સુપર ટેલેન્ટેડ બાળકલાકાર લીલી એસ્પેલ


બો લિવૂડના સુપર સ્ટાર સલમાન ખાન સાથે બજરંગી ભાઇજાન ફિલ્મમાં મૂગી પાકિસ્તાની બાળકીનો રોલ કરનારી હર્ષાલી મલ્હોત્રા તમને યાદ હશે. એક મુલાકાતમાં સલમાન ખાને કહેલું કે ખરી સુપર સ્ટાર હર્ષાલી છે.  'બાર વર્ષની આ ટીનેજર બાલિકાએ પરાકાષ્ઠાનાં દ્રશ્યોમાં માત્ર 'મા...મ્મા'  એટલાજ શબ્દો બોલવાના હતા. બાકી આખી ફિલ્મમાં એણે મૂગા રહેવાનું હતું. જન્મથી મૂકબધિર હોય એને માટે મૂગા રહેવું એ સ્વાભાવિક ઘટના છે. આ બાળકી તો નોર્મલ હતી અને એણે મૂગી બાળકીનો રોલ કરવાનો હતો... ઇટ્સ નોટ ઇઝી ફોર અ ટીનેજર ટુ કીપ મમ ઓલ ધ વે... 

ડિટ્ટો લીલી એસ્પેલ. માત્ર નામમાં ફરક છે. હર્ષાલી ભારતીય છે, લીલી સ્કોટિશ છે. લીલી પણ બાર વર્ષની હતી. ૨૦૧૭ની સુપરહિટ નીવડેલી ફિલ્મ વન્ડર વૂમનની સિક્વલ વન્ડર વૂમન ૧૯૮૪માં લીલીએ મૂળ ઇઝરાયેલી અભિનેત્રી ગેલ ગેડોટના બાળપણનો રોલ કર્યો છે. લીલી એટલી બધી હિંમતવાન છે કે વન્ડર વૂમન ૧૯૮૪ના બધા સ્ટંટ એણે જાતે કર્યાં છે. આ જેવી તેવી ચેલેંજ નહોતી. અમેરિકી ડીસી કોમિક્સના એક પાત્ર પરથી અગાઉ સુપરમેન, આયર્નમેન વગેરે ફિલ્મો બની અને એ ફિલ્મોએ ટિકિટબારી પર ટંકશાળ પાડી. એટલે સુપરહીરોની જેમ સુપરવૂમન ફિલ્મ બનાવવાનું નક્કી થયું. ૨૦૧૭માં વન્ડર વૂમન ફિલ્મ બની અને એ પણ એના સર્જકો માટે ટંકશાળ બની રહી એટલે એની સિક્વલ બનાવવામાં આવી. 

આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ડાયનાના બાળપણની ભૂમિકા લીલીએ ભજવી છે. ફિલ્મનું શૂટિંગ ચાલુ થયું ત્યારે એક દિવસ ફિલ્મના સ્ટંટ ડાયરેક્ટરે મુખ્ય ડાયરેક્ટર પેટ્ટી જેન્કીન્સને કહ્યું કે લીલીના સ્ટંટ ભજવી શકે એવા બાળ કલાકાર મળવા મુશ્કેલ છે. મેં સ્ટંટ આટસ્ટ પૂરા પાડતા એજન્ટો સાથે વાત કરી. એ સમયે લીલી બોલી ઊઠી, મને શીખવો. મારા સ્ટંટ હું જાતે કરીશ. ગેલ ગેડોટ પણ સાંભળતી હતી. ગેલ પાંત્રીસ વર્ષની છે અને વન્ડર વૂમનના સ્ટંટ માટે એણે આકરી તાલીમ લીધી હતી.

એને લીલીની હિંમત સ્પર્શી ગઇ. એણે સ્ટંટ ડાયરેક્ટરને કહ્યું આ છોકરીને તૈયાર કરો. હું એનો ઉત્સાહ વધારવા હાજર રહીશ. લીલીએ ધીરજભેર અને પૂરેપૂરા ખંતથી સ્ટંટની તાલીમ શરૂ કરી. એની ગ્રહણ શક્તિ જોઇને સ્ટંટ ડાયરેક્ટર પણ ખુશ થઇ ગયા. વાતવાતમાં લીલીએ ગેલ ગેડોટને કહ્યું કે મારા માટે તો તમે પ્રેરણાદાતા છો. મેં વન્ડર વૂમન ફિલ્મ જોઇ ત્યારે મને થયું કે મારે પણ આવું કંઇક કરવું જોઇએ. સદ્ભાગ્યે મને તમારી સાથે ફિલ્મની સિક્વલ કરવાની તક મળી. હું સ્ટંટ કરીને બતાવીશ.

એણે ખરેખર ઘોડેસવારી અને ભાલાફેંકની આકરી તાલીમ લીધી. ઘોડો દોડાવતાં દોડાવતાં બીજે હાથે ભાલો ફેંકવાથી માંડીને જમીન પર ઊભા રહીને સંવાદની સાથે ભાલો ફેંકવાનાં એનાં દ્રશ્યોએ થિયેટરોને તાળીના ગડગડાટથી ગજવી દીધાં. ખુદ ગેલ ગેડોટ પણ સ્કોટલેન્ડની આ બાળાથી ખૂબ પ્રભાવિત થઇ. અમેરિકામાં ગયા સપ્તાહે આ ફિલ્મ રજૂ થઇ ચૂકી છે અને ગેલ ગેડોટ કરતાં પણ કેટલાંક દ્રશ્યોમાં લીલી ઓડિયન્સ પર છવાઇ જાય છે. 

જો કે લીલીએ પોતે મિડિયા સમક્ષ ગેલને બિરદાવી. લીલીએ કહ્યું, ગેલની વન્ડર વૂમને મારી લાઇફ બદલી નાખી છે. મારા માટે ગેલ ઇસા મસીહથી જરાય કમ નથી. એ મારી કાયમી પ્રેરણાદાતા છે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WDoTVV
Previous
Next Post »