- મકાઇના દાણા ને મલ્ટીપ્લેક્સના પોપકોર્ન વચ્ચેના ભાવનું અંતર જુઓ તો ગ્રાહક ને ઉત્પાદક (ખેડૂત) બેઉ લૂંટાય છે. જેણે કદાચ કદી ખેતી કરવાની વાત દૂર, ખેતર જોયા પણ ન હોય સરખી રીતે એ મિડલમેન મેક્સીમમ કમાય છે
ત મને ખબર છે, કેન્દ્ર સરકારે અત્યારે જે કૃષિ સુધાર કાનૂન ઘડયા છે, એનો આરંભ ૨૦૦૩માં અટલબિહારી વાજપેયીએ કરાવેલો ? હોવાની શક્યતા ઓછી, કારણ કે ત્યારે એ કાયદા નહોતા. સંસદમાં પૂર્ણ બહુમતીના અભાવે ઘણા રિફોર્ન્સ દો કદમ આગે, એક કદમ પીછેની જેમ કરવા પડતા. ત્યારે કેન્દ્ર સરકારે મોડેલ એક્ટ જેવા સૂચનો બનાવી રાજ્યોને ભલામણ કરી કે તમે આવા સુધાર કરો.
કેમ રાજ્યોને ? કારણ કે, બંધારણીય રીતે ખેતી એ રાજ્યોનો વિષય છે. ઘણા ટીવી પર આવી એ મુદ્દેજ વર્તમાન કાનૂનોને સુપ્રિમમાં પડકારવાની વાતો ય કરે છે. જોકે, એમાં બહુ દમ નથી. કારણ કે, એ મામલે 'વિશેષ યાદી' બનાવીને સંવિધાન સંશોધનની શરૂઆત તો આઝાદી પછી તરત ૧૯૫૩-'૫૪માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ જ કરી દીધી હતી ! ઈરાદો એમનો શુભ હતો. રાજ્યો નવા બન્યા હતા અને પુનઃગઠન કહેવાય એમ હજુ એનું નિર્માણ ચાલુહતું (જેમ કે, ગુજરાત-મહારાષ્ટ્ર ૧૯૬૦માં બન્યા)
એ વખતે ચેલેન્જ હતી આઝાદ ભારત સામે 'લેન્ડ રિફોર્મ્સ.' જમીન સુધારણાનો કાયદો. સૌરાષ્ટ્ર રાજ્યના ઢેબરભાઈએ કરી એવી ક્રાંતિ બધે નહોતી થઈ. ફિલ્મોમાં બતાવે છે, એવા - શાહૂકારો અને જમીનદારોનો ગરીબ નબળા વર્ગ, કિસાનો, ખેતમજૂરો પર ત્રાસ હતો. ભૂમિ અધિગ્રહણ રાજ્ય અંતર્ગત આવે તો બંગાળથી રાજસ્થાન જેવા ઘણા પ્રદેશોમાં જૂના રજવાડાની પદ્ધતિ જ રહે. એ ટાળવા ભારતની પ્રથમ કોંગ્રેસી કેન્દ્ર સરકારે કૃષિને કેન્દ્રનો ય વિષય ગણી લીધો. જાણકારોને ખબર હશે કે ટેકનિકલી ખેતીની - જમીનના 'માલિક' થઈ શકાતું નથી. એ તો સરકાર છે, ખાતેદાર, પટેદાર (જેમાંથી શબ્દ આવ્યો પાટીદાર ?) બની શકાય છે.
