પ્રા ર્થના અને ધ્યાન વચ્ચેનો તફાવત બહુ સરસ રીતે પ્રસ્તુત કરતું એક સુવાક્ય વાંચ્યું હતું કે 'આપણે બોલીએ અને પ્રભુ સાંભળે એ પ્રાર્થના છે, તો પ્રભુ બોલે અને આપણે સાંભળીએ એ ધ્યાન છે' વાત એકદમ બંધબેસતી એટલા માટે છે કે પ્રાર્થનામાં વ્યક્તિ પોતાના મનોભાવોની અભિવ્યક્તિ શબ્દો દ્વારા કરે છે, જ્યારે ધ્યાનમાં એ સંપૂર્ણ મૌન રહી પ્રભુને સાંભળવાનો સમજવાનો પ્રયાસ કરે છે.
આપણે એ પૈકી પ્રાર્થના અંગે છેલ્લા લેખોથી વિચાર વિહાર કરી રહ્યા છીએ. આજે એમાં વિચારીશું પાંચ પૈકીની છેલ્લી બે પ્રાર્થનાઓ. એમાં ચોથાક્રમની પ્રાર્થના આ છે કે 'હે પ્રભુ ! અન્યો પર ઉપકાર કરવાની શક્તિ દેજે.'
જો વાસ્તવમાં અન્યો પર ઉપકારની શક્તિ પ્રાપ્ત કરવી હોય તો સર્વપ્રથમ સ્વાર્થની દ્રષ્ટિ ગૌણ કરવી રહે અને પરાર્થની દ્રષ્ટિ વિકસ્વર કરવી રહે. ચકાસીએ આપણી વૃત્તિ-પ્રવૃત્તિઓ કે એમાં સ્વાર્થનું પ્રમાણ કેટલું અને પરાર્થનું પ્રમાણ કેટલું ? વ્યવસાયમાં મહેનત કરી લાખોની કમાણી કરીએ એ પોતાના માટે, તો એ ચિક્કાર કમાણી એફ.ડી.કરીને રાખીએ એ ય પોતાના માટે; લાખોની રકમ અન્યોને તગડા વ્યાજ પર ધીરાણ આપીએ એ પોતાના માટે, તો અલગ અલગ ક્ષેત્રોમાં રકમનું રોકાણ કરીએ એ ય પોતાના માટે. સરેરાશ વ્યક્તિની મોટા ભાગની પ્રવૃત્તિમાં 'સ્વાર્થ' કેન્દ્ર સ્થાને હોય એવું સ્પષ્ટ પ્રતીત ઉપરોક્ત જેવી અનેક બાબતો દ્વારા થઇ શકે છે.
આમાં પરિવર્તન આવે અને ક્રમે ક્રમે પરાર્થદ્રષ્ટિ વિકસ્વર બને એ માટે તેવાં આલંબનો વારંવાર આત્મસાત્ કરવા જોઇએ. એ આલંબનો શાસ્ત્રવચન રૂપે હોય, સદ્ગુરુવચન રૂપે હોય, સુભાષિતવચનરૂપે હોય ને પ્રેરક ચિંતનરૂપે પણ હોય. આપણે અહીં એક સરસ ચિંતન દ્વારા પરાર્થદ્રષ્ટિ વિકસાવવનો ઉપક્રમ કરીએ:
સાગર-કૂવો-સરોવર અને સરિતાઃ આ ચારેય પાસે વિપુલ જલરાશિ હોય છે. પરંતુ એ દરેકની લાક્ષણિકતા અલગ છે. સાગર પાસે સૌથી વિરાટ જલરાશિ છે. પરંતુ ખારાશનાં કારણે એ એક પણ વ્યક્તિને તૃપ્તિ આપી શક્તો નથી: જાણે કે સ્વાર્થ અને સંગ્રહ જ એ એનો મુદ્રાલેખ હોય ? એના મુકાબલે કૂવાની સ્થિતિ થોડી સારી છે, છતાં ખામીભરેલી-દૂષણયુક્ત છે. કારણ કે એ પિપાસુ વ્યક્તિને જલદાન કરે છે ખરો. પરંતુ એ પહેલા કષ્ટ આપીને પરસેવો પડાવવાનું કામ કરે છે. એની પાસે આવનાર વ્યક્તિએ કૂવામાં ઊંડે સુધી બાલ્દી-ઘડો જવા દેવો પડે અને પાણી ભર્યા બાદ એને તાકાતથી ઉપર ખેંચવો પડે. તો જ કૂવા દ્વારા એને પાણી મળે: જાણે કે મહેનત કરાવીને આપવું એ એનો મુદ્રાલેખ હોય ?
