ગ યા વર્ષે નાગરિક સુધારા બિલ સામે જે આંદોલન ચાલેલું તેના કરતા પણ કેન્દ્ર સરકાર માટે માથાનો દુ:ખાવો અને પડકારરૂપ ખેડૂતોનું આંદોલન બન્યું છે. કેન્દ્ર સરકારે કૃષિ સુધારાના જે ત્રણ બિલ ૨૦ સપ્ટેમ્બરે બંને સંસદમાં પસાર કર્યા તે પછી ભારતમાં કૃષિ ક્ષેત્રેના હેડ કવાર્ટર મનાતા પંજાબ, હરિયાણાના ખેડૂતોએ સૌ પ્રથમ દેશભરના ખેડૂતોને ચેતવ્યા કે કેન્દ્ર સરકારે પસાર કરેલા બિલ કૃષિ જગત અને તેના કરતા પણ ખેડૂતોને કોર્પોરેટ જૂથ, કોન્ટ્રાક્ટ ફાર્મિંગના ધનિકોના હાથમાં સોંપી દેવાનું ષડયંત્ર છે.
કેન્દ્ર સરકાર ખેડૂતોને એ સમજાવવામાં નિષ્ફળ રહી છે કે આ બિલ ખરેખર તો લાંબે ગાળે તમને વધુ સ્વાયત્તતા, મુક્ત બજાર અને કમાણી રળી આપશે. કેન્દ્ર સરકાર એવું પણ કહે છે કે ભાજપ વિરોધી રાજકીય પક્ષો અને એનજીઓ મોટેપાયે આ આંદોલન જામતું જાય તે માટે જંગી ફડીંગ કરે છે. ખેડૂતોને ટ્રેક્ટરો, ઉપકરણો, મિષ્ટાન ભોજન બધુ જ પૂરૂ પડાય છે. કડકડતી ઠંડી અને કોરોનાનો ભય છોડીને ક્રમશ: દેશભરમાંથી લાખો કિસાનો દિલ્હી તરફ પહોંચ્યા છે અને હજુ કૂચ જારી જ છે.
દેશના મહત્તમ ખેડૂતો પણ હજુ આ બિલની દૂરોગામી અસર કે હેતુ-ઇરાદો સમજી શક્યા નથી. તેવી જ મિશ્ર પ્રતિક્રિયા બિલની યોગ્યતા અંગે નિષ્ણાત વિશ્લેષકોમાં પ્રવર્તે છે.
બિલનો સારાંશ એવો કંઈક છે કે ખેડૂતોએ એપીએમસી (એગ્રીકલ્ચરલ પ્રોડયુસ માર્કેટ કમિટિ)માં જ તેઓ દ્વારા નિર્ધારિત ભાવે ઉપજ વેચવી જરૂરી નથી. ખેડૂતો તેમની ઉપજ ઈચ્છે તેને ઓપન માર્કેટમાં વેચી શકે. 'એપીએમસી'નો વિકલ્પ સરકાર ખેડૂતોને આપે છે પણ 'એપીએમસી' સીસ્ટમ જ ઈચ્છતા ખેડૂતો માને છે કે આ સિસ્ટમ જ ક્રમશ: બંધ થઈ જશે.
અત્યારે તો મીનીમમ સપ્લાય પ્રાઇસ (એમએસપી) ખેડૂતોને કમ સે કમ મળે છે પણ આગળ જતાં કોર્પોરેટ જગત કાર્ટેલ રચીને સાવ નિમ્ન ભાવ બાંધી દે તો તેવો ભય છે. જે વાજબી પણ છે જ. તેવી જ રીતે ખેતી શરૂ થાય તે પહેલાં જ પાકનો ઉપજ ભાવ કોન્ટ્રાક્ટર જોડે નક્કી કરી શકાય તેવી પણ ખેડૂતોને માટે છૂટ અપાઈ છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો માર્ગ પણ મોકળો બનશે.
જીવન જરૂરી અનાજ, ધાન્યના ધારામાં પણ છૂટછાટ અપાઈ છે. ખેડૂતોને ભય છે કે કોર્પોરેટ જૂથ, વિદેશી ચેઈન, ફૂડ પ્રોસેસિંગ જાયન્ટ કંપનીઓના સામે બંધુઆ મજૂર અને શોષણનો શિકાર બની જઈશું. ખેડૂતો બિલ સંપૂર્ણપણે પાછા ખેંચાય તેના સિવાય કોઈ સમાધાન કે સુધારા ફોર્મ્યુલામાં રસ નથી બતાવતા. સરકાર પણ ટસથી મસ થવાના મૂડમાં નથી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mVnPHz
ConversionConversion EmoticonEmoticon