બે હજાર વીસની વિદાય વેળાએ આપણે વિત્યા વરસ ઉપર નજર કરીએ તો આપણા આયખાનું સૌથી વસમું વરસ લાગ્યું છે. આખા વર્ષની પ્રત્યેક ક્ષણ ઉપર જાણે કોવિડ નામનો વાયરસ વ્યાપી વળ્યો અને પ્રત્યેક વ્યક્તિના હોઠ ઉપર તાળાં દેવાયાં... માણસ જાત માટે ખતરનાક સ્થિતિ નિર્માણ થઇ. એવી કોઈ જીવિત વ્યક્તિ નહિ હોય કે જેનો કોઈ સ્વજન, કોઈ પરિચિતજન આ મહામારીનો ભોગ ના બન્યો હોય ! રોજ સવાર પડે ને મૃત્યુના આંકડાનો હાર પ્હેરીને સમગ્ર માનવજાત કેવો મોટો પરાજય સ્વીકારી રહી છે. કેવી નિયતી ? રોજે રોજ આઘાતના સમાચારો માનવજાતે ઝીલ્યા છે. કેટકેટલા સ્વજનો ગુમાવીને માનવીએ નિરાધારતા અનુભવી છે. કેટકેટલા ધર્મિષ્ઠજનોને આઘાતો પહોંચ્યા છે. મંદિરોનાં દ્વાર બંધ રહ્યાં છે અને ભગવાનને પણ મંદિરોમાં દર્શનાર્થીઓ વગર એકલતાનો અહેસાસ કરવો પડયો છે. ડૉક્ટરો પણ નિર્ભિક રહી શક્યા નથી અને સેવાભાવી સંસ્થાઓને પણ સાવધાન રહીને પોતાનાં કાર્યો કરવાં પડયાં છે. સરકાર પણ નિર્ણયાત્મક તબક્કે પહોંચતાં પહોંચતાં હાંફી ગઈ છે. અસ્તિત્વ ઉપર ખતરો છે - હવા જ જાણે પ્રદૂષિત થઇ શ્વાસનો શણગાર બની જીવનને છેતરી રહી છે !!! પ્રજા કરે પણ શું ?
પ્રજાએ દુકાળો વેઠયા છે... ભૂખ્યાજનો પેટને પહોંચી વળ્યા છે. પ્રજાએ રોગચાળો જોયો છે. પ્રજાએ કરફ્યૂ પણ નિહાળ્યા છે - અનુભવ્યા છે. પ્રજાએ મોંઘવારી વેઠી છે. કારમી પરિસ્થિતિઓની વચ્ચેથી પ્રજાએ માર્ગો કાઢ્યા છે. આ એક એવા પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઇ છે કે પ્રજા અને રાજા ઉભય એક જ પ્રકારની વ્યથા અનુભવે છે. એકલા રહેવાની મજા છે કે સજા ? સગા વ્હાલાં, મિત્રો કોઇને મળાતું નથી.
અરે ! મૃત્યુને ઇચ્છા પ્રમાણેનું માન મળતું નથી. બારણાંને પ્રશ્ન થાય છે કેમ મારાથી દૂર થઇ રહી છે માનવજાત ? દ્વારે કોઇનાય દસ્તક થતા નથી અને આંગણે કોઈ માગણ પણ ડોકાતું નથી. જ્યાં જ્યાં ટોળાં થાય છે ત્યાં મધપૂડા ઉપર પથરો પડે તેમ પોલિસ ત્રાટકે છે... જેમ જેમ માનવી પરસ્પર-નિકટ આવવા કોશિશ કરે છે કોવિડ તેમને નોખા પાડે છે... નોખા પાડવાની ઘટના અંદર સુધી વિસ્તરી છે... માણસ જશે ક્યાં ?
સેનેટાઇઝર માત્ર ઉપાય છે ? માસ્ક માત્ર શસ્ત્ર છે ? દૂરી માત્ર જ હથિયાર છે ? ક્યાંય સંગ્રામ સામે આવાં હથિયાર જોયાં ? પ્રજા ચોંકી ગઇ છે... એના ઇતિહાસમાં આ મહાસંગ્રામ સામે ઝઝૂમવાની પધ્ધતિને હજુ એ પામી શક્યો નથી... માણસે પહેલા ગાંઠો જોઈ પછી કેન્સર નામ આપતાં પચાસ-સો વર્ષ કાઢી નાખ્યાં. કેન્સર કોઈ જાણતું જ નહિ, ગાંઠ નીકળી... એમ જ કહેવાતું કોગળિયું નામે ઓળખાતો કોલેરાને પોતાનો પરિચય આપતાં ઘણાં વર્ષો નીકળી ગયેલાં... શીતળામાને કુલેર ધરાવતાં ધરાવતાં પ્રજા શીતળાની રસીનો સ્વીકાર કરતાં ઘણાં વર્ષો કાઢી શકી છે.
ધીરજ છે પ્રજા પાસે. સંવેદના છે પ્રજા પાસે ૨૦૨૦નું વર્ષ ધીરજ અને સંવેદના બંનેને ખૂટવી નાખનારું પુરવાર થયું છે. વરરાજા રાહ જોઈ રહ્યા છે. નવવધૂ થવાના કોડ કુમારિકાઓ લઇને બેઠી છે. જાનમાં જવાતું નથી. પ્રવાસો થતા નથી. મિત્રો મળતા નથી. દેવને મળાતું નથી. દુ:ખને કળાતું નથી સંશોધનોના ડેરા તંબૂ છે, સંશોધકો એની દવા શોધવાનો પરસેવો પાડે છે. 'વેક્સિન' આવે અને દુનિયા હાશકારો અનુભવે. વીસના છેલ્લા દિવસો વેક્સિનની પ્રતીક્ષાના દિવસો છે. આખો મનખાવતાર ધૂળધાણી થયાની અનુભૂતિ કરે છે.
વિદ્યાર્થીઓ ભણતર મેળવવાની અને શિક્ષકોએ ભણાવવાની પધ્ધતિનો ધરમૂળથી ફેરફાર કર્યો છે. હવે ઓનલાઈન માધ્યમ બન્યું છે. અભ્યાસ કરવા-કરાવવાનો માહોલ બદલાઈ ચૂક્યો છે. ઓનલાઈન સર્વીસ કરવા કર્મચારી ટેવાઈ રહ્યો છે. ધરમૂળથી બધુ ઉલટસૂલટ થવા માંડયુ છે. ખરીદી પણ ઓનલાઈન અને વેચાણો પણ ઓનલાઈન થવા માંડયા છે.
તહેવારોનો આનંદ રહ્યો નથી કે નથી રહ્યો સગપણો સ્વાદ આજે તો નવી રીતે જીવવાની પદ્ધતિ ૨૦૨૦ શીખવી ગયું છે. બાળકોને જ નહિ પ્રજાને નવા ગુજરાતી કક્કાની ભેટ મળી છે. 'ક'-કોરોના કોવિડનો, 'ખ'-ખાંસીનો, 'ગ'-ગળાના ગળફાજીનો, 'ઘ'-ઘર કરફ્યુનો, 'ચ'-ચીનનો, છીંકાછીંકનો-'છ', જમાતીઓનો-'જ', અને કૃષિક સાથે ઝપાઝપીનો-'ઝ', ટપાલબંધી-'ટ' અને શસ્ત્ર વગર કે વિષ વગર ઠાર મારે 'ઠ', ડંકો વગાડે 'ડ' ને ઢોર માર મરાવે 'ઢ', ચણભણ કરતો 'ણ' ને તાવ તળિયાનો 'ત'... થાળી વગડાવે 'થ' દમ રોગીનો 'દ' નાસ-નાસિકાનો 'ન', પોલિસ-પબ્લિકનો 'પ', ફાયરિંગનો 'ફ' બંધ અને બંધનનો 'બ', ઓનલાઈન ભાષણજીનો 'ભ', એકમાત્ર માસ્ક અને મરચા જેવો - મોદી જેવો 'મ', યાયાયાતી 'ય'... 'ર' રૂમાલનો 'લ' લૂંટાલૂંટનો 'વ' વેક્સિનનો, 'સ' સેનિટાઇઝરનો, 'શ' શાકભાજીનો હળ વગરનો 'ળ', અમીત શાહનો 'અ' ઓર્ડર કરતો, આગ સરીખો આત્માબાળે 'આ'... આંસુ લાવે આં ઇજા પ્હોંચાડે ઇ અંધારું કરે અં... બોલો ધડમ ધડમ અચ્યુતમ્... જિંદગી ગજબની નિશાળ છે એ કેટકેટલું ભણાવશે ?
૨૦૨૦નું વર્ષ કસોટી કરી ગયું છે. આર્થિક-સામાજિક માનસિક અને વ્યક્તિગત ક્ષેત્રે જે ઇજાઓ પ્હોંચાડી છે તેનો હિસાબ આનાપાઈમાં થઇ શકે તેમ નથી. કોવિડ ખરેખર જીવલેણ ભૂત થઇ - પિશાચ થઇ પ્રજાની ગળચી પકડી બેઠો... પણ પ્રજા પિશાચની ચુંગાલમાંથી પોતાની કુશળતાથી છટકી રહી છે અને સલામ પિશાચની ચુંગાલ નબળી પડતી જાય છે એનો આનંદ. પ્રજાને નવી રીતે જીવન જીવવાની એમાંથી જે કેડી મળી છે એ કેડીને પણ પ્રજા રાજમારગ બનાવી અવશ્ય પોતાનો વિજયવાવટો ફરકાવશે એવી શ્રધ્ધા રાખીએ અને કોરોના કોવિડના મૃત્યુઘંટની રાહ જોઈએ. આવનારા નૂતન વર્ષની શુભ કલ્પનામાં આજનો આનંદ લઇએ અને ઊજળી આવતીકાલની રાહ જોઇએ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pq4ccp
ConversionConversion EmoticonEmoticon