કૂવા કરતાં સરોવરની સ્થિતિ બેશક સારી છે. કારણ કે એ પોતાની પાસે આવનાર એક પણ વ્યક્તિને તડપાવતું નથી. જરા ય મહેનત કરાવ્યા વિના-પસીનો પડાવ્યા વિના એ આગંતુકને તૃપ્તિ આપે છે. પરંતુ એની એક મર્યાદા છે કે તે એક સ્થળે સ્થિર રહે છે. જે ગામમાં હોય એનાથી બીજે ગામ એ જતું નથી. જ્યારે નદીની લાક્ષણિકતા સૌથી શ્રેષ્ઠ છે. એ મહેનત કરાવ્યા વિના તો આપે જ છે, ઉપરાંત એક ગામથી બીજે ગામ વહેતી રહીને એ સામેથી સહુને પોતાની જલસંપદાનું દાન કરવા જાય છે !
આ મસ્ત ચિંતન આપણને એ પ્રેરણા આપે છે કે જીવન સાગર જેવું સંગ્રહખોર-સ્વાર્થી ન બનવું જોઇએ, કૂવા જેવું તડપાવીને આપનારું ન જોઇએ, તળાવ જેવું પોતાને ત્યાં આવનારને જ આપનારુંય ન જોઇએ, બલ્કે નદીની જેમ સામે પગલે આપવા જનારું જોઇએ. આ પ્રેરણા હૃદયસ્થ થયા પછી સામે પગલે ઉપકાર કરવાની પરાર્થદ્રષ્ટિ કેવી સરસ વિકસ્વર બને એ જાણવું છે ? તો વાંચો અમારા ગત ચાતુર્માસ સ્થળ બોરીવલી-જામલીગલીસંઘમાં જાણવા મળેલ આ સત્ય ઘટના:
એ ચાતુર્માસમાં અમારી પાસે એક ભાઈ મળવા આવ્યા. વય એમનું સિત્તેર આસપાસ હશે. એ સરકારી બેન્કના નિવૃત્ત કર્મચારી હતા. 'પેન્શન'ની જે આવક હતી એમાંથી એમણે બે સેવાકાર્યો આરંભ્યા. એક કાર્ય હતું અબોલ જીવોની નિઃસ્વાર્થ સેવાનું. એમના ધર્મપત્ની નિત્ય સો રોટલી કૂતરાઓ માટે બનાવે. આ ભાઈ એ સો રોટલી અને દૂધ લઇને નીકળે. આસપાસના વિસ્તારોના કૂતરાઓને 'સેલ્ફ સર્વિસ' દ્વારા રોજ તેઓ ભરપેટ ભોજન કરાવે. સંપત્તિ પણ એમની અને સમયભોગ પણ એમનો. આ જેમ નોંધપાત્ર વિશેષતા હતી તેમ ઉપરોક્ત ચિંતનના સંદર્ભની નોંધપાત્ર વિશેષતા એ હતી કે તેઓ નદીની જેમ સામે પગલે જઇને સેવા આપતા હતા. નિત્ય સો-સો રોટલી સ્વખર્ચે એ જ પરિવાર બનાવે અને વિતરણ એ જ પરિવાર કરે ે નાનું સેવાકાર્ય ન ગણાય. 'લોકડાઉન' આવ્યું ત્યાં સુધી એમની સેવા ઉપરોક્ત રીતે જારી હતી. હવે એનું સ્વરૂપ જરા બદલાયું છે.