તો ૨૦૦૩માં કેન્દ્ર સરકારે સુચન કર્યા જે ભાજપની હતી, એનો વધુ લાભ કોણે લીધો ? તત્કાલીન મહારાષ્ટ્ર અને કર્ણાટકની કોંગ્રેસ સરકારોએ. વિલાસરાવ દેશમુખ ત્યારે સીએમ હતા, ને મહારાષ્ટ્રમાં તો એપીએમસીની મોનોપોલી હટાવી પેરેબલ પ્રાઈવેટ ઓપ્શનને મંજૂરી ત્યારની અપાઈ ગઈ છે. એટલે જ ૨૦૨૦ના વોટિંગમાં શિવસેના-એનસીપી જેવા પક્ષોએ કાં એની ફેવરમાં વોટિંગ કર્યું, કાં વિરોધ ન કરવો પડે માટે ગેરહાજર/એબસ્ટેઈન રહ્યા સ્થાનિક ખેડૂતો સામે ઓલરેડી અડધાપોણા લાગુ જ છે, એ રિફોર્મના વિરોધી કોને ગણાવું હોય ? પણ ન ગમતી કેન્દ્ર સરકારનો વિરોધે ય કરી લેવો હોય.
એમ તો બિહારે ૨૦૦૬થી એપીએમસી જ નીતિશરાજ આવતા સમાપ્ત કરી દીધેલી. ને યુપીએ સરકાર સ્વામીનાથન સમિતિએ ઓલમોસ્ટ આવા જ એગ્રોરિફોર્ન્સની ભલામણ કરેલી. ત્યારે વળી આ જ રાજકીય વિરોધને લીધે ગુજરાત સરકારે એનો વિરોધ કરેલો. આજે એ જ મુખ્યમંત્રી વડાપ્રધાન છે. એટલે એ જ સુધારાનો એ જ ભાષામાં કોંગ્રેસ વિરોધ કરે છે !
હા, આ સુધારાઓ તો બદલાતા સમય સાથે જેમ ક્યારેક તો જૂની પેઢીના શિક્ષકોએ કોમ્પ્યુટર સ્કૂલમાં સ્વીકારવું જ પડે એમ આવવાના જ હતા. ને દરેક મોટા પરિવર્તન વખતે ચણભણ થાય એમ હોહા થવાનો અંદાજ હતો, એટલે કોવિડકાળનો લાભ લઈ ઉતાવળે પસાર કરાવી દેવાયા. પણ પછી શા માટે વાત દોઢે ચડી, એના પર આવતા પહેલા થોડાક મહત્વના મુદ્દા જેનું અનુસંધાન પાછલા બે બુધવારના આગલા ભાગો સાથે છે, એ ચર્ચી લઈએ. એ બે લેખોનું પુનરાવર્તન અત્યારે કરવાને બદલે એ રિવિઝન પછી આ એપિસોડમાંથી પસાર થવું હિતાવહ !
વર્તમાનને સમજવા માટે હજુ થોડી ભૂતકાળમાં નજર દોડાવવાનું ચાલુ રાખવું પડશે. આપણે આઝાદ થયા ત્યારે હજારો વર્ષોની પરદેશી ગુલામી હતી. રાજાશાહી-નવાબી હતી. હજુયે વારસામાં મળેલા નાતજાતકોમ ને સંસ્કૃતિ-ભાષાના વિભાજન હતા. એમાંથી બંધારણ નીચે ચાલતા લોકશાહી દેશ ઘડવાના પડકારોમાં મોટો પડકાર દોલત અને દાનતનો હતો. ત્યારે લોકોને શોષણના અનુભવે ખાનગી વેપારીઓમાં ભરોસો નહોતો. સરકાર વિના ઈન્સ્યોરન્સથી ટ્રાન્સપોર્ટેશન સુધીના સેક્ટર નભે એમ નહોતા. એટલે રાષ્ટ્રનિર્માણના સારા ઈરાદાથી વિવિધ જાહેર સાહસો શરૂ થયા, જે આદર્શવાદ અને આળસ, અશિસ્ત અને અહં ઉપરાંત જુગાડના કોકટેલને લીધે જાહેર મિલકતને બદલે મોટા ભાગના તો જાહેર જવાબદારી બની ગયા.
