વર્ચ્યુઅલ મિટીંગ્સમાં રૂપાળા દેખાવાની ચિંતા કરીને લોકો માનસિક વ્યાધિ નોતરે છે


કોરોનાના રોગચાળાને લીધે મુકાયેલા લાંબા લોકડાઉન અને વર્ક ફ્રોમ હોમની એક પછી એક સાઇડ ઇફેક્ટ્સ હવે બહાર આવી રહી છે. વર્ક ફ્રોમ હોમને લીધે ઘણાં પ્રોફેશનલોનું વજન વધી ગયું, ઘણાંના પતિ કે પત્ની સાથેના સંબંધો બગડયા અને ઘણાંને કોરોના ફોલિયા થઈ ગયો. વર્ક ફ્રોમ હોમ કરતા લોકોએ લગભગ રોજ ઓફિસની ઓનલાઈન વર્ચ્યુઅલ મિટીંગોમાં હાજરી આપવી પડે છે. ઝુમ એપ મારફત યોજાતી આવી મિટીંગોમાં સ્ટાફના બધા મેમ્બરો એકબીજાને નજીકથી જોઈ શકે છે. એને લીધે પ્રોફેશનલો પોતાના દેખાવ (લુક્સ) બાબતમાં વધુ પડતા સચે રહે છે. એ ઉપરાંત એમને પોતાના ગેટઅપ બાબતમાં પણ ચિંતા સતાવતી રહે છે. એમાંથી એક નવા પ્રકારની માનસિક વ્યાધિનો જન્મ થયો છે. 

મુંબઈની એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરતી રિચા શાહનો જ દાખલો લો. રિચા પોતાનો અનુભવ વર્ણવતા કહે છે, 'મહીનાઓથી હું કોરોનાના ક્વોરન્ટાઈન થયેલા દર્દીની જેમ રહુ છું. લોકડાઉન દરમ્યાન હું બનાના બ્રેડ અને પરફેક્ટ ડાલ્ગોના કોફી બનાવતા શીખી ગઈ છું. મને શરીરની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટ) વધારે એવું ફુડ ખાવાની આદત પડી ગઈ છે. ઉપરાંત, હું વર્કઆઉટ કરવામાં પણ આળસ નથી કરતી. પરંતુ એ બધાને લીધે મને ઝુમ મિટીંગોમાં હાજરી આપતી વખતે થતી ચિંતામાંથી છુટકારો નથી મળતો. હું વર્ચ્યુઅલ મિટીંગ્સ વખતે સતત એવું વિચાર્યા કરુ છું કે મારા દાંત પીળા નથી પડી ગયાને, મારી સ્કીન બહુ ઓઇલી તો નહિ લાગતી હોયને, મારી ડબલ દાઢી (ડબલ ચિન) બધાને દેખાતી હશે? અથવા તો મારા ચહેરા પર ખીલ વધી ગયા છે કે કેમ? લુક્સ વિશેની આટલી બધી ફિકરને કારણે મારો કોસ્મેટિક્સ (સૌંદર્ય પ્રસાધનો) અને ડર્મેટોલોજિસ્ટ (ચર્મરોગ નિષ્ણાત)ની અપોઈન્ટમેંટ્સનો ખર્ચ એકદમ વધી ગયો છે.'

આ એકલી રિચા શાહની સમસ્યા નથી. હજારો-લાખ્ખો પ્રોફેશનલોને આજે પોતાના દેખાવ વિશેની ચિંતા સતાવી રહી છે. ફેસિયલ પ્લાસ્ટિક સર્જરી એન્ડ એસ્થેટિક મેડિસીનના તાજેતરના એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે લોકડાઉન દરમ્યાન અમેરિકામાં પ્લાસ્ટિક સર્જરી કરાવનાર લોકોની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે. ભારતમાં પણ પરિસ્થિતિ આનાથી બહુ જુદી નથી, તો શું વર્ચ્યુઅલ મિટીંગો નોકરિયાતોના ચહેરા અને મગજ પર અસર કરી રહી છે? શું આવી ઓનલાઈન મિટીંગોને લીધે વ્યક્તિ બોડી ડિસ્મોર્ફિક ડિસ ઓર્ડર (પોતાના દેહ અને દેખાવ વિશે સતત અસંતોષ રહેવાની માનસિક વ્યાધિ)નો શિકાર બને છે? આવા પ્રશ્નોના જવાબ નિષ્ણાતો પાસેથી જાણવાનું વધુ સલાહભર્યું છે.

એ તો હકીકત છે કે અગાઉ ડર્મેટોલોજિસ્ટની કન્સલટેશન ફી ચુકવવા અથવા સ્કીન કેયર પ્રોડક્ટસ પાચળ ભાગ્યે જ પૈસા ખર્ચતા લોકો હવે એ માટે નાણાં વાપરવામાં સંકોચ નથી કરતા. 'હું ચોક્કસપણે કહી નથી શકતી કે લોકોમાં લોકડાઉન અને વર્ચ્યુઅલ મિટીંગોને લીધે. આ પરિવર્તન આવ્યું છે કે કેમ? પરંતુ મને એટલી ચોક્કસ ખબર છે કે હવે લોકોને ઘરે ઘણો બધો સમય મળતો હોવાથી તેઓ પોતાના ફિચર્સને ક્રિટીકલી એનલાઇઝ કરતા થઈ ગયા છે,' એમ ડર્મેટોલોજિસ્ટ ડૉ. અનુપમા પારેખ કહે છે.