બીજી એમની સેવા છે સદવાંચન વિસ્તાર અભિયાનની. વર્તમાનપત્રમાં એક નાનકડા સમાચાર આપીને એમણે એવી વ્યક્તિઓનું જૂથ રચ્યું છે જે સદ્વાંચનની શોખીન હોય. આવી વ્યક્તિઓને તેઓ, ભેટ મળેલ પુસ્તકોને પૂંઠાં ચડાવી પોષ્ટથી સ્વખર્ચે પાઠવે છે. પરોપકારની નિઃસ્વાર્થભાવનાને નદીનાં સ્તરે લઇ જનાર એ પુણ્યવાનનું નામ છે પ્રવીણભાઈ. સાવ સામાન્ય જણાતી આવી વ્યક્તિઓની ઉદાત્ત વિચારશૈલી પેલી પંક્તિઓને સત્ય પુરવાર કરે એવી હોય છે કે:
ચાહ નહિ ઇતિહાસોકિ, સ્યાહી મેં નામનિશાન રહે,
ચાહ નહિ જગ કે ગીતો મેં, મેરા ગૌરવ ગાન રહે;
ચાહ યહી હૈ મેરે મુખ મેં, પ્રભુકા મંગલ નામ રહે,
પરોપકાર કે પાવન પથમેં, બસ મેરા વિશ્રામ રહે.
'પ્રભુ ! અન્યો પર ઉપકાર કરવાની શક્તિ દેજે' એવી પૂર્વોક્ત પ્રાર્થના આપણને આ ભાવનાપૂર્વકનો નદીનાં સ્તરનો પરોપકાર કરાવવા સુધી લઇ જનાર નીવડો...
પાંચમા અને અંતિમ ક્રમની પ્રાર્થના છે કે 'હે પ્રભુ ! દરેક ઘટનાઓમાં મને 'પોઝિટીવ' અભિગમ આપજે.' પોઝેટીવ અભિગમ એટલે હકારાત્મક વિચારધારા. નિષ્ણાત તબીબોને પૂછવામાં આવે તો એમનો અનુભવ તેઓ એમ જણાવશે કે 'રોગ કેવો છે એના કરતાં ય દર્દીનો અભિગમ કેવો છે એ રોગને મહાત કરનારું મહત્ત્વનું પરિબળ છે' ધારો કે રોગ આકરો-પીડાદાયક હોય. પરંતુ વ્યક્તિની જિજીવિષા એકદમ પ્રબળ હોવાથી એ સતત 'પોઝીટીવ એપ્રોચ' રાખે તો એ રોગનો પ્રતીકાર વધુ સરસ કરી શકે. એથી વિપરીત સામાન્ય રોગોમાં જે વ્યક્તિ 'નેગેટીવ એપ્રોચ' ધરાવે એ રોગનો મુકાબલો સારી રીતે કરી ન શકે. એની નકારાત્મકતા-હતાશા સામાન્ય રોગોમાં ય એની હાલત નબળી કરી દે.
માત્ર રોગના ક્ષેત્રે જ નહિ, જીવનના હર કોઈ ક્ષેત્રે 'નેગેટીવ એપ્રોચ' ધરાવનાર વ્યક્તિ નબળી પુરવાર થાય અને નાસીપાસ થાય. જ્યારે 'પોઝીટીવ એપ્રોચ' ધરાવનાર વ્યક્તિ તે તે ક્ષેત્રોમાં સબળ પુરવાર થાય અને મક્કમતાથી ટકી રહેનાર બને. એક ઘડા જેટલું પાણી પી જવાય એવી તીવ્ર સખત તરસ લાગી હોય અને પાણી માત્ર અર્ધો ગ્લાસ જ મળે તો 'નેગેટીવ એપ્રોચ' ધરાવનાર વ્યક્તિ હતાશ જ થશે કે સાવ ઓછાં આ પાણીથી તૃષા ક્યાં છિપાશે ? પણ એ જ સ્થિતિમાં 'પોઝીટીવ એપ્રોચ' ધરાવનાર વ્યક્તિ ઉત્સાહિત રહેશે કે પાણીનું એક બુંદ મળતું ન હતું ત્યાં અર્ધો ગ્લાસ પાણી તો મળ્યું. એનાથી થોડી રાહત કામચલાઉ સ્તરે મળી જશે. ત્યાં સુધીમાં નવી વ્યવસ્થા થઇ જશે. પોઝેટીવ એપ્રોચની આ કમાલ છે. એનાથી વ્યક્તિ વિપરીત ઘટનાને પણ કેવી સહજ સ્વીકાર્ય બનાવી દે એ જાણવું છે ? તો વાંચો આ મજાની પ્રેરક ઘટના:
એક અજૈન ભાઈ જીવનમાં પ્રથમવાર જ કોઈ જૈન ગુરુ ભગવંતના સત્સંગ માટે ઉપાશ્રયે આવ્યા. અર્ધો-પોણો કલાક ધર્મચર્ચા કરી એ સંતુષ્ટ થયા. પરંતુ એ ઉપાશ્રયહૉલની બહાર આવ્યા ત્યાં વિચિત્ર વાત બન્યાનો ખ્યાલ આવ્યો. કોઈ ચતુર ચોર ભાઈના નવાનકોર મોંઘા બૂટની જોડી ચોરી ગયો હતો. ગુરુભગવંતે એ જાણ્યું એટલે એમને વિષાદ થયો કે 'જીવનમાં પ્રથમવાર જ ઉપાશ્રયે આવેલ આ ભાગ્યવાનનાં મનમાં જૈનો માટે એવી છાપ ઉપસશે કે અહીં લેભાગુ ચોર જેવા લોકો જ આવતા હશે.'
પણ બન્યું સાવ અલગ જ. પેલા અજૈન ભાઈ ખૂબ સમજદાર - 'પોઝેટીવ એપ્રોચ'ના માલિક હતા. એમણે ગુરુભગવંતને કહ્યું: 'સારું થયું બૂટ ગયા તે. મારા ઘરે તો આવી બીજી ચાર નવીનકોર જોડ છે જ. એથી મને જરા ય વાંધો નહિ આવે. જ્યારે જે આ જોડ લઇ ગયો હશે એને એ ઉપયોગી થશે. એની જરૂરિયાત મારી ચીજથી પૂર્ણ થશે એનો મને આનંદ છે.' ગુરુભગવંત દંગ થઇ ગયા એ અજૈનભાઈના આ અદ્ભુત 'પોઝીટીવ' એપ્રોચથી.
આપણે કમ સે કમ એટલું નિશ્ચિત કરી લઇએ કે નાની નાની વાતોમાં મનને 'નેગેટીવ' ન બનવા દઇએ. જેમ કે ચા મોળી આવે તો અકળાવાના બદલે એ 'પોઝીટીવ' વિચારવું કે કાંઈ વાંધો નહિ, ડાયાબીટીસ નહિ વકરે. રીક્ષા ન મળતાં દશ-પંદર મિનિટ ચાલવું પડે તો એમ વિચારવું કે સારું થયું, તંદુરસ્તી મજબૂત થશે. કોઈ સામાન્ય કર્મચારી સો-બસો રૂપિયા વધારે લઇ ગયો તો છેતરાયાનું મહેસૂસ કરવાના બદલે એ હકારાત્મકતા રાખવી કે ભલે એ રૂપિયા વધુ ગયા. એ નાની વ્યક્તિને આ રકમ જિંદગી જીવવામાં થોડી સહાય કરશે. આવી આવી નાની બાબતોના 'પોઝીટીવ' અભિગમો જીવનમાં ઘણી મોટી શાંતિ-સમાધિ સ્થાપી દેશો.
છેલ્લે 'પોઝેટીવ એપ્રોચ'ના સંદર્ભમાં એક મસ્ત પ્રેરક વાક્ય: મેદાનમાં હારનારા હજુ પણ જીતી શકે છે,
કિંતુ મનથી હારનારા કદી જીતી શક્તા નથી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34VJwRZ
ConversionConversion EmoticonEmoticon