એમાં ૧૯૫૫માં આગળ લખ્યું એમ બંધારણમાં કેન્દ્ર-રાજ્ય વચ્ચેના ગૂંચવાડા ટાળવા જે કોકિરન્ટ (સેનવર્તી) બાબતોનું લિસ્ટ કરેલું, એનો જ લાભ લઈ સંઘરાખોરી અને નફાખોરી ટાળવા એસેન્શ્યલ કોમોડિટીઝ એક્ટ બનાવેલો. જેમાં સ્થિતિ મુજબ સરકાર અનાજ, ફળ, દૂધ, શાક વગેરે ચીજોને રાખીને એના ભાવમાં થતા ફુગાવાને ઘટાડી શકે, માલનો સંગ્રહ કરી કૃત્રિમ અછત ઉભી કરી ભાવ ઘટાડવાના 'સ્કેમ' બંધ કરી શકે.
આવી આફત લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન થતા હતા ત્યારે ૧૯૬૫ આસપાસ આવી. પાકિસ્તાન સાથે યુદ્ધ અને દેશવ્યાપી દુકાળ, ઘઉં યાને 'રોટી' બેઝિક ફૂડ ગણાય પણ એના જ ફાંફાં હતા. સતત મહેસૂલી-શોષણ ને ગુલામીમાં ખેડૂતો બરબાદ હતા એટલે તો ગાંધી-સરદારના ચંપારણ - ખેડા/બારડોલી સત્યાગ્રહો ખેડૂતોના હતા. ત્યારે અમેરિકાએ ભીખની જેમ પીએલ ૪૮૦ ઘઉં - આપેલા સડેલા (મૂળ તો રશિયા તરફના આપણા ઝુકાવ માટે કિન્નાખોરીથી) અને જય જવાન, જય કિસાનના નારાથી ભારતને ખેતીમાં આત્મનિર્ભર બનાવવાની શરૂઆત થઈ. પછી ઈન્દિરા ગાંધીના સમયમાં અમેરિકાના જ નોર્મન અને ભારતના સ્વામીનાથને મળી હરિત ક્રાંતિની શરૂઆત કરી, અને મેકસિકોથી બિયારણ મંગાવી ઘઉં-ચોખાનું વાવેતર શરૂ કરાવ્યું. એમાં વધુ પસંદગી પંજાબને ત્યારે નવા બનેલા હરિયાણાની થઈ. કારણ કે, અનુભવી કર્મઠ ખેડૂતો ત્યાં વધુ હતા ને સિંચાઈની ય અનુકૂળતા બને એમ હતી. એ ખેડૂતો અનાજ ઉત્પાદન કરે, એ માટે એમનો ઉત્સાહ તો વધારવો પડે ને. એ માટે મોટીવેશન તરીકે આવ્યા સરકાર તરફથી એનએસપી યાને ટેકાના ભાવ. યાને કમસેકમ આટલા ભાવે અનાજ વેચાશે જ એની આગોતરી ગેરેન્ટી. દેશભર માટે છે, પણ બધા રાજ્યોમાં લાગુ નથી પડતા સરખા. કારણ કે, રાજ્ય સરકારો માથે એ આર્થિક ભારણ આવે. ગુજરાતમાં વાજપેયી સરકાર વખતે દાખલા તરીકે નરેન્દ્ર મોદીએ બીટી કોટનને (જે આમ જુઓ તો એકમાત્ર જીનેટિક ક્રોપ છે ભારતમાં) પ્રોત્સાહન આપ્યું તો આપણે એના ઉત્પાદનમાં નંબર વન અને વેંચાણમાં નંબર ટુ છીએ જગતમાં, એમ પંજાબ-હરિયાણાએ ઘઉં-ચોખા પર એવું ફોકસ કર્યું કે એ ધાન તો મધ્યપ્રદેશની બીજે ય પાકે છે, પણ પંજાબ હરિયાણામાં આજે ય એનો ૭૦-૮૦% જથ્થો એમએસપી પર વેંચાય છે. એટલે એટલું સ્યોરકવર છે.