જ્યારે કોસ્મેટિક ડર્મેલોજિસ્ટ ડૉ. અપ્રતીમ ગોયલનું માનવું છે કે પ્રોફેશનલ વ્યક્તિ જ્યારે વર્ચ્યુઅલ મિટીંગોમાં હાજરી આપે છે ત્યારે પોતાના દેખાવ વિશે વધુ સજાગ થઈ જાય છે. લોકડાઉન પછી કેટલીક નવી સમસ્યાઓ ઊભી થઈ છે. લોકો ચહેરા, ડોક જેવા શરીરના વધુ દેખાતા ભાગની ટ્રીટમેન્ટ પાછળ વધુ ખર્ચ કરતા થઈ ગયા છે. પોતાના ટેબલ પર કેમેરો મુકી એની સામે બોલતા ઘણાં બધા યુવાનોને આજે પોતાની ડબલ દાઢી દેખાવાની ચિંતા સતાવે છે. હમણાંથી અમારી પાસે ક્રાયઓલિપોલિસીસ (ચરબી ઉતારવાની ટ્રીટમેન્ટ) કરાવવા આવતા પેશન્ટ્સની સંખ્યા પણ વધી ગઈ છે,'  એમ ડૉ. ગોયલ વધુમાં જણાવે છે.

પોતાના દેહ અને દેખાવ વિશે ભારે અસંતોષ ધરાવતા લોકોને બોડી ડિસ્મોર્ફિક ડિસ ઓર્ડર નામની માનસિક વ્યાધિ થાય છે. આવી વ્યક્તિ સતત પોતાની સાચી કે કાલ્પનિક શારીરિક ખામીઓ વિશે વિચાર્યા કરે છે. એને લીધે એને મુંઝવણ, ચિંતા અને માનસિક આરોગ્યની બીજી સમસ્યાઓ ઘેરી વળે છે. 'લોકડાઉન પછી લોકો પોતાના લુક્સ અને પોતે કઈ રીતે બીજા સમક્ષ પોતાની જાતને રજુ કરવી એ વિશે ખોટી અપેક્ષાઓ રાખતા થઈ ગયા છે, કેટલાક તો સ્કીનકેયર પ્રોડક્ટસ વાપરીને અથવા સ્કીનકેયર ટ્રીટમેન્ટ કરાવીને ચમત્કારની અપેક્ષા રાખે છે. આવા લોકોને એના ખરા પરિણામોતી માહિતગાર કરવા પણ એક ભગીરથ કાર્ય બની ગયું છે. લોકો એટલી સાદી વાત પણ સમજતા નથી કે હું જેવો છું એવો જ બેસ્ટ દેખાવ છું,' એમ ડૉ. અનુપમા કહે છે.

કેટલીક ભેજાગેપ અને અતિ ઉત્સાહી યુવતિઓ તો અમુક ફિલ્ટર્સનો ઉપયોગ કરી પોતાના અલગ અલગ એંગલથી જુદા જુદા પોઝ લે છે, પછી એ ફોટા લઈ ડર્મેટોલોજિસ્ટ પાસે પહોંચી જાય છે અને એમને પૂછે છે કે શું તમે મને આવો લુક આપી શકો? આવા લોકો પોતાની જાત સાથે બહુ જ કઠોર અને અન્યાયપૂર્ણ વર્તન કરે છે. પેશન્ટને જ્યારે અવ્યવહારુ અપેક્ષાઓ હોય ત્યારે ડૉક્ટર માટે પણ એમના દેખાવને શક્ય તેટલો નિખાર આપવાનું મુશ્કેલ બની જાય છે. આવા દર્દીઓને ડૉ. અનુપમા પારેખ સાઇકોલોજિસ્ટ અથવા સાઇકિઆ ટ્રિસ્ટને મળવાનું સૂચન કરે છે.

વર્ચ્યુઅલ મિટીંગ્સ આજે ન્યુ નોર્મલ બાબત બની ગઈ છે એટલે ખાસ કરીને પ્રોફેશનલ સ્ત્રીઓને પોતાના લુક્સની ચિંતા રહેવી સ્વાભાવિક છે. ઝુમ એપ મારફત થતી વર્ચ્યુઅલ મિટીંગમાં વ્યક્તિનો ચહેરો, નાક અને કાન જ દેખાય છે. શરીરના એ ભાગની તમે ઘરગથ્થુ ઇલાજ કરી અથવા ડર્મેટોલિસ્ટે સૂચવેલી સ્કીન કેયર પ્રોડક્ટસ વાપરી યોગ્ય સંભાળ તો એટલે બસ.

 તમારો હસતો અને ખીલતો ચહેરો સામી વ્યક્તિને પણ જોવો ગમશે. ચહેરા પર ખીલ થયા હોય તો એની ચોવીસે કલાક ચિંતા કરવાને બદલે એનો ઉપાય કરો. અને સૌથી મહત્ત્વની વાત એ કે તમે કુદરતે જે દેખાવ આપ્યો છે એમાં જ તમે સુંદરતમ લાગો છો એવો આત્મવિશ્વાસ કેળવો. આવો આત્મવિશ્વાસ તમને ઘણી બધી માનસિક તકલીફોથી બચાવશે.

- રમેશ દવે



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KLANuu
Previous
Next Post »