શ્રી રામાનજાચાર્યજીના સંગથી વિષયાસક્ત ધનુર્દાસ ભગવાન શ્રીરંગનાથનો ઉત્કૃષ્ટ ભક્ત બની ગયો!

- શ્રીરામાનુજાચાર્યના સમયગાળા દરમિયાન ત્યાં ધનુર્દાસ નામનો એક પહેલવાન રહેતો હતો. તેના બળ અને વિચિત્ર વર્તનને લીધે તે તેના પ્રદેશમાં વિખ્યાત હતો. હેમામ્બા નામની એક રૂપસુંદરી વેશ્યાના રૂપ પર મોહિત થઇ એને પોતાની પ્રિયતમા બનાવી ધનુર્દાસે પોતાના ઘરમાં રાખી હતી


કલ્પદ્રુમઃ કલ્પિતમેવ સૂતે સા કામધુક્ કામિતમેવ દોગ્ધિ ।

ચિંતામણિઃ ચિંતિતમેવ દત્તે સતાં હિ સંગઃ સકલં પ્રસુતે ।।

કલ્પવૃક્ષ કલ્પના કરી હોય તેટલું જ આપે છે. તે કામધેનુ ગાય કામના કરી હોય તેટલું જ દોહ્યા પછી આપે છે. ચિંતામણિ વિચાર્યું હોય તેટલું જ આપે છે. જ્યારે સત્પુરુષોનો સંગ બધું જ પ્રદાન કરે છે.

આ વાત શક્તિશાળી પહેલવાન ધનુર્દાસની બાબતમાં એકદમ સાચી સાબિત થઇ. 'સન્તઃ સંગસ્ય ભેષજમ્ - સન્તો સંગની ઔષધિ છે' એ વચન ધનુર્દાસ માટે રામાનુજાચાર્યના સંગમાં આવતાં યથાર્થ સિદ્ધ થયું. મદ્રાસ પ્રાન્તમાં ત્રિચનાપલ્લી પાસે ઉરયૂટ નામનું એક સ્થાન છે. એનું પ્રાચીન નામ નિચુલાપુરી છે. આ સ્થાન વૈષ્ણવોનું પવિત્ર તીર્થ છે. શ્રીરામાનુજાચાર્યના સમયગાળા દરમિયાન ત્યાં ધનુર્દાસ નામનો એક પહેલવાન રહેતો હતો.

તેના બળ અને વિચિત્ર વર્તનને લીધે તે તેના પ્રદેશમાં વિખ્યાત હતો. હેમામ્બા નામની એક રૂપસુંદરી વેશ્યાના રૂપ પર મોહિત થઇ એને પોતાની પ્રિયતમા બનાવી ધનુર્દાસે પોતાના ઘરમાં રાખી હતી. ધનુર્દાસ તે વેશ્યાના રૂપ પર એટલો બધો મોહિત હતો કે તેને પોતે જ્યાં જાય ત્યાં પોતાના પડછાયાની જેમ સાથે રાખતો. તેને આખો દિવસ સતત જોયા કરતો. એના રૂપનો દિદાર આંખોની સામે જ રહે એ માટે તે રસ્તા પર ચાલતો હોય ત્યારે પણ એનું મોં એની સામે રાખી પીઠ બાજુએથી પાછળ પગલાં ભરીને ચાલતો. એ રીતે ચાલતા પાછળ કોઈ સાથે અથડાઈ જવાય કે પડી જવાય એની પણ પરવા કરતો નહીં. રસ્તા પર આવી વિચિત્ર રીતે ચાલવાથી લોકો તેની નિંદા કરતા, તેના પર હસતા તોય તે તેમ કરતા અટકતો નહીં.

દક્ષિણ ભારતનું એક ઉત્તમ તીર્થ છે શ્રીરંગક્ષેત્ર. તે ત્રિચિનાપલ્લીની નજીકમાં જ આવેલું છે. વર્ષમાં ઘણીવાર ત્યાં મહોત્સવ થતા. દૂર દૂરથી યાત્રાળુઓ તેમાં ભાગ લેવા આવતા. એકવાર શ્રીરંગનાથનો વાસંતી મહોત્સવ (ચૈત્રોત્સવ) ચાલી રહ્યો હતો. ધનુર્દાસની પ્રિયતમા હેમામ્બાને તે મહોત્સવ જોવાની ઇચ્છા થઈ. ધનુર્દાસ તેને લઇને નોકર-ચાકરો સાથે નિચુલાપુરીથી શ્રીરંગ આવ્યો. તે બધા મહોત્સવ જોવા નીકળ્યા. રસ્તા પર ભીડ હતી અને ચૈત્ર માસની ગરમી પણ આકરી હતી. હેમામ્બાને ગરમીથી રાહત આપવા ધનુર્દાસ એના માથા પર છત્રી ધરી એનું મોં નીરખતા નીરખતા પારોઠના પગલાં ભરતો પરસેવે રેબઝેબ થઇને ચાલી રહ્યો હતો.

એ દિવસો દરમિયાન વિશિષ્ટા દ્વૈતવાદના પુરસ્કર્તા સ્વામી રામાનુજાચાર્ય શ્રીરંગમાં જ હતા. તે પણ મહોત્સવ નિહાળી રહ્યા હતા અને રસ્તા પર ચાલી રહ્યા હતા. તેમણે ધનુર્દાસને આ રીતે હેમામ્બાનું મુખ જોતાં જોતાં પાછળ પગલાં ભરી પીઠની દિશામાં ચાલતો જોયો અને ભારે કુતૂહલ અને વિસ્મય અનુભવી રહ્યા.

એના વિશે થોડી જાણકારી મેળવ્યા બાદ પોતાના એક શિષ્યને કહ્યું - એને જઇને કહે કે ત્રીજા પ્રહરમાં મઠ પર આવીને તે મને મળે. શિષ્યે ધનુર્દાસને તે આદેશ સંભળાવ્યો. ધનુર્દાસ આ મહાન આચાર્યને મળવાની તક ગુમાવવા માંગતો નહોતો. તે ત્રીજા પ્રહરમાં એમને મળવા મઠ પર પહોંચી ગયો. શ્રી રામાનુજાચાર્યે તેને તેના વિચિત્ર વર્તનનું કારણ પૂછયું. તેણે કહ્યું સ્વામીજી ! હું તે સ્ત્રીના સૌંદર્ય પર પાગલ જેવો થઇ ગયો છું. એને જોયા વિના મારાથી રહેવાતું જ નથી ! હું એને ન જોઉં તો બેચેન બની જઉં છું.

આચાર્ય રામાનુજાચાર્યજીએ તેને કહ્યું - 'હું તને એનાથી વધારે સુંદર મુખના દર્શન કરાવું તો ?' ધનુર્દાસે કહ્યું - 'જગતમાં મેં એવું કોઈ જોયું જ નથી. જોઉં પછી કંઇ કરી શકું.' આચાર્યજીએ તેને કહ્યું - સંધ્યા સમયે શ્રીરંગનાથજીની આરતીના સમયે તું મંદિરમાં આવીને મને મળજે. એકલો જ આવજે.' સંધ્યા સમયે તે મંદિરમાં પહોંચી ગયો. આચાર્ય રામાનુજાચાર્ય એનો હાથ પકડી તેને ભગવાન શ્રીરંગનાથના દિવ્ય સ્વરૂપની સન્મુખ લઇ ગયા. પોતાના દૈવી પ્રભાવથી ભગવાનના અસલ મૂળ સ્વરૂપના દર્શન કરાવ્યા.

કોટિ કંદર્પને લજાવે એવા મુખને નિહાળી, કામદેવની બધી કળાઓ ફિક્કી પડે તેવી શ્રીરંગ પ્રભુની સૌંદર્ય સુધાનો ધનુર્દાસના નેત્ર અને હૃદયમાં એવો અભિષેક થયો કે તે પળથી જ તેનો હેમામ્બાના સૌંદર્ય માટેનો મોહ છૂટી ગયો. તે હેમામ્બાને છોડી દેવા તૈયાર થઇ ગયો ત્યારે આચાર્યજીએ તેને કહ્યું - એવું ન કરીશ. એ ગણિકાવેશ્યા હતી. તારી પાસે આવીને તારી પ્રિયતમા બની ગઈ. તું છોડી દઈશ તો પાછી વેશ્યા બની જશે. એવું તો ના થવું જોઇએ. એ હવે સુધરી ગઈ છે. તેને તારી પત્ની બનાવી તારી સાથે જ રાખ. હવે તેને એના પર લૌકિક મોહ થાય એમ નથી. તમે બન્ને ભગવાન શ્રીરંગનાથજીની સેવા અને સ્મરણમાં સંલગ્ન થઇ જાઓ. અનન્ય ભક્તિ કરી તમારા જીવનને ધન્ય અને સાર્થક બનાવો.'

આચાર્ય રામાનુચાર્યજીની આજ્ઞાા શિરોધાર્ય કરી તેણે હેમામ્બા સાથે લગ્ન કરી લીધા. આદર્શ દંપતી બની બન્નેએ શ્રીરામાનુજાચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી અને તેમના શિષ્ય બની ગયાં. શ્રીરામાનુજાચાર્યના સંગથી બન્નેનું જીવન પરિવર્તિત થઇ ગયું. પહેલવાન ધનુર્દાસ ભક્ત ધનુર્દાસ બની ગયા. 'સઠ સુધરહિ સત સંગતિ પાઈ ! પારસ પરસ કુધાતુ સુહઈ ।।' એ પંક્તિ ધનુર્દાસ અને હેમામ્બા માટે યથાર્થ ચરિતાર્થ થઇ !



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pOAQF5
Previous
Next Post »