આ થયો 'ખાલિસ્તાની' ચીતરી દેવાયેલા કિસાનો મુખ્યત્વે ત્યાંથી જ કેમ આવ્યા આ મામલે એનો જેન્યુઇન ખુલાસો. ૧૯૮૦ સુધીમાં ભારત આત્મનિર્ભર ખેતઉત્પાદનમાં એમાં એમનો ય ફાળો. વળી શીખો પરદેશમાં ય ખેતી કરે છે. એટલે ટેકનોલોજીકલ સપોર્ટ ને ધાર્મિક એકતાને લીધે સંપન્ન પણ થયા કે ટ્રેકટર વસાવી શકે, સારી સુવિધાઓ મેળવી શકે. એ પણ યાદ રાખવું કે ભારતમાં આઝાદી પહેલા ય આંતરિક વિભાજનો હતા જ. બંગાળ કે પંજાબના ટુકડા થઇ દેશો બનેલા છે. એ તો ગાંધીના પ્રભાવનું ચૂંબક હતું કે એક ભારતના સપનામાં બધા જોડાયા (સરદાર પણ ગાંધીની જ ખોજ, અને એને લીધે જ આવેલા.)
નિયમિત દેશમાં બધા જ કિસાનોને એમએસપીનો લાભ મળે એવા તો કુલ ખેડૂતોના ૬% જ છે આજે ય. વળી ત્યારથી અત્યાર સુધીમાં એમએસપીનો વધારો ૧૯% થયો, પણ સરકારી નોકરીના પગારો કે સાંસદો-ધારાસભ્યોના ભથ્થાં વગેરે ૧૫૦થી ૨૮૦% સુધી વધી ગયા ! ખેડૂત બોલાય એક વચનમાં પણ રહેતો આખો પરિવાર હોય. લોનમાફી તો બિલકુલ ખોટી માંગ છે. પણ મોટા ભાગના નાના ખેડૂતો પર ઈન્કમટેક્સ નાખો તો ય એની મર્યાદાથી નીચે આવક જ રહે. (ઓપરેટિવ વર્ડ નાના ખેડૂતો છે !)
બહુ બધી લાંબી વાતો છે,
પણ ઉંડા ઉતરવાની ખેતી આપણી રાષ્ટ્રીય આદત નથી. સરકાર એમએસપી નક્કી કરે, એમાં ય વધતી મોંઘવારી મુજબ વધારાની માંગ છે. ચૂંટણી આવે ત્યારે બધા પક્ષોને ખેડૂત યાદ આવે અને થોડો વધારો મળે (જેમ ૨૦૧૪ના વાયદાનો થોડો વધારો ૨૦૧૮ના બજેટમાં મળેલો) એમએસપી ભાવ છે, પણ બધી ખરીદી સરકાર કરતી નથી. સરકાર ખરીદે એ માટેનું કામ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનું. પણ નીચલા લેવલે ત્યાં ભ્રષ્ટાચારના અખાડા છે. ગોડાઉન કે કોલ્ડ સ્ટોરેજ સરખા નથી.
ખેતપેદાશો લાંબો સમય ટકે નહિ. ખેતી એક એવી બાબત છે, જેમાં આગોતરા ભાવ નક્કી છે, એ ફરિયાદ સાચી. પણ ખેતીમાં કાયમ મોસમને લીધે આવક અનિશ્ચિત હોય છે, મકાઇના દાણા ને મલ્ટીપ્લેક્સના પોપકોર્ન વચ્ચેના ભાવનું અંતર જુઓ તો ગ્રાહક ને ઉત્પાદક (ખેડૂત) બેઉ લૂંટાય છે, કમાય છે જેણે કદાચ કદી ખેતી કરવાની વાત દૂર, ખેતર જોયા પણ ન હોય સરખી રીતે એ મિડલમેન મેક્સીમીમ કમાય છે. તો સમય જતાં માર્કેટ ખુલ્લી મૂકાવી જોઇએ. ખેડૂત અનામતની જેમ ટેકામાંથી કાયમી ટકાઉ થઇ ગયેલ એમએસપીની કાખઘોડી ખોડી જરા નવા ઈનોવેશન કરે, નવું શીખે એ ય અનિવાર્ય છે. કારણ કે આગળના લેખોમાં ચર્ચા થઇ એમ હવે ખેતી વર્તમાન સ્વરૂપમાં આટલી વસતિ નિભાવી શકે એમ નથી.
