આરોગ્ય સંજીવની : ''ઈન્દ્રલુપ્ત'' - ઉંદરી સમસ્યા અને સમાધાન


દરેક વ્યક્તિનાં સૌંદર્યમાં તેનાં કેશનું ખૂબ મહત્ત્વ હોય છે. આથી જ વાળનાં સ્વાસ્થ્ય માટે પ્રત્યેક મનુષ્યે જાગ્રત રહેવું જરૂરી છે. વાળ એ સૌંદર્યવૃધ્ધિ તો કરે જ છે પરંતુ સાથોસાથ શરીરને ઠંડી અને ગરમીની ખરાબ અસરથી તથા કિટાણુઓથી રક્ષણ પણ કરે છે. વાળ તથા શરીરમાં રોમને સ્વાસ્થ્ય સુરક્ષાનું મહત્વનું અંગ માનવામાં આવેલ છે. વાળથી માથાની ગરમી, લૂ અને ઠંડી વગેેરેની ખરાબ અસરો સામે રક્ષા પ્રાપ્ત થાય છે. આવી જ રીતે નાક અને કાનની અંદર રહેલ વાળથી અંદર જતી હવા, રજકણો તથા કિટાણુઓ સામે રક્ષણ મળે છે. આંખની પાંપણો પરનાં વાળ પણ આ રીતે આંખનું રક્ષણ કરે છે. નેત્રનાં વાળ પણ સુંદરતા તથા આંખોનાં રક્ષણનું કામ કરે છે.

વાળ નિષ્ણાંતોના મતે વાળની લંબાઈ કરતાં વધારે મહત્ત્વ વાળનાં સ્વાસ્થ્યને આપવું જરૂરી છે. અહીં આજે આપણે વાળનો એક રોગ જેને ઊંદરી-ઈન્દ્રલુપ્ત જેવા નામથી પણ ઓળખવામાં આવે છે.

ઊંદરી એ એક એવો રોગ છે કે જેમાં વાળ ખરી જાય છે અને વાળ ખરી પડવાની જગ્યાએ નવાં વાળ આપમેળે ઉગતાં નથી અને ગોળાકારમાં કે ઇંડા જેવા આકારમાં ચકતા પડી જાય છે. આયુર્વેદીક ચિકિત્સા કરવાથી આ રોગ અવશ્ય મટી જાય છે.

આયુર્વેદમાં આચાર્ય સુશ્રુતનાં મત મુજબ રૂંવાટીનાં છિદ્રોમાં રહેલું પિત્ત વાયુ સાથે મળી જઈને પ્રકુપિત થઈને રૂંવાડાને ખેરવી નાંખે છે. પછી રક્ત તથા કફ છિદ્રોને રોકી દે છે જેથી તે જગ્યાએ બીજા વાળ ઉત્પન્ન થતાં નથી તેને ઈન્દ્રલુપ્ત કહે છે. આયુર્વેદમાં માથા સિવાયની જગ્યાથી વાળ ખરી જાય તેને 'રુહયા' કહેલ છે. ફક્ત દાઢી-મૂછમાં વાળ ખરી પડે તેને 'કાર્તિક'' કહેલ છે. વાળ ધીમે-ધીમે ખરે તેને ''ખાલિત્ય'' કે ''ખલ્લી'' કહેવાય છે. જ્યારે આપોઆપ એકદમ માથાનાં વાળ ખરે અને ફરી ચિકિત્સા કરવાથી જ ઉગે તેને ઈન્દ્રલુપ્ત કહે છે.

કારણો ઃ ખરતાં વાળ માટે જેટલાં કારણો જવાબદાર છે, એ બધા જ કારણો ઈન્દ્રલુપ્ત ઊંદરી પડવા માટે પણ જવાબદાર છે. આ ઉપરાંત ઊંદરી પડવાનું એક કારણ રક્તગત કૃમિ છે. જેનો ફંગસ, બેક્ટેરિયા અને વાયરસમાં સમાવેશ કરી શકાય છે. કેશાદ અને રોમાહ નામના રક્તકૃમિ સિવાય માથાની ચામડીમાં કુષ્ઠજ અને પરિસર્પજ કૃમિને કારણે પણ ઊંદરી થાય છે. આ ઉપરાંત માથામાં ખોડો થઈ જવો, માથાની ચામડીમાં નાની-નાની ફોલ્લીઓ થઈ જવી અટુંષિકા થવી, માથાની અસ્વચ્છતા, કુપોષણ, અનિયમિત આહાર વિહાર વગેરેનાં કારણે માથામાં વાળ ખરી જઈ ત્યાંની ચામડી ચમકીલી બનીને ગોળ-ગોળ નાના ચકરડાં થઈ જાય છે જેને ઊંદરી કહેવાય છે.

