્રી અને ફ્લાઇટ એન્જિનિયર કેટ રુબિન્સએ પહેલી વાર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં મૂળીના પાકની લણણી કરી છે!
આપણે એટલો તો ખ્યાલ હતો કે સારા નિતારવાળી, ઉડી, ભરભરી અને ગોરાડું જમીન મૂળાના પાકને વધુ માફક આવે છે, પણ ઉપર - સ્પેસમાં પણ મૂળા ઉગી શકે અને તે મૂળાભાજી ખાઈ શકાય તે પહેલી વાર સાંભળ્યું. નાસાએ અંતરિક્ષમાં પહેલી વાર મૂળાની વાવણી કર્યાની વાત શેર કરતા કહ્યું કે, વૈજ્ઞાાનિકોએ આ પાકનું નામ હેબિટેટ - ૦.૨ રાખ્યું છે. પોષક તત્ત્વો ધરાવનાર મૂળા અંતરિક્ષમાં ઉગાડવાનું સૌથી મોટું કારણ એ છે કે તે ૨૭ દિવસની અંદર તૈયાર થઈ જાય છે. નાસાએ જણાવ્યું કે, મૂળા વાવવામાં ખૂબ ઓછી દેખભાળની જરૂર પડે છે. સ્પેસના જે ચેમ્બરમાં તેની વાવણી થઈ છે ત્યાં લાલ, લીલો, નીલો અને સફેદ પ્રકાશ નાખવામાં આવે છે જેથી છોડનો ગ્રોથ સારો થાય. અંતરિક્ષમાં ઉગાડેલા મૂળાની સરખામણી ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરમાં ઉગાડેલી મૂળી સાથે કરવામાં આવશે. અને સાથે સાથે ધરતી પર ઉગાડવામાં આવતા મૂળા સાથે પણ તેની સરખામણી કરવામાં આવશે.
અવકાશયાત્રી કેટ રુબિન્સ આ મૂળા આવતા વર્ષે -૨૦૨૧માં પૃથ્વી પર લઈ આવશે. તે માટે તેણે તેના ૨૦ છોડ પેક કરીને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દીધા છે!
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37mqdTx
ConversionConversion EmoticonEmoticon