એટલે ધમાલ તો નવો રોપ વે કે નવો મોલ થાય ત્યારે ય થાય. વેપારીઓ ઓનલાઇન બાબતે ય કરે જ છે ને. પણ પેઢી બદલાય એમ પરિવર્તન પણ આવે. હરિયાણા આ સાંસ્કૃતિક પરિવર્તન પણ ઝટ સ્વીકારી શકવાનું વાતાવરણ ઓછું ધરાવે છે. પાઘડી-દાઢી તો લશ્કરમાં ય જોઇએ જ. ખાપ પંચાયત કોર્ટથી ય વજનદાર. પણ વિષય પૂરતું એ યાદ રાખજો ખેતી બેઝિક ખોરાક સાથે જોડાયેલી છે, એ અન્નદાતા વાળી વાત મેલોડ્રામેટિક ગણીએ, તો ય એનું રિસ્ક વધુ તો છે જ. વળી એમએસપી એની મર્યાદિત અસરમાં ય ૨૨ ધાન - દાળ એક શેરડી (જરા જુદી રીતે)માં છે. ફ્રુટસ-વેજીટેબલ્સ-ફ્લાવર્સ-કેરી પણ ખેતી-પશુપાલનમાં જ આવે. ત્યાં એમએસપી નથી. પણ અમૂલ અને ડો. કુરિયને મિલ્કમાં સહકારી પ્રયોગ ગુજરાતમાં ય સફળ કર્યો જ એ 'ટેકા' વિના.
કાયમ 'બાપડા બચાકડા'ની ભૂમિકામાં રહેવું ગમે ય નહિ કોઇને. ઓશિયાળા થઇ દુઃખડા રોવામાંથી ય થાકીને નવી પેઢી ભાગશે ખેતીકામ છોડીને. ઉદ્યોગો કંઇ બધાને સમાવી નહિ શકે, એટલે ધીમે-ધીમે હપ્તાવાર અઠવાડિયામાં જમીએ, એ એક જ ટંકમાં તો પેટ ફાટી જાય, એમ સીધું જ 'ન ફાવતું હોય તો છોડી દો ખેતી'ના હાકલાપડકારા ય મંદબુદ્ધિનું મહાપ્રદર્શન છે. બધા છોડી દેશે તો એટલા ઉદ્યોગો છે સામે સમાવવા ? પછી ક્રાઇમ કરશે ? તમારી ઘેર આવીને બેસે ?
સરકાર એમએસપીમાં જ ઘઉં-ચોખા ખરીદે (૨૩ ચીજો એનએસપી છે, પણ ખરીદી સકરાક બધાની નથી કરતી) હવે રેશનકાર્ડ પર ગરીબોને આપે કે મધ્યાહન ભોજન જેવી યોજનામાં આપે ત્યાં ગુણવત્તાની ફરિયાદો રહે કારણ કે, વચ્ચે કરપ્શનની મજબૂત કડીઓ સારો માલ હડપ કરી નબળો પધરાવવાના એકમ કરે. અને બીજા ય સેક્ટર છે, જેની ગ્લોબલ કે લોકલ ડિમાન્ડ હોય, પણ સ્ટોરેજ કેપેસિટી ન હોય. ફ્રુટસ ઠંડા પ્રદેશોમાં બધા ન થાય. પણ એક્સપોર્ટ ખેડૂત કેમ કરે ? જાણકાર, ભણેલા ખેડૂતો વ્યક્તિગત રીતે કરી શકે.
પણ બધા નવી માર્કેટનો લાભ કેમ લે ? એટલે 'ખેતીનું ખાનગીકરણ' દૂરદર્શનને બદલે સેટેલાઇટ ચેનલોની જેમ વહેલું મોડું કોઇપણ પક્ષની સરકાર કરવાની જ. તમે જાણો ને પ્રાઇવેટ પ્લેયર્સ જાણે. એકચ્યુઅલી, આઝાદી સમયે લોકોને હતું વેપારીઓ શોષણખોર, ચોર છે. એનો નહિ આપણી સરકારનો ભરોસો કરીએ, એ સેવાભાવીઓની છે. અનુભવે આ વાક્યે યુ ટર્ન મારી લીધો છે. આજે 'સરકારી' શબ્દમાં કંગાળ ક્વોલિટીને કરપ્શનના કોઠાકબાડા દેખાય છે, ને ખાનગીનો ભરોસો ફટાફટ સર્વિસ ને સીસ્ટમની જંજાળ બહારના સ્વાતંત્ર્યથી વધુ પડે છે.
એટલે જે ત્રણ કૃષિ સુધાર કાનૂન આવ્યા એ ખોટા નથી, ઉહાપોહ ભલે થાય પણ વહેલા મોડા એગ્રોરિફોર્મ્સ આવશે ને શિક્ષણથી ન્યાયતંત્ર બધે આર્થિક સુધારાની જેમ આવે જ. મોબાઈલ આવી ગયા જીવનમાં તો કોઈ રોકી નથી શક્યું. પણ ખાટલે મોટી ખોડ એ કાયદાઓના ડ્રાફટમાં જે અમુક છીંડા છે, એમાં છટકબારી શોધતા છેલછોગાળાઓના ડરની છે. એ જાણી જોઈને ભવિષ્યમાં આજના વચેટિયા કાઢતા નવા કાર્પોરેટ વચેટિયા આવશે.
એના લાભાર્થે છે કે ઉતાવળ અને હવે પૂર્ણ બહુમતી અને વોટસએપ ફોરવર્ડેડ હિન્દુત્વના લીધે બનેલા વોટર્સ બેન્ડના સતત જીતના કેફના લીધે છે, એનું ઘેર બેઠાં જજમેન્ટ ન આપી શકાય. પણ વાવણી કાપીને અઠે દ્વારકા કરતા આવેલા કિસાનો પર પહેલા રાબેતા મુજબ દેશદ્રોહીનો છળપ્રયોગ (આટલા શીખો આતંકવાદ પછી ય લશ્કરમાં છે, ત્યારે એ બેકફાયર થાય) ને પછી દેશની રાજધાનીમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવા ય અટકાવતો રોડ ખોદવાનો કે ટીઅર ગેસ-વૉટર કેનોનનો બળપ્રયોગ એ નો બોલ હતો. સમય સૂચકતા વાપરીને વડાપ્રધાન-કૃષિપ્રધાને વાતચીતની-તૈયારી દાખવી અને જેમને દવા માફક ન આવી એ દર્દીને તો બોલવાની છૂટ છે, એવું સુપ્રિમ કોર્ટે ય કહ્યું ત્યારે એટલી આશા રાખી શકાય કે પેલા બાકોરાં ચર્ચા પછી સુધારાના ડ્રાફટમાં સુધારા કરી પૂરી શકાય. બેઉ પક્ષ ઈગો મૂકે ને પોલિટિક્સ છોડે તો એ ફેરફાર એવા કંઈ અટપટા નથી.
(૧) નવા સુધારા પછી એપીએમસી રહેશે ને પ્રાઇવેટ ઓપ્શન્સ પણ રહેશે. પણ અન્ય કોર્પોરેટ વિકલ્પો ટેક્સ ફ્રી હોય ને એપીએમસી પર જાતભાતના ટેક્સ ને નિયમનો હોય તો બરાબરની હરીફાઇ નથી. કાં બેઉ પર ટેક્સ-નિયમનો જોઈએ એક જ ફિલ્ડમાં કાં એકે ય પર નહિ. બાકી જીયો..બીએસએનએલ કે દૂરદર્શન-સ્ટાર, સોની, ઝી જેવા હાલ થાય. (૨) સરકારે કોર્ટમાં બહુ ટાઇમ જાય એમ માનીને પહેલા બેઉ પક્ષનું પંચ, પછી એસડીએન અને પછી કલેકટર એમ વિવાદો ઉકેલવાની ત્રિસ્તરીય પ્રક્રિયા આપી છે પણ કોને ખબર અધિકારીઓ કોની કઠપૂતળી બની જાય ? માટે પછી એથે વિકલ્પ મોટા કોર્પોરેટ હોય તો સીધો હાઇકોર્ટ હોવો જોઈએ. વધુ સારો ઉકેલ તો ગ્રાહક સુરક્ષાની જેમ કાયદા અને કૃષિના નિષ્ણાતોની કિસાન સ્પેશ્યલ કોર્ટ કે ટ્રિબ્યુનલ જ રચવાનો છે. જેમાં ચૂકાદાની મુદત જ છ મહિના હોય.
(૩) સરકારે નવા સંશોધનમાં ખેડૂત અને નવા પ્રાઇવેટ પ્લેયર્સનો મોડલ કોન્ટ્રાક્ટ પણ 'કદાચ' જરૂર પડે કેન્દ્ર સરકાર આપશે એવું લખ્યું છે. 'જાો' કદાચ, સંભવિત શા માટે ? બધા ખેડૂતો વકીલાત ને વહીવટીતંત્રની ભારેખમ ભાષાની સમજણ ન જ ધરાવતા હોય. મોડલ કોન્ટ્રાક્ટ ઘડીને જ આઇટી રિટર્ન ફોર્મની જેમ આપી દો જેમાં ખાના પૂરી, અહીં કરે એટલે બેઉને બંધનકર્તા. (૪) રેગ્યુલેશન કાઢવાના ઉત્સાહમાં પાન કાર્ડ ધરાવતો માણસ પણ ખેતપેદાશોના ખરીદ વેચાણમાં ઝૂકાવી શકે એવી છૂટ છે. આમાં તો ફ્રોડ લોકો ઘૂસી જ જાય. કોઈ ડિપોઝિટ, રજીસ્ટ્રેશનની સીસ્ટમ રાખો કે જ્યાં નવા મિડલમેન આવે એની ય એકાઉન્ટેબિલિટી બને, કાયદાપાલનની એની ઓળખ પર ભરોસો ઉભો થાય.
(૫) હવે વહેલા મોડા દરેક ગામોમાં નાના ખેડૂતોએ એગ્રીગેટર્સ શોધવા પડશે. યાને નાના-નાના ખેડૂતો સમાન તક, હક માટે એક મંચ પર સાથે આવી સંગઠ્ઠિત પાર્ટી બને એવી સંસ્થાઓ કે પ્રતિનિધિ વ્યક્તિઓ. એટલે કોન્ટ્રાક્ટ કર્યા પછી માર્કેટ પ્રાઇસની વધઘટ મુજબ ક્વોલિટીના બહાના બનાવી છટકી ન જાય મોટા મગરમચ્છો. સામે એમને ય ધારી શરતોએ ઉત્પાદન થાય, એ માટે બાંહેધરી મળે. આવું સ્ટ્રકચર શરૂઆતમાં ખેડૂતહિતની વાતો કરતા આગેવાનોએ જ રચવાની પહેલ કરવી પડશે. (૬) સુધારામાં ઘણું બરાબર પણ છે. જેમકે ખેતરમાં કોઈ સ્ટ્રકચર ઉભું કરે કોર્પોરેટસ એમના જથ્થા માટે તો એ એમણે ખસેડવાનું રહેશે, એમના ખર્ચે તે બેઉ પક્ષની મંજૂરી જોઈશે. ખેતીની જમીન પર એમનો હક થશે એવી વાત છે જ નહિ. એમએસપી આમ પણ લેખિત કાયદામાં અગાઉ નહોતી. અમુક મડાગાંઠ તો માત્ર કોમ્યુનિકેશન ગેપની છે.
કાયદો પસાર કરતા પહેલાં એની સરળ સમજૂતીની જરૂર હતી જ. (૭) વડાપ્રધાનની ૬,૦૦૦ રૂપિયા સીધા નાના ખેડૂતના ખાડામાં મળે કે ઓરિસ્સામાં કાળિયા યોજનામાં ૧૦,૦૦૦ સીધા મળે છે, એવી યોજના વધારી કટકી વિનાની સીધી રોકડી સહાય પહોંચાડીને સબસીડીની અમુક લાભાર્થીઓ જ વધુ ખાટી જાય, એ જંજાળ ઘટાડવાની જરૂર છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની તગડી ખોટ પણ અંતે તો મિડલ કલાસના ટેક્સપેયરે જ ભરવાની છે !
ઝીણી ઝીણી બારીકીઓ બધાંને માફક ન આવે એ માટે આ થયું જાડું ફ્રેમવર્ક. ગ્રામીણ ખેડૂત અને અર્બન ટેક્સપેયર વચ્ચેના નવા ડિવાઇડ એન્ડ રૂલનું રાજકારણ મોંઘું જ પડવાનું છે, ત્યારે સંતુલિત સચ્ચાઇ. આ સુધારામાં સરકાર મહદઅંશે સાચી છે. પણ અમુક લોકો સુધારા કરતા અગાઉના અનુભવે સુધારાના એક ગુલાબ જોડે મળતીયાઓના દસ કાંટા ઘૂસી જાય એમ દાઝેલા છે. ઉંચા ભાવે જનપ્રતિનિધિઓ ખરીદાતા ને વેચાતા હોય તો ખેડૂતો ય વધુ મેળવવાની અપેક્ષા રાખીને !
બળતામાં ઘી પરિવર્તનને ઇવેન્ટ બનાવવાની વાતે વધુ હોમ્યું, જેમાં કાયદાઓનો હેતુ સારો હોવા છતાં એ સીધા જ માની લેવાના, ખેડૂતોને ગુમાની લાગતા ટોનનું વાકું પડયું છે ! સમય પારખી ઘરમાં જેમ વાત વણસે ને ટોન આકરામાંથી ધીમો થાય એ પહેલ સરકારે કરી છે. પણ હજુ આ સુધારા તો શરૂઆત છે. પ્રાઇસ કન્ટ્રોલ, ગ્લોબલ એક્સપોર્ટ, જીએમ એન્ડ ઓર્ગેનિક, પર્યાવરણને ખાતર, ઝેરી પેસ્ટીઆઇડસ, એગ્રો બ્રાન્ડિંગ બિયારણની ગુણવત્તા...ઘણું કામ બાકી છે. સૌથી મોટી ચેલેન્જ તો મનુસ્મૃતિમાં લખેલી છે, એ છે ઃ સ્વસ્થ સમાજમાં શ્રીમંત અને દરિદ્ર વચ્ચેનું અંતર / રેશિયો ૪૯ઃ૧ હોવા જોઈએ. એથી વધુ નહિ !
ઝિંગ થિંગ
'રાજકારણમાં ક્યારેક નો રિએકશન, એ પણ બેસ્ટ એકશન' (ગુજરાતી ફિલ્મ 'યુવા સરકારનો' સંવાદ)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hbuegI
ConversionConversion EmoticonEmoticon