આધુનિક મતાનુસાર ઈન્દ્રલુપ્તને Cicatrical alopecia અથવા Patchy hair loss કહેવાય છે.

આયુર્વેદનાં મતે ઉંદરીમાં વાત-પિત-કફ અને રક્તની દુષ્ટિ હોવાથી આ રોગને કષ્ટસાધ્ય કહી શકાય.

આ રોગ કષ્ટસાધ્ય હોવાથી ધીરજપૂર્વકની સારવાર માંગી લે છે. પથ્યપાલન અને નિયમિત દવાઓ તથા શિરોધારા સારવારથી ઉંદરી અવશ્ય મટી જાય છે. આથી ઊંદરીની શરૂઆત થાય કે વાળ ખરવાનાં વધી જાય તો તરત જ નિષ્ણાંત વૈદ્યની સલાહ લઈને સારવાર શરૂ કરી દેવાથી રોગ કાબુમાં આવી જાય છે. ઉંદરીમાં અભ્યાંતર તથા બાહ્ય એમ બંને ઉપચાર પધ્ધતિ કરવી જરૂરી છે.

અભ્યાંતર ઔષધિઓ :

(૧) કૃમિને દૂર કરનારાં ઔષધો જેવા કે, કૃમિકુઠાર રસ, પલાશબીજ ચૂર્ણ, વિડંગ ચૂર્ણ, કાળી જીરી ચૂર્ણ, વિડંગારિષ્ટ વગેરે દવાઓ વૈદ્યકીય સલાહ લઈને લઈ શકાય છે.

(૨) ઉંદરી ત્વચાજન્ય વિકાર પણ કહી શકાય. આથી લોહી શુધ્ધ કરનાર ઔષધો જેવા કે ગંધક રસાયન, મંજીષ્ઠા ચૂર્ણ, નિમ્બ ચૂર્ણ, આરોગ્યવર્ધિની કોઈ એકનું વૈદ્યકીય સલાહ લઈને સેવન કરવું.

* બાહ્ય પ્રયોગમાં : (૧) નિમ્બતૈલનું ઊંદરીની જગ્યા ઉપર મસાજ કરવું. માથામાં નિમ્બતૈલ તથા કરંજતૈલનું અભ્યંગ નિયમિત કરવું જોઈએ. (૨) અંકોલની છાલને પાણીમાં ઘસી વાળમાં લેપ કરવો.

(૩) ભાંગરાનાં રસમાં યાગોડીનું ચૂર્ણ મેળવીને લેપ કરવાથી વાળ ઉગે છે.

(૪) ભોંયરીંગણીનાં રસનું માથાની ચામડી પર માલીશ કરવાથી ઊંદરી મટે છે.

(૫) પરવળનાં પાનનો રસ માથા પર લગાવવાથી ઊંદરી મટે છે.

(૬) જાસુદનાં ફૂલની પેસ્ટ બનાવીને નિયમિત માથામાં લગાવવાથી વાળ ઉગે છે.

(૭) કડવા લીમડાંનાં પાનને ધોઈને પેસ્ટ બનાવીને માથામાં લગાવવાથી ફાયદો થાય છે.

* નસ્ય ઃ જેઠીમધનું તેલ, ષડબિંદુ તેલ, નિમ્બતૈલ, ભૃંગરાજ તેલ કોઈપણ એક તેલના નાકમાં નિયમિત ટીપાં નાખવાથી પણ ઊંદરી રોગમાં ફાયદો થાય છે.

શિરોધારાની સારવાર પણ ઊંદરી રોગમાં ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઈ છે.

આમ, આયુર્વેદીક ઔષધોપચાર અને સારવાર ઊંદરીનાં રોગમાંથી છૂટકારો અપાવે છે તેમાં બેમત નથી.

- જ્હાન્વી ભટ્ટ




from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aOc9nH
Previous
